ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

એક જ પરિવારના 3 સભ્યોના મૃતદેહ ઘરમાંથી મળતા સનસનાટી ફેલાઈ, મૃતકમાં પતિ-પત્ની અને દીકરી હતી

લખનઉ, 30 જૂન 2025: ઉત્તર પ્રદેશના લખનઉમાં આજે એક ઘરમાંથી 3 લોકોના મૃતદેહ મળી આવતા સનસનાટી ફેલાઈ ગઈ છે. મૃતકોમાં પતિ-પત્ની અને તેમની સગીર પુત્રીનો સમાવેશ થાય છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને કબજે કર્યા હતા અને ગુનાના સ્થળેથી પુરાવા એકત્રિત કર્યા હતા.

આ ઘટના લખનઉના ચોક પોલીસ સ્ટેશન વિસ્તારના નખાસના અશરફાબાદ વિસ્તારમાં બની હતી. મૃતકોની ઓળખ 48 વર્ષીય શોભિત રસ્તોગી, તેની પત્ની સુચિતા રસ્તોગી અને 16 વર્ષની પુત્રી ખ્યાતિ રસ્તોગી તરીકે થઈ છે. પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી છે. ત્રણેયે ઝેર પીને મોતને વ્હાલુ કર્યું છે. શોભિત કાપડનો વેપારી હતો. રાજાજીપુરમમાં તેનો કાપડનો શોરૂમ હતો. ફોરેન્સિક ટીમે પુરાવા એકત્રિત કર્યા છે. પોલીસને રૂમની બહાર મહિલાની તૂટેલી બંગડીઓ મળી આવી છે.

પરિવાર બેંક લોનથી પરેશાન હતો

ડીસીપી પશ્ચિમ વિશ્વજીત શ્રીવાસ્તવ પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસ કરી. તેમણે કહ્યું કે બેંક લોનથી કંટાળીને પરિવારે આત્મહત્યા કરવાનું પગલું ભર્યું હતું. શોભિતના સંબંધીએ પોલીસને પરિવારની આત્મહત્યાની જાણ કરી હતી. સંબંધીએ પોલીસને જણાવ્યું કે શોભિતની પુત્રી ખ્યાતિએ ફોન કરીને કહ્યું હતું કે તેણે અને તેના માતા-પિતાએ સલ્ફા પીધું છે. તેમની હાલત બગડવા લાગી હતી. જ્યારે તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે ત્રણેયના મૃત્યુ થઈ ગયા હતા. ડીસીપીએ જણાવ્યું કે ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે, જે દર્શાવે છે કે શોભિત બેંક લોનથી પરેશાન હતો. તેથી, પોલીસ બેંક લોનને કારણે આત્મહત્યાના એંગલની તપાસ કરી રહી છે. પડોશીઓ અને સંબંધીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે. લૂંટ કે અન્ય કૌટુંબિક વિવાદના એંગલથી પણ તપાસ કરવામાં આવશે.

ડીસીપી પશ્ચિમ વિશ્વજીત શ્રીવાસ્તવે મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે આજે સવારે એક વ્યક્તિએ ફોન કરીને જાણ કરી હતી કે તેના સંબંધીએ તેની પત્ની અને પુત્રી સાથે ઝેર પીને આત્મહત્યા કરી છે. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ત્રણેય લોકોના મૃત્યુ થઈ ગયા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. સંબંધીઓ અને પડોશીઓ સાથે વાત કરી હતી. ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કર્યા હતા અને સુસાઈડ નોટ મળી આવી હતી. આત્મહત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: 40 વર્ષની ઉંમરે પણ ફાફ ડુ પ્લેસિસે ધમાલ મચાવી, 53 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચી દીધો

Back to top button