ટ્રમ્પને ગમી ભારતની ચૂંટણી વ્યવસ્થા, SAVE America Act માટે કોંગ્રેસને કરી અપીલ

Trump impressed by India’s electoral system: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની ચૂંટણી વ્યવસ્થાથી પ્રભાવિત દેખાઈ રહ્યા છે. તેમણે અમેરિકામાં ભારત જેવી મતદાર ઓળખ અને ચૂંટણી વ્યવસ્થા લાગુ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Truth Social પર ભારતની ચૂંટણી વ્યવસ્થાનો ઉલ્લેખ કરીને SAVE America Act પસાર કરવાની અપીલ કરી છે.
ટ્રમ્પે પોતાની પોસ્ટમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સાથે થયેલી વાતચીતનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે અમેરિકામાં મતદારોની ઓળખ સંબંધિત નિયમોને વધુ કડક બનાવવાની જરૂરિયાત દર્શાવી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનો કર્યો ઉલ્લેખ
ટ્રમ્પે જણાવ્યું કે આ જ મહિને ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે તેમના પ્રશાસન સમક્ષ સવાલ કર્યો હતો કે અમેરિકામાં માન્ય ફોટો ઓળખપત્ર વિના ચૂંટણી કેવી રીતે યોજાય છે.
ટ્રમ્પે ભારતના લોકસભા ચૂંટણીના આંકડાઓનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે ભારતની છેલ્લી લોકસભા ચૂંટણીમાં આશરે 64.6 કરોડ મતદારોએ મતદાન કર્યું હતું, જ્યારે એક ટકાથી પણ ઓછા લોકોએ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કર્યું હતું.
ટ્રમ્પના જણાવ્યા અનુસાર ભારતમાં દરેક મતદાર માટે માન્ય ફોટો ઓળખ દસ્તાવેજ જરૂરી હતો. આ ઉદાહરણ આપતાં તેમણે અમેરિકામાં SAVE America Act પસાર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
શું છે SAVE America Act?
SAVE America Actનો સંપૂર્ણ અર્થ Safeguard American Voter Eligibility Act છે. આ પ્રસ્તાવિત કાયદા હેઠળ અમેરિકાની ચૂંટણી વ્યવસ્થામાં કેટલાક મોટા ફેરફારો કરવાની વાત કરવામાં આવી છે.
આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે માત્ર અમેરિકાના નાગરિકો જ ફેડરલ ચૂંટણીમાં મતદાન કરી શકે. મતદાર તરીકે રજીસ્ટ્રેશન કરાવતી વખતે નાગરિકતાનો પુરાવો રજૂ કરવાની જોગવાઈ પણ પ્રસ્તાવિત છે.
આ ઉપરાંત સમગ્ર દેશમાં મતદાર ઓળખપત્રની વ્યવસ્થા લાગુ કરવાની વાત કરવામાં આવી છે. મેઇલ-ઇન વોટિંગ પર પણ નિયંત્રણો કડક કરવાની જોગવાઈ છે, જોકે બીમાર, દિવ્યાંગ, સૈન્યમાં સેવા આપતા અથવા મુસાફરી કરી રહેલા લોકો માટે કેટલીક છૂટછાટો રાખવાની વાત કરવામાં આવી છે.
પ્રસ્તાવ હેઠળ રાજ્યોને મતદાર યાદીમાં રહેલા બિન-નાગરિકોની ઓળખ કરીને તેમના નામ દૂર કરવાની જવાબદારી પણ આપવામાં આવી શકે છે. સમર્થકોનું કહેવું છે કે આ પ્રકારના પગલાં ચૂંટણીમાં છેતરપિંડી રોકવામાં મદદરૂપ થઈ શકે છે.
અમેરિકામાં ચૂંટણી સુધારાને લઈને ટ્રમ્પ
ટ્રમ્પનો ભાર એ વાત પર છે કે અમેરિકાની ચૂંટણીમાં માત્ર અમેરિકન નાગરિકો જ નિર્ણય લેવામાં ભાગ લે. ભારતની મતદાર ઓળખ વ્યવસ્થાનો ઉલ્લેખ કરીને તેમણે SAVE America Actને સમર્થન આપવા કોંગ્રેસ પર દબાણ વધાર્યું છે.
ભારતમાં અમેરિકાના રાજદૂત સર્ગિયો ગોરે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્રમ્પના નિવેદનનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું કે ટ્રમ્પની વાત યોગ્ય છે અને ભારતની છેલ્લી ચૂંટણીમાં આશરે 64.6 કરોડ મતદારો માટે ઓળખપત્ર જરૂરી હતું. તેમણે અમેરિકન કોંગ્રેસને SAVE America Act પસાર કરવાની અપીલ કરી હતી.
આ પણ વાંચો : રામ મંદિર દાન ચોરી કેસમાં ચંપત રાય અને અનિલ મિશ્રાને SITની મળી ક્લીનચિટ












