ઉત્તર પ્રદેશમાં કુદરતી આફત: ભારે વાવાઝોડા, વરસાદ અને કરા પડતા 15ના મોત
UP Weather News: ઉત્તર પ્રદેશમાં બુધવારે પશ્ચિમી વિક્ષોભના પ્રભાવ હેઠળ આવેલા ભારે વાવાઝોડા, વરસાદ અને કરાએ વ્યાપક વિનાશ વેર્યો છે. રાજ્યના વિવિધ ભાગોમાં વૃક્ષો પડવા, મકાનો ધરાશાયી થવા અને વીજળી પડવાની ઘટનાઓમાં અત્યાર સુધીમાં પંદર લોકોના કરુણ મોત નીપજ્યા છે. અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જ્યારે પશુધનને પણ મોટું નુકસાન થયું છે. હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે લખનૌ, ઉન્નાવ અને સીતાપુર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.
ક્યાં કેટલો વિનાશ?
બુધવારે બપોરે 2:30 વાગ્યાની આસપાસ ઉન્નાવ અને પ્રયાગરાજમાં અચાનક વાતાવરણ પલટાયું હતું અને કરા સાથે ભારે વરસાદ શરૂ થયો હતો. પ્રયાગરાજ, જૌનપુર, પ્રતાપગઢ અને બાંદામાં પવનની ગતિ 80 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ હતી. આ જોરદાર પવને સેંકડો વૃક્ષો ઉખેડી નાખ્યા હતા, ટીન શેડ અને મોટા સાઇનબોર્ડ ઉડી ગયા હતા. બદાયૂં અને બરેલીમાં તોફાની પવને અનેક યુનિપોલ ઉખાડી નાખ્યા હતા, જેના કારણે વાહનવ્યવહાર અને વીજ પુરવઠો ખોરવાયો હતો.
મૃત્યુઆંક 15 પર પહોંચ્યો
વાવાઝોડા અને વરસાદને લગતા અકસ્માતોમાં રાજ્યભરમાં અત્યાર સુધીમાં કુલ 15 લોકોએ જીવ ગુમાવ્યા છે. બદાયૂંમાં સૌથી વધુ 5 લોકોના મોત થયા છે. ફતેહપુરમાં અલગ-અલગ ઘટનાઓમાં 5 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. જ્યારે ભદોહીમાં એક ઘર પર લીમડાનું ઝાડ પડતા એક જ પરિવારના 4 લોકોના મોત થયા છે. આ ઉપરાંત ઉન્નાવ જિલ્લામાં એક માસૂમ બાળક સહિત 3 લોકોના મોત નીપજયાં છે. ઉન્નાવમાં કેરીના ઝાડ નીચે બેઠેલા 70 વર્ષીય વૃદ્ધ અને રસ્તા પર ચાલતા 9 વર્ષીય બાળક પર ઝાડ પડતા તેમના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જિલ્લા વહીવટીતંત્રે ત્રણ પશુઓના મોતના સમાચારની પણ પુષ્ટિ કરી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
38 જિલ્લાઓમાં એલર્ટ
લખનૌ હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, પશ્ચિમી વિક્ષોભ સક્રિય હોવાને કારણે આગામી 24 કલાક સુધી હવામાન આવું જ રહેશે. રાજ્યના 38 જિલ્લાઓમાં ‘યલો એલર્ટ’ જારી કરવામાં આવ્યું છે, જ્યાં 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને વીજળી પડવાની સંભાવના છે. જોકે, રાહત માત્ર ટૂંકા ગાળાની છે. હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે કે 15 મેથી ગરમીનું જોર ફરી વધશે. આગામી દિવસોમાં તાપમાનમાં 6 થી 8 ડિગ્રીનો વધારો થઈ શકે છે, જેના કારણે પારો 45 ડિગ્રીને વટાવી જવાની આશંકા છે. હાલમાં વહીવટીતંત્ર નુકસાનનું આંકલન કરી રહ્યું છે અને અસરગ્રસ્તોને તત્કાલ સહાય પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: આજથી જ વીજળીનું બિલ કરો અડધું! જાણો સરળ ઉપાયો અને બચતની ટ્રિક્સ












