ટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટ્સ

વાનખેડેમાં ભારતનો વિજયધ્વજ! ઇંગ્લેન્ડ સામે રોમાંચક જીત સાથે ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપના ફાઇનલમાં

નવી દિલ્હી: 6 માર્ચ, 2026: T20 વર્લ્ડ કપ 2026ની બીજી સેમીફાઈનલમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલો મુકાબલો ક્રિકેટ ઇતિહાસના પાનાઓમાં સુવર્ણ અક્ષરે અંકાઈ ગયો છે. હોળીના રંગો જેવી આ જીતનો નશો હજુ પણ કરોડો ભારતીય ફેન્સના ચહેરા પર દેખાઈ રહ્યો છે. વર્લ્ડ કપ નોકઆઉટના ઇતિહાસમાં 254 રનનું સૌથી મોટું લક્ષ્ય અને ત્યારબાદ હાર-જીત વચ્ચેનું નજીવું અંતર આ મેચની ભવ્યતા દર્શાવે છે.

જેકબ બેથલની તોફાની સદી છતાં ઇંગ્લેન્ડની હાર

મેચમાં એક સમયે એવું લાગતું હતું કે ઇંગ્લેન્ડ બાજી મારી જશે. જેકબ બેથલે (105 રન, 48 બોલ, 8 ચોગ્ગા, 7 છગ્ગા) કસાઈની જેમ બેટ ચલાવીને ભારતીય બોલરોની ઊંઘ ઉડાડી દીધી હતી. છેલ્લી 2 ઓવરમાં 39 રનની જરૂર હોવા છતાં બેથલની હાજરીને કારણે ભારતીય પ્રશંસકોના શ્વાસ અધ્ધર હતા. જોકે, બે મોટા ટર્નિંગ પોઈન્ટે મેચનું પાસું પલટી નાખ્યું હતું.

ટર્નિંગ પોઈન્ટ 1: હેરી બ્રુકની એ મોટી ભૂલ!

ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુક માટે આ મેચ એક દુઃસ્વપ્ન સમાન રહેશે. ભારતીય ઇનિંગ્સની ત્રીજી ઓવરમાં જોફ્રા આર્ચરના બોલ પર સંજુ સેમસને મિડ-ઓન ઉપરથી શોટ મારવાની કોશિશ કરી, પરંતુ બોલ મિસટાઈમ થયો. હેરી બ્રુકે અત્યંત સરળ કેચ છોડ્યો અને તે ઇંગ્લેન્ડને ઘણો મોંઘો પડ્યો. તે સમયે સેમસન માત્ર 15 રન પર હતો. જીવનદાન મળ્યા બાદ સેમસને 42 બોલમાં 89 રનની આક્રમક ઇનિંગ રમી (8 ચોગ્ગા, 7 છગ્ગા). અંતે ઇંગ્લેન્ડ માત્ર 7 રન થી હાર્યું, જે દર્શાવે છે કે બ્રુકે છોડેલો કેચ કેટલો નિર્ણાયક હતો.

ટર્નિંગ પોઈન્ટ 2: અક્ષર-દુબેનો અદ્ભુત ‘રિલે કેચ’

જ્યારે વિલ જેક્સ (35 રન) અને બેથલની જોડી મેચને ભારત પાસેથી છીનવી રહી હતી, ત્યારે 14મી ઓવરમાં અર્શદીપ સિંહના લો-ફુલટોસ બોલ પર એક ચમત્કાર થયો. વિલ જેક્સે હવામાં શોટ રમ્યો, અક્ષર પટેલે સ્વીપર કવરથી દોડીને બાઉન્ડ્રી લાઇન પર શાનદાર કેચ પકડ્યો. સંતુલન બગડતા અક્ષરે સ્ફૂર્તિ બતાવી અને બાઉન્ડ્રીની અંદર પડતા પહેલા બોલ નજીક ઉભેલા શિવમ દુબે તરફ ફેંક્યો. આ ‘રિલે કેચ’ એ વર્ષ 2024ના ફાઇનલમાં સૂર્યકુમાર યાદવના કેચની યાદ અપાવી દીધી. આ વિકેટે ઇંગ્લેન્ડની જીતની આશા તોડી નાખી અને ભારત માટે ફાઇનલની સ્ક્રિપ્ટ લખી દીધી.

Back to top button