વડોદરામાં લગ્નના બે અઠવાડિયા પહેલા યુવકને હિટ એન્ડ રન, લોહીનું ભરાઈ ગયું ખાબોચિયું

વડોદરા, તા. 21 ઓક્ટોબર, 2025: વડોદરા શહેરના કુંભારવાડા વિસ્તારમાં એક ગમખ્વાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં લગ્નના આડે માત્ર બે અઠવાડિયા બાકી હોય તેવા એક યુવકને કાર ચાલકે ટક્કર મારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો છે. યુવકની હાલત અત્યંત ગંભીર છે, અને તેના પરિજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે.
આ અકસ્માત શહેરના ફતેપુરા ચાર રસ્તાથી ભાંડવાળા તરફ જતા માર્ગ પર બન્યો હતો. નૂર અહેમદ સહીમખાન પઠાણ (ઉંમર ૨૩) નામનો યુવક તેના એક્સેસ મોપેડ પર પાદરા સ્થિત પોતાની કપડાની દુકાનેથી ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન, એક ફોર વ્હીલર કારના ચાલકે તેને જોરદાર ટક્કર મારી હતી અને અકસ્માત સર્જીને તાત્કાલિક ફરાર થઈ ગયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે ઘટનાસ્થળે લોહીનું ખાબોચિયું ભરાયું હતું. આસપાસના લોકો તરત દોડી આવ્યા અને લોહીલુહાણ હાલતમાં પડેલા ગંભીર યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
ઈજાગ્રસ્ત નૂર અહેમદને પહેલા સયાજી હોસ્પિટલ અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સ્થિતિ અત્યંત ગંભીર છે અને સારવાર ચાલી રહી છે.
યુવકના ભાઈ મોહિમખાન પઠાણે આ અંગે દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “નૂર અહેમદની હાલત ખૂબ જ ગંભીર છે અને તે હજી સુધી ભાનમાં પણ આવ્યો નથી. આગામી ૬ નવેમ્બરે તેના લગ્ન છે.” લગ્નની તૈયારીઓ વચ્ચે અચાનક બનેલી આ ઘટનાથી યુવકના પરિજનો રડી પડ્યા હતા.
અકસ્માત સર્જીને ફરાર થયેલા અજાણ્યા કાર ચાલક સામે નૂર અહેમદના ભાઈએ કુંભારવાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને ફરાર કાર ચાલકને શોધવા માટે વધુ કાર્યવાહી હાથ ધરી છે.












