અમેરિકા અને ઇરાને આપ્યા પોઝિટિવ સિગ્નલ, જલ્દી ખતમ થઈ શકે છે યુદ્ધ

US Iran Conflict: શું અમેરિકા અને ઈરાન વચ્ચે 26 દિવસથી ચાલી રહેલું યુદ્ધ હવે ખતમ થવાનું છે? ભલે મિડલ ઈસ્ટની જમીન પર હુમલા હજુ પણ બંધ થયા નથી, પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇરાન તરફથી એવા સંકેતો મળ્યા છે કે જલ્દી જ યુદ્ધ ખતમ થઈ શકે છે. અમેરિકા અને ઇઝરાયલે યુદ્ધ શરૂ કરતી વખતે ઇરાનમાં જે હાંસલ કરવાના સપના જોયા હતા તે પુરા થઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું નથી. હવે ટ્રમ્પે પણ સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે તેઓ કોઈપણ કિંમતે જલ્દીથી જ યુદ્ધ ખતમ કરવા માંગે છે. ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળની સરકારે ઇરાનને 15 મુદ્દાવાળી યુદ્ધવિરામ યોજના આપી છે. બીજી તરફ, ઇરાને પણ સકારાત્મક સંદેશ આપ્યો છે કે તે હોર્મુઝના માર્ગથી જહાજોને પસાર થવા માટે મંજૂરી આપશે.
અમેરિકા તરફથી પોઝિટિવ સિગ્નલ
ધ ન્યૂ યોર્ક ટાઈમ્સે અહેવાલ આપ્યો છે કે ટ્રેમ્પે યુદ્ધ ખતમ કરવા માટે પાકિસ્તાનના માધ્યમથી ઈરાનને 15-મુદ્દાની યોજના મોકલી છે. એક ઈઝરાયલની ચેનલ 12 એ કહ્યું છે કે ટ્રમ્પે ઇરાનને એક મહિના માટે યુદ્ધ રોકવાનો (ceasefire) પ્રસ્તાવ આપ્યો છે. આ એક મહિના દરમિયાન બંને દેશો બેસીને વાતચીત કરશે. આ વાતચીતમાં ખાસ કરીને એ ચર્ચા થશે કે ઇરાન પોતાનું સમૃદ્ધ યુરેનિયમ (એનરિચ્ડ યુરેનિયમ) સોંપે અને આગળ જઈને વધુ યુરેનિયમ એનરિચ ન કરે.
ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજો સુરક્ષિત રીતે પસાર થઈ શકે તેની ખાતરી આપશે. તેના બદલે ઇરાન પર ઘણા વર્ષોથી લાગેલા બધા પ્રતિબંધો હટાવી દેવામાં આવશે. સાથે સાથે, ઈરાનને બુશેહરમાં નાગરિક પરમાણુ ઊર્જા વિકસાવવામાં પણ સહાય મળશે, જે 1979ની ઇસ્લામિક ક્રાંતિથી શરૂ થયેલી એક મુખ્ય સાઇટ છે.
ટ્રમ્પે કહ્યું કે ઈરાને તેમને એક ખાસ ગિફ્ટ મોકલી છે. તેમણે 24 માર્ચે ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે, “ઇરાને એવું કંઈક કર્યું છે જે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેમણે અમને ગિફ્ટ મોકલી અને તે ગિફ્ટ આજે પહોંચી. જોકે, ટ્રમ્પે વધુ વિગતો આપી નહોતી, પરંતુ તેમણે સંકેત આપી દીધો કે આ બાબત હોર્મુઝ સ્ટ્રેટ સાથે સંબંધિત છે. સરળ ભાષામાં કહીએ તો, ટ્રમ્પના કહેવા પ્રમાણે ઇરાન તરફથી કોઈ સકારાત્મક પગલું લેવામાં આવ્યું છે, જેનાથી એવું લાગી રહ્યું છે કે બંને દેશો વચ્ચે વાતચીત સારી દિશામાં જઈ રહી છે.
તમને જણાવી દઈએ કે, ઈરાને હજુ સુધી અમેરિકા સાથે કોઈ વાતચીતની પુષ્ટિ કરી નથી.
ઈરાન તરફથી પોઝિટિવ સિગ્નલ
ઈન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઈઝેશન (IMO) ને જારી કરાયેલા એક નિવેદન અનુસાર, ઈરાને જણાવ્યું છે કે જે જહાજો યુદ્ધમાં સામેલ નથી, તેઓ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ શકે છે. એટલે કે, જો કોઈ જહાજ ઇરાન સામેની લડાઈમાં ભાગ નથી લેતું કે તેને સપોર્ટ નથી કરતું અને સુરક્ષાના નિયમોનું પાલન કરે છે, તો તેને હોર્મુઝ માર્ગથી સલામત રીતે પસાર થવાની મંજૂરી મળશે.
ઇરાને અમેરિકા અને ઇઝરાયલના હુમલાના જવાબમાં હોર્મુઝ સ્ટ્રેટને મોટા ભાગે બંધ કરી દીધો હતો. આ કારણે દુનિયાભરમાં તેલ અને ઊર્જાની કિંમતો ઝડપથી વધી ગઈ, કારણ કે આ માર્ગથી ઘણું તેલ પરિવહન થાય છે.
તેલના ભાવમાં રાહત
યુદ્ધ બંધ થવાની આશાઓ વચ્ચે બુધવારે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો. સવારે 10:40 વાગ્યા સુધીમાં, બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ લગભગ 7% ઘટીને લગભગ 97 ડોલર પ્રતિ બેરલ સુધી આવી ગયું, જ્યારે યુએસ WTI ક્રૂડ પણ 6%થી વધુ ઘટીને લગભગ 86 ડોલર સુધી પહોંચી ગયું. મતલબ કે યુદ્ધ ખતમ થવાની આશાથી તેલ સસ્તું થવા લાગ્યું છે.
નિષ્ણાતોએ જણાવ્યું કે તેલના ભાવમાં આ ઘટાડો ભારત માટે સારો છે. તેના કારણે મોંઘવારી ઓછી થઈ શકે છે, દેશનો ખર્ચ (ખાસ કરીને તેલ આયાત) ઓછો થશે અને રૂપિયા પર પડતો દબાણ પણ થોડો ઘટશે.
આ પણ વાંચો: 1 મહિનાનું સીઝફાયર: ઈરાન સાથે યુદ્ધ ખતમ કરવા ટ્રમ્પે 15 શરતો મૂકી












