સુરતઃ મહોલ્લાનું નામ પાકિસ્તાન મહોલ્લાથી બદલીને હિન્દુસ્તાની મહોલ્લો કરવામાં આવ્યું

સુરત, તા.14 ઓગસ્ટ, 2025: સુરત સહિત સમગ્ર દેશમાં આવતીકાલે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી માટે તૈયારી થઈ રહી છે. ત્યારે સુરત પાલિકાના રામનગર વિસ્તારમાં આવેલા એક મહોલ્લાનું નામ ‘પાકિસ્તાન મોહલ્લા’થી બદલીને ‘હિન્દુસ્તાની મહોલ્લો’ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી આ વિસ્તારના લોકોના આધાર કાર્ડમાં પણ પાકિસ્તાન મહોલ્લો લખાઈને આવતું હતું, ત્યારે હવે આ નામકરણ બાદ હિન્દુસ્તાની મહોલ્લો લખવામાં આવે તેવી સ્થાનિકોને આશા છે.
જોકે, સુરત પાલિકાએ 2018માં આ મહોલ્લાનું નામકરણ બદલવાનો નિર્ણય કર્યો હતો પરંતુ તેનો અમલ છેક આજે કરવામાં આવ્યો છે. આજે સ્થાનિક ધારાસભ્યની હાજરીમાં હિન્દુસ્તાની મહોલ્લોની તકતીનું અનાવરણ કરાયું હતું જેના કારણે સ્થાનિકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
છેલ્લા કેટલાક સમયથી ભારત-પાકિસ્તાનના સંબંધ બગડી રહ્યાં છે અને લોકો પાકિસ્તાનને નફતર કરી રહ્યા છે, તેવામાં સુરત પાલિકાના રાંદેર ઝોનમાં રામનગર વિસ્તારમાં એક મહોલ્લો પાકિસ્તાન મોહલ્લા તરીકે ઓળખાતો હોવાથી લોકોમાં ભારે નારાજગી જોવા મળતી હતી. સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદી પાલિકાના શાસક પક્ષના નેતા હતા ત્યારે આ મહોલ્લાનું નામ બદલવા માટે પ્રયાસ કર્યો હતો. સુરત પાલિકાની સાંસ્કૃતિક સમિતિએ 2018માં ઠરાવ કરીને પાકિસ્તાની મહોલ્લાનું નામ બદલીને હિન્દુસ્તાની મહોલ્લો કર્યું હતું.
જોકે, ત્યારબાદ તેનો અમલ કરવામાં આવ્યો ન હતો જેના કારણે સ્થાનિકોના આધારકાર્ડમાં પણ પાકિસ્તાન મહોલ્લો જ નામ આવતું હતું. હાલ પાકિસ્તાનની હરકતના કારણે આખો ભારત-પાકિસ્તાન પ્રત્યે નફરત કરે તેવી હાલત હોવાથી પાકિસ્તાની મહોલ્લામાં રહેતા લોકો શરમ અનુભવતા હતા. જોકે, આટલા લાંબા સમય બાદ સ્થાનિક ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા પાકિસ્તાન મહોલ્લાની જગ્યાએ હિન્દુસ્તાની મહોલ્લોની તખ્તીનું નામકરણ કર્યું હતું. જેના કારણે સ્થાનિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
સ્થાનિકોએ કહ્યું હતું કે, હવે નામ બદલવાથી ગર્વની લાગણી થઈ રહી છે અને હવે અમારા આધાર કાર્ડ સહિતના દસ્તાવેજોમાં પણ પાકિસ્તાની મહોલ્લાનું નામ કાઢીને હિન્દુસ્તાની મહોલ્લો જલ્દી કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી.
આ પણ વાંચોઃ ST નિગમ જન્માષ્ટમી પર એક્સ્ટ્રા ૧૨૦૦ બસો દોડાવશે, રાજ્યના બે લાખથી વધુ મુસાફરોને મળશે લાભ












