VMC કમિશનરે કહ્યું: મારે 76 બેઠક ભાજપને જીતાડવાની છે; અરુણ મહેશબાબુના નિવેદન બાદ કાર્યવાહી કરવા રજૂઆત

3 મે 2025 અમદાવાદ: રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ પ્રવક્તા નરેન્દ્ર રાવતે વડોદરા મહાનગરપાલિકા કમિશનર અરુણ મહેશ બાબુ વિરુદ્ધ શિસ્ત ભંગના પગલાં લઈ તેમજ વડોદરા મહાનગરથી બદલી કરવાની માંગ કરી છે. આ માંગનું મુખ્ય કારણ કમિશનરનું વિવાદાસ્પદ નિવેદન છે. તેમણે કોર્પોરેશનના પદાધિકારીઓની એક બેઠકમાં કહ્યું હતું કે હું 1 વર્ષ માટે આવ્યો છું, મારે 76 બેઠક ભાજપને જીતાડવાની છે, કોઈની દખલગીરી ચાલશે. ત્યારે રાજ્યનાં ઉચ્ચ સરકારી વિભાગોમાં કેવા પ્રકારની રજૂઆત કરવામાં આવી છે સમજીએ વિગતવાર.

લોકશાહી વિરુદ્ધના કમિશનરના વિચાર છે
કોંગ્રેસ પ્રવક્તા નરેન્દ્ર રાવતે HD ન્યુઝ સાથે વાતચીત કરતા જણાવ્યુ હતું કે વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુ દ્વારા લોકશાહીને કલંક લાગે તેવી વાત કરી છે. તેને સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું. કાયદા મુજબ હકીકત એ છે કે ઓલ ઈન્ડિયા સર્વિસીસ (આચાર) નિયમો, 1968 મુજબ નિયમ 5 મુજબ રાજકારણ અને ચૂંટણીમાં ભાગ લેવો— 5(1) સેવાનો કોઈપણ સભ્ય કોઈપણ રાજકીય ચળવળ અથવા રાજકીય પ્રવૃત્તિમાં ભાગ લેશે નહીં, તેને ટેકો આપશે નહીં, અથવા અન્ય કોઈપણ રીતે સહાય કરશે નહીં. લોકશાહીમાં અધિકારીઓ ભાજપના હોદ્દેદારો બની આવ્યા છે. મ્યુનિ.કમિશનર અરુણ મહેશબાબુ પર તાત્કાલિક શિસ્તભંગની કાર્યવાહી અને વડોદરાથી તાત્કાલિક બદલીની માંગણી કરીએ છીએ તેવો પત્ર ચીફ સેક્રેટરી પંકજ જોશી, ગવર્નર આચાર્ય દેવવ્રતજીને, લોકાયુક્ત અને ચીફ જસ્ટિસ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો છે.
કોર્પોરેટર મારી સામે બોલશે તો હું જતો રહીશ: મહેશબાબુ
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અમોને અખબારી અહેવાલ મુજબ જાણવા મળ્યું કે વડોદરા મ્યુનિ. કમિશનર અરૂણ બાબુએ કોર્પોરેશનમાં 5 પદાધિકારીની બેઠક યોજાઇ હતી. જેમાં તેઓએ વિઝન વડોદરાનો કન્સેપ્ટ રજૂ કર્યો. તેની સાથે સાથે તેઓએ સ્પષ્ટ જણાવી દીધુ કે, કોર્પોરેશનની સભામાં જો કોઈ કોર્પોરેટર ખોટી રીતે મારી સામે બોલશે તો હું સભા છોડી ચાલ્યો જઇશ. સભા સંચાલનનું કામ નેતા અને દંડકનું છે. જ્યારે અગાઉ તેઓ સ્પેશીયલ એજન્ડા સાથે આવ્યા હતા ત્યારે 5 પદાધિકારી અને ધારાસભ્યો, સંસદસભ્યને સૂચના આપી હતી કે, કોર્પોરેશનની ટેન્ડર પ્રક્રિયામાં શરતોમાં ફેરફાર કરવા કોઈએ કમિશનરને ફોન કરવાનો નથી. જે કોઈ કામ હોય તો કોર્પોરેશનના 5 પદાધિકારી એક થઈ નક્કી કરે તે કામ કમિશનરને કહેવાનું રહેશે. આ બાબતો રાજકીય એજન્ડા જણાય છે.
IAS અધિકારીઓ રાજકીય મિશન સાથે અહીં આવ્યા છે
નરેન્દ્ર રાવતે માંગ કરતા જણાવ્યું હતું કે ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં રાખીને, એ સ્પષ્ટ છે કે IAS અધિકારીઓ આગામી ચૂંટણીઓમાં ભાજપની તરફેણ કરવાના રાજકીય મિશન સાથે આવ્યા છે. જે ભારતીય વહીવટી સેવાઓના તમામ નૈતિકતા અને આચારસંહિતા નિયમોની વિરુદ્ધ છે. આના દ્વારા તે સરકારના વ્હાલા થવા પોતાની કારકિર્દીના વિકાસ માટે આપ્રકરણી કાયદા વિરૂદ્ધની પ્રવૃત્તિ કરી રહ્યા છે. એક સરકારી અધિકારી તરીકે રાજકીય પક્ષપાતને કારણે શહેરને ખૂબ નુકસાન થશે. અમે લોકહિતને ધ્યાનમાં રાખીને સાથે વડોદરાથી કમિશ્નર અરુણ મહેશબાબૂની તાત્કાલિક બદલીની માંગ કરીએ છીએ, અને તેમની સામે શિસ્તભંગના પગલાં લેવાની માંગ કરીએ છીએ.












