“TMCનું કોંગ્રેસમાં વિલીનીકરણ કરો, તમને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદ આપીશું”, સોનિયા ગાંધીએ મમતા બેનર્જીને આપી મોટી ઓફર

Trinamool Congress crisis: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં થયેલી કારમી હાર બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) અસ્તિત્વના સંકટનો સામનો કરી રહી છે. મમતા બેનર્જીના 80 ધારાસભ્યોમાંથી 58 ધારાસભ્યોએ પોતાનો અલગ જૂથ બનાવ્યો છે, જ્યારે દિલ્હીમાં પણ આશરે 20 સાંસદો TMC છોડી દીધી છે. આ દરમિયાન, કોંગ્રેસ સુપ્રીમો સોનિયા ગાંધીએ ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીને એક મહત્વપૂર્ણ ઓફર કરી છે.
સોનિયા ગાંધીએ મમતા બેનર્જીને કોંગ્રેસમાં ટીએમસીના વિલીનીકરણની ઓફર કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સોનિયા ગાંધીએ મમતાને કહ્યું છે કે જો તેઓ TMCનું કોંગ્રેસમાં વિલીનીકરણ કરે, તો તેના બદલામાં તેમને કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદની જવાબદારી સોંપવામાં આવશે. વધુમાં, તેમના ભત્રીજા અભિષેક બેનર્જીને પણ પાર્ટીના મહાસચિવનું પદ આપવામાં આવશે.
સોનિયા ગાંધીએ મમતા બેનર્જીને ઓફર કરી
સૂત્રોના જણાવ્યા અનુસાર, સોનિયા ગાંધીએ મમતા બેનર્જીને પ્રસ્તાવ આપ્યો હતો કે BJPના સતત રાજકીય હુમલાઓને ધ્યાનમાં રાખીને TMCનું કોંગ્રેસમાં વિલીનીકરણ કરી દેવું જોઈએ. સૂત્રોનું કહેવું છે કે જો આવું નહીં થાય તો BJP, આમ આદમી પાર્ટીની જેમ TMCને પણ મુશ્કેલીમાં મૂકી શકે છે. સાથે જ, પાર્ટીની અંદર પણ કેટલાક નેતાઓ અભિષેક બેનર્જીના વિરોધમાં હોવાનું કહેવાઈ રહ્યું છે, જેના કારણે તેમના માટે રાજકીય પરિસ્થિતિ વધુ પડકારજનક બની રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, સોનિયા ગાંધીએ આ મુદ્દે મમતા બેનર્જી સાથે વ્યક્તિગત રીતે ફોન પર વાત કરી હતી.
મમતા બેનર્જીએ આ પ્રસ્તાવ અંગે અંતિમ નિર્ણય લેવા માટે થોડા દિવસનો સમય માગ્યો છે. જોકે, આ સમગ્ર મામલે કોંગ્રેસ અથવા TMC તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
આ પણ વાંચો: મમતા બેનર્જીને વધુ એક ફટકો, રાજ્યસભા સાંસદ સુષ્મિતા દેવે પદ પરથી રાજીનામું આપ્યું












