ગુજરાતટોપ ન્યૂઝ

Vadodara: મહેંદી મૂકવા નીકળેલી યુવતીની ગળું દબાવી હત્યા, ઝાડીમાંથી મળ્યો મૃતદેહ

Vadodara Crime News: વડોદરા શહેર ફરી એકવાર હચમચી ઉઠ્યું છે. અંકોડિયા વિસ્તારમાંથી સોમવારે સાંજે એક યુવતીની હત્યા કરાયેલી લાશ ઝાડી-ઝાંખરામાંથી મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. બાદમાં મૃતદેહની ઓળખ દિવ્યા પરમાર તરીકે થઈ છે, જે મુજમહુડા ગામની રહેવાસી હતી અને મહેંદી તથા બ્યુટી સંબંધિત કામ કરતી હતી.

મહેંદી મૂકવા જવાનું કહીને નીકળી હતી

પરિવારજનોએ જણાવ્યા મુજબ દિવ્યા ત્રણ તારીખે સવારે ઘરેથી મહેંદી મૂકવા જવાનું કહીને નીકળી હતી. શરૂઆતમાં તે ફોન પર સંપર્કમાં હતી અને તેણે જણાવ્યું હતું કે તે કામ પૂર્ણ કરીને પરત આવી જશે. પરંતુ થોડા સમય બાદ તેનો ફોન અચાનક બંધ આવી ગયો હતો અને કોઈ જવાબ મળતો નહોતો. ભાઈ અજય પરમારે જણાવ્યું કે બહેન ક્યારેય આવી રીતે અચાનક સંપર્ક તોડતી નહોતી, તેથી તેમને શંકા થઈ હતી. તેમણે સતત કોલ કર્યા પરંતુ કોઈ જવાબ મળ્યો નહોતો. ત્યારબાદ પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી અને પોલીસ મથકમાં પણ જાણ કરી હતી.

પરિવારના પોલીસ પર આક્ષેપ

પરિવારનો આરોપ છે કે પોલીસને સમયસર જાણ કરવા છતાં માત્ર અરજી લઈને મામલો ટાળવામાં આવ્યો હતો અને ગંભીરતા દાખવવામાં આવી નહોતી. અજય પરમારે આક્ષેપ કર્યો કે જો પોલીસે તાત્કાલિક પગલાં લીધા હોત તો કદાચ તેમની બહેન જીવતી હોત.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ઝાડીમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો

સોમવારે સાંજે અંકોડિયા વિસ્તારમાં ઝાડીમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાસ્થળે તપાસ દરમિયાન તેના ગળા પર વાયર વીંટેલો હોવાનું સામે આવ્યું હતું, જેનાથી ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. હત્યાનો ગુનો નોંધીને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ, પરિવારજનો સોશિયલ મીડિયા પર ફોટો જોઈને હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં ઓળખ કરતા મૃતદેહ તેમની દીકરી દિવ્યા પરમારનો હોવાનું સ્પષ્ટ થયું હતું. આ ક્ષણે પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.

યુવતી ખાનગી હોસ્પિટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી હતી

દિવ્યા ખાનગી હોસ્પિટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી હતી અને સાથે પાર્ટ-ટાઈમ બ્યુટી પાર્લરનું કામ કરીને પરિવારને આર્થિક સહારો આપતી હતી. તેની અચાનક હત્યાથી સમગ્ર પરિવાર અને વિસ્તાર શોકમાં ડૂબી ગયો છે. પોલીસ હાલ મોબાઇલ કોલ ડિટેલ્સ, છેલ્લી લોકેશન અને CCTV ફૂટેજના આધારે તપાસ આગળ ધપાવી રહી છે. આરોપીની ઓળખ અને હત્યાનું ચોક્કસ કારણ જાણવા માટે અલગ અલગ દિશામાં તપાસ ચાલી રહી છે.

સ્થાનિકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે. પરિવાર અને સ્થાનિકો ન્યાયની માંગ કરી રહ્યા છે અને આરોપીને ઝડપી સજા આપવાની માંગ કરી રહ્યા છે.

 આ પણ વાંચો: શું ભારત હવે વિયેતનામને વેચશે બ્રહ્મોસ મિસાઈલ? જાણો કેવી રીતે થઈ શકે છે આ ડીલ

 

Back to top button