તો ટ્રમ્પને આખા વિશ્વને એક લાખ કરોડ ડોલર ચૂકવવા પડી શકે છે!

વોશિંગ્ટન, 9 સપ્ટેમ્બર, 2025: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તામાં આવ્યા ત્યારથી જ અનેક દેશો પર ટેરિફનો કોરડો વીંઝ્યો છે. તેમની સામે જનતાથી લઇને સાંસદોએ વિરોધ કર્યો છે. જ્યારે બે ફેડરલ કોર્ટના અવલોકન અનુસાર ટ્રમ્પ પાસે 1977 ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (આઇઇઇપીએ) હેઠળ ટેરિફ નાખવાની સત્તા છે જ નહીં. પરંતુ હવે આ આ આખો મામલો અમેરિકન સુપ્રીમ કોર્ટમાં છે. જો સુપ્રીમ પણ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ લાદવામાં તેમની સત્તાથી બહા જઇને ટેરિફ અંગે પગલાં ઉઠાવ્યા છે તેવો આદેશ આપે તો અમેરિકાએ અબજો ડોલરની ટેરિફ આવક પરત કરવી પડી શકે છે. જો ટેરિફ અંગે ચાલતો કેસ આગામી વર્ષના મધ્યાંતર સુધી ખેંચાય તો આ રકમ 750 અબજ ડોલરથી લઈને એક ટ્રિલિયન ડોલર સુધીની હોઈ શકે છે, એવી ચેતવણી અમેરિકાના નાણાપ્રધાન સ્કોટ બેસન્ટે આપી છે.
શું કહે છે નાણાપ્રધાન સ્કોટ બેસન્ટ
નાણાપ્રધાન સ્કોટ બેસન્ટે સ્થાનિક ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે અમારે ટેરિફ પેટે ઉઘરાવેલી રકમની અડધી રકમ પરત કરવી પડશે. તેમનું વહીવટીતંત્ર આ રકમ ચૂકવવા સક્ષમ છે, તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે જો કોર્ટ આદેશ આપશે તો અમારે ચૂકવણી કરવી જ પડશે. જો કે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓને સુપ્રીમ કોર્ટમાં દાખલ કેસ જીતવાનો વિશ્વાસ છે.
ફેડરલ સર્કિટની યુએસ કોર્ટ ઓફ અપીલ્સે 29મી ઓગસ્ટના રોજ આપેલા આદેશમાં જણાવ્યું હતું કે ટ્રમ્પ તેની લિબરેશન મૂવમેન્ટના ભાગરૂપે દરેક દેશ પર રેસિપ્રોકલ ટેરિફ લાદીને પ્રમુખ તરીકેની તેમની સત્તાથી બહાર જઇને પગલાં લીધા છે.
યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેકશન ફોર્સે અત્યાર સુધીમાં 70 અબજ ડોલરથી વધુ રકમ એકત્રિત કરી
કોર્ટે ચુકાદાના અમલીકરણ માટે 14 ઓક્ટોબર સુધીની તારીખ આપી હતી, જેથી તેઓ તેની સામે અપીલમાં જવું હોય તો જઈ શકે. ટ્રમ્પે સુપ્રીમ કોર્ટને વહેલા સુનાવણી કરીને આદેશ આપવા જણાવ્યું છે, જેથી ટેરિફ મોરચે સ્થિતિ સ્પષ્ટ થઈ જાય. નવા ટેરિફ ઓગસ્ટમાં અમલમાં આવ્યા હોવાથી યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેકશન ફોર્સે અત્યાર સુધીમાં 70 અબજ ડોલરથી વધુ રકમ એકત્રિત કરી છે. હવે જો આ કાર્યવાહી 2026ના મધ્યાંતર સુધી ખસેડાય તો બેસન્ટે ચેતવણી આપી છે કે દેશને તેના વળતર પેટે જંગી રકમ ચૂકવવાની આવી શકે છે. તેના કારણે અમેરિકાની નાણાકીય સ્થિતિ જોખમાઈ શકે છે.
જોકે નેશનલ ઇકોનોમિક કાઉન્સિલ ડિરેક્ટર કેવિન હેસેટે જણાવ્યું હતું કે વહીવટીતંત્ર આ સંજોગોમાં ટ્રેડ એક્સ્પાન્સન એક્ટ હેઠળ રાષ્ટ્રીય સુરક્ષાના આધારે ટેરિફ લાદી શકે છે.
આ પણ વાંચોઃ 9 સપ્ટેમ્બર, 2025: કર્ક રાશિના લોકોએ ક્યારેક બીજાની સલાહ સાંભળવી મહત્ત્વની રહેશે












