ટ્રેન્ડિંગમનોરંજન

દિગ્ગજ અભિનેતા અનંત નાગને દાદાસાહેબ ફાળકે એવોર્ડ 2024થી કરાશે સન્માનિત, પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન

Anant Nag Dadasaheb Phalke Award 2024 : ભારતીય સિનેમામાં પોતાના અપ્રતિમ યોગદાન માટે દિગ્ગજ અભિનેતા અનંત નાગને પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એવોર્ડ 2024 થી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો (PIB) દ્વારા બુધવારે આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો ઈન્ડિયાએ સોશિયલ મીડિયા પર માહિતી શેર કરતા લખ્યું, “દાદાસાહેબ ફાળકે એવોર્ડ સિલેક્શન કમિટીની ભલામણના આધારે ભારત સરકાર દ્વારા જાહેરાત કરતા આનંદ થાય છે કે અભિનેતા અનંત નાગને ભારતીય સિનેમામાં તેમના અમૂલ્ય યોગદાન અને પેઢીઓને પ્રેરણા આપનારી શાનદાર ફિલ્મી સફર માટે દાદાસાહેબ ફાળકે એવોર્ડ 2024 થી સન્માનિત કરવામાં આવશે.”
આ પ્રતિષ્ઠિત પુરસ્કાર ગુજરાતના કેવડિયા (એકતા નગર) ખાતે 22 સપ્ટેમ્બર, 2026ના રોજ યોજાનારા ૭૨મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ સમારોહમાં અનંત નાગને પ્રદાન કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાઠવ્યા અભિનંદન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અનંત નાગને અભિનંદન પાઠવતા લખ્યું, “દિગ્ગજ અનંત નાગ જીને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત થવા પર ખૂબ ખૂબ અભિનંદન. દાયકાઓ સુધી તેમના અદ્ભુત અભિનય, વૈવિધ્યતા અને શ્રેષ્ઠતાએ ભારતીય સિનેમા, ખાસ કરીને કન્નડ સિનેમા પર એક ઊંડી છાપ છોડી છે. તેમણે જે પણ ભૂમિકા ભજવી છે, તેમાં તેમણે એક દુર્લભ ઊંડાણ અને પ્રામાણિકતા આણી છે. સાચે જ એક મહાન કલાકાર માટે આ એક યોગ્ય સન્માન છે.”

300થી વધુ ફિલ્મોમાં કરી ચૂક્યા છે કામ

4 સપ્ટેમ્બર, 1948 ના રોજ જન્મેલા અનંત નાગ (અનંત નાગરકટ્ટે) કન્નડ સિનેમાના સૌથી આદરણીય કલાકારોમાંથી એક છે. તેમણે પોતાના કરિયરમાં 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં ૨૫૦થી વધુ કન્નડ ફિલ્મો સામેલ છે. કન્નડ ઉપરાંત તેમણે હિન્દી, તેલુગુ, તમિલ, મરાઠી, મલયાલમ અને અંગ્રેજી ફિલ્મોમાં પણ પોતાના અભિનયનો જાદુ બતાવ્યો છે.
ફિલ્મો સિવાય અનંત નાગ ટેલિવિઝન પર પણ ખૂબ લોકપ્રિય રહ્યા છે. તેમણે વિખ્યાત લેખક આર. કે. નારાયણની વાર્તાઓ પર આધારિત દૂરદર્શનની અત્યંત લોકપ્રિય સીરિયલ ‘માલગુડી ડેઝ’ (Malgudi Days) માં યાદગાર ભૂમિકા ભજવી હતી. પોતાના શાનદાર કરિયર દરમિયાન તેમને ૫ કર્ણાટક સ્ટેટ ફિલ્મ એવોર્ડ્સ મળી ચૂક્યા છે. 2025માં ભારત સરકાર દ્વારા તેમને દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન ‘પદ્મ ભૂષણ’ થી પણ નવાજવામાં આવ્યા હતા.
દાદાસાહેબ ફાળકે એવોર્ડ એ ભારતીય સિનેમા ક્ષેત્રે આપવામાં આવતો દેશનો સર્વોચ્ચ પુરસ્કાર છે, જે ભારતીય સિનેમાના વિકાસ અને ઉત્થાનમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર કલાકારોને પ્રદાન કરવામાં આવે છે.
Back to top button