મનોરંજન

CM વિજયની પત્નીએ છૂટાછેડાની અરજી પાછી ખેંચી, સંગીતાએ યુકેથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજરી આપી કેસ રદ કરાવ્યો

Thalapathy Vijay Divorce Case Closed: તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજય (થલાપતિ વિજય) અને તેમની પત્ની સંગીતા સોર્નાલિંગમ વચ્ચે ચાલી રહેલા હાઇ-પ્રોફાઇલ છૂટાછેડાના કેસમાં એક અણધાર્યો મોટો વળાંક આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી કાનૂની લડાઈ અને અલગ થવાના અહેવાલો મીડિયામાં છવાયેલા હતા. જોકે, હવે સંગીતાએ ચેંગલપટ્ટુ ફેમિલી કોર્ટમાં દાખલ કરેલી પોતાની છૂટાછેડાની અરજી સત્તાવાર રીતે પાછી ખેંચી લીધી છે. સંગીતાના આ નિર્ણય બાદ કોર્ટે આ કેસ સંપૂર્ણપણે બંધ કરીને રદ કરી દીધો છે, જેનાથી વિજયના લાખો ચાહકો અને સમર્થકોએ રાહતનો શ્વાસ લીધો છે.

કોર્ટે વીડિયો કોન્ફરન્સિંગથી સુનાવણી કરી કેસ ફગાવ્યો

7 ઓગસ્ટના રોજ ચેંગલપટ્ટુ ફેમિલી કોર્ટના ન્યાયાધીશ સુજાતા સમક્ષ આ કેસની મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સંગીતા યુકેથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટ સમક્ષ હાજર થઈ હતી અને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. તેણીએ ન્યાયાધીશને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તે હવે આ કેસને આગળ વધારવા માંગતી નથી. ન્યાયાધીશ સુજાતાએ આશરે 15 મિનિટ સુધી સંગીતાની પૂછપરછ કર્યા બાદ અરજી સ્વીકારીને છૂટાછેડાનો કેસ ફગાવી દીધો હતો. આ અગાઉ 15 જૂનના રોજ કોર્ટે કાર્યવાહી મુલતવી રાખીને આગળની તારીખ નક્કી કરી હતી.

સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગાવ્યા હતા ગંભીર આક્ષેપો

આ કાનૂની વિવાદની શરૂઆત ફેબ્રુઆરી 2026 માં થઈ હતી, જ્યારે સંગીતાએ સ્પેશિયલ મેરેજ એક્ટ, 1954 હેઠળ કોર્ટનો સંપર્ક કરીને લગ્ન રદ કરવાની માંગ કરી હતી. પોતાની અરજીમાં સંગીતાએ તમિલનાડુના મુખ્યમંત્રી વિજય પર લગ્નેત્તર સંબંધો, માનસિક ક્રૂરતા, ઉપેક્ષા અને ત્યાગ જેવા ગંભીર આરોપો લગાવ્યા હતા. તેણે દાવો કર્યો હતો કે એપ્રિલ 2021 માં તેને પ્રથમ વખત વિજયના અફેર વિશે ખબર પડી હતી, જેનાથી તેને ભારે માનસિક આઘાત લાગ્યો હતો. તે સિવાય 2021 થી વિજય પોતાના પરિવારથી દૂર થઈ ગયો હોવાનો અને સંગીતાને જાહેર કાર્યક્રમોમાંથી બાકાત રાખતો હોવાનો પણ આક્ષેપ કરાયો હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

અભિનેત્રી તૃષા કૃષ્ણન સાથે લિંક-અપની ચર્ચાઓ

તમિલનાડુના રાજકીય વર્તુળોમાં વિજયનું નામ લાંબા સમયથી પ્રખ્યાત અભિનેત્રી તૃષા કૃષ્ણન સાથે જોડવામાં આવી રહ્યું છે. તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026 દરમિયાન તૃષા વિજયની સાથે જોવા મળી હતી. 4 મેના રોજ જ્યારે ચૂંટણી પરિણામો આવ્યા, ત્યારે તૃષા વિજયના નિવાસસ્થાને પહોંચી હતી અને 10 મેના રોજ શપથ ગ્રહણ સમારોહમાં પણ ઉપસ્થિત રહી હતી. મુખ્યમંત્રી બન્યા બાદ વિજયે તૃષાની નવી ફિલ્મ “કરુપ્પુ” ના સવારના 9 વાગ્યાના શો માટે ખાસ પરવાનગી આપી હતી, જે સમયના સ્પેશિયલ સ્ક્રિનીંગ પર રાજ્યમાં છેલ્લા 3 વર્ષથી પ્રતિબંધ હતો.

સુપરફેનથી પત્ની બનવા સુધીની સફર

વિજય અને સંગીતાની લવ સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે. 1990 ના દાયકામાં વિજયની ફિલ્મ જોઈને યુકેમાં રહેતી સંગીતા તેની ફેન બની ગઈ હતી અને તેને મળવા ભારત આવી હતી. વિજયે તેને ડિનર પર બોલાવીને પ્રપોઝ કર્યું હતું. બંનેએ 1998 માં યુકેમાં લગ્ન નોંધાવ્યા બાદ 1999 માં ચેન્નાઈ ખાતે પરંપરાગત વિધિથી લગ્ન કર્યા હતા. આ દંપતીને બે બાળકો છે—પુત્ર જેસન સંજય અને પુત્રી દિવ્યા શાશા. ડિસેમ્બર 2025 થી વણસેલા સંબંધો બાદ હવે અરજી પાછી ખેંચાતાં આ હાઇ-પ્રોફાઇલ મામલાનો અંત આવ્યો છે, જે વિજય માટે મોટી પારિવારિક અને રાજકીય રાહત માનવામાં આવે છે.

Back to top button