ગુજરાતટોપ ન્યૂઝ

તારાપુર-વટામણ હાઈવે પર ગમખ્વાર અકસ્માત: 4 લોકોના ઘટનાસ્થળે મોત, 5ની હાલત ગંભીર

Tarapur Vataman highway crash: આણંદ જિલ્લાના તારાપુર-વટામણ હાઈવે પર રવિવારે વહેલી સવારે ભયાનક માર્ગ અકસ્માત સર્જાતા ચાર લોકોના કરુણ મોત નિપજ્યાં છે, જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ટેમ્પોનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો હતો. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, તારાપુર નજીક ફતેપુરા ગામ પાસે આવેલા ગુજરાત ગેસ CNG પંપ નજીક એક ટ્રક રસ્તાની બાજુમાં ઉભી હતી. એ દરમિયાન પાછળથી આવી રહેલો સુપર કેરી ટેમ્પો અચાનક ટ્રકના પાછળના ભાગમાં જોરદાર ઝડપે ઘૂસી ગયો હતો. ટેમ્પોમાં મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના મજૂર પરિવારના લોકો સવાર હતા, જે સૌરાષ્ટ્રમાં મજૂરી કામ માટે જઈ રહ્યા હતા.

આ અકસ્માતમાં એક જ પરિવારના ચાર સભ્યોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોમાં પ્રદીપભાઈ કાળુભાઈ મંડોલ (ઉ.વ. 32), તેમની પત્ની જયલીબેન પ્રદીપભાઈ મંડોલ (ઉ.વ. 30), પુત્રી સિજલબેન પ્રદીપભાઈ મંડોલ (ઉ.વ. 12) અને અસ્મિતા રણદીપભાઈ બીલાસ (ઉ.વ. 8)નો સમાવેશ થાય છે. પરિવારના ચાર સભ્યોના એકસાથે મોત થતાં ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

અકસ્માત બાદ ટેમ્પોમાં સવાર લોકો ગંભીર રીતે ફસાઈ ગયા હતા. જોરદાર અથડામણના અવાજથી આસપાસના લોકો અને રાહદારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. સ્થાનિકોની મદદથી ઘાયલોને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માત એટલો ગંભીર હતો કે મૃતકોના ક્ષતવિક્ષત મૃતદેહોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. પોલીસ અને બચાવ ટીમે લાંબી કામગીરી બાદ મૃતદેહોને બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતાં તારાપુર પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

પ્રાથમિક તપાસમાં વહેલી સવારનો અંધારો અને વાહનની વધુ ઝડપ અકસ્માતનું કારણ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ પોલીસ ટ્રક રસ્તા પર શા માટે ઉભી હતી અને ટેમ્પો ચાલકની બેદરકારી હતી કે નહીં તે મુદ્દે તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: ભારતમાં સોનું અને તાંબાનું ઉત્પાદન, છેલ્લા 5 વર્ષના આંકડા અને સ્થિતિ

Back to top button