ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસવર્લ્ડ

ટ્રમ્પની ચીનને ફરી એક ધમકી, જો રશિયા પાસેથી ક્રૂડ ખરીદ્યુ તો લાગશે 500 ટકા ટેરિફ

વોશિંગ્ટન, 17 ઓક્ટોબર, 2025: ટ્રેડ, ટેરિફ અને રશિયન ક્રૂડને મુદ્દે અમેરિકા તેમજ ચીન વચ્ચેની અથડામણો વધી રહી છે. આ વચ્ચે અમેરિકી નાણાં મંત્રી બેસન્ટે કહ્યુ કે અમેરિકી સેનેટ, પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનની આયાત પર 500 ટકા સુધીની ટેરિફ લગાવવાનો વ્યાપક અધિકાર આપવા માટે તૈયાર છે. વોશિંગ્ટનમાં આઇએમએફ (IMF)અને વર્લ્ડ બેન્કની વાર્ષિક બેઠકો દરમિયાન એક ફોરમમાં બોલતા બેસેન્ટે કહ્યુ કે ચીન પર 500 ટકા ટેરિફ લગાવવાના ઉપાયને મજબૂત સમર્થન મળ્યુ છે.

દરમિયાન, સ્કોટ બેસન્ટે પત્રકારોને જણાવ્યું હતું કે, “યુએસ સેનેટ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને બીજિંગ દ્વારા રશિયન ક્રૂડ ખરીદવા બદલ ચીન પર 500% ટેરિફ લાદવાનો અધિકાર આપવાના વિચારને સમર્થન આપવા તૈયાર છે.”

ક્રૂડની આડમાં રશિયાને આર્થિક સહાય

સ્કોટ બેસન્ટે બીજિંગ પર ક્રૂડ ખરીદી દ્વારા યુક્રેનમાં રશિયાના યુદ્ધને પરોક્ષ રીતે ભંડોળ પૂરું પાડવાનો આરોપ મૂક્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે, “ચીન દ્વારા રશિયન ઓઇલ ખરીદવાથી રશિયન યુદ્ધને બળ મળે છે.”

મેની શરૂઆતમાં, યુએસ સેનેટે ટ્રમ્પના ટેરિફને રોકવા માટે 49-49 મત આપ્યા હતા, જેનાથી તેમની સત્તા મર્યાદિત કરવાના પગલાને અસરકારક રીતે નકારી કાઢવામાં આવ્યો હતો.

બેસન્ટે કહ્યું હતું કે “85 યુએસ સેનેટર ડોનાલ્ડ ટ્રમ્પને ટેકો આપવા અને તેમને અભૂતપૂર્વ ટેરિફ લાદવાની મંજૂરી આપવા તૈયાર હતા.”

ચીન સાથે વધતા તણાવ છતાં, બેસન્ટે બીજિંગ સાથે ચાલી રહેલી વાટાઘાટો પર સકારાત્મક વલણ અપનાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “હું આશાવાદી છું. અમે હવે ખૂબ જ ઉચ્ચ સ્તરે જોડાઈ રહ્યા છીએ.” તેમણે એ પણ નિર્દેશ કર્યો હતો કે બંને પક્ષો IMF અને વિશ્વ બેંકની બેઠકોની બાજુમાં કાર્યકારી સ્તરની વાટાઘાટો પણ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ આ દેશોમાં છે વેપારની તક, ભારત કરી શકે છે સમજૂતિઓ

Back to top button