સુરત સિવિલમાં રેસિડન્ટ ડૉક્ટરનો આપઘાત: સિનિયરો દ્વારા રેગિંગનો ઘટસ્ફોટ

સુરત: નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાંથી એક દુઃખદ અને ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા બોયઝ પીજી હોસ્ટેલમાં 29 વર્ષીય રેસિડન્ટ ડૉક્ટરે આપઘાત કરી લીધો હતો. જેના પગલે સિવિલ હોસ્પિટલના તબીબી આલમ અને પીજી હોસ્ટેલમાં ચકચાર મચી છે. હવે આ રહસ્યમય આપઘાત કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. પોલીસ અને કોલેજ તંત્ર દ્વારા હાથ ધરાયેલી તપાસમાં મૃતક ડૉ. હર્ષ પંડ્યાનું તેના સિનિયરો દ્વારા માનસિક ત્રાસ આપીને રેગિંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.
4 સિનિયર ડૉક્ટર સામે કડક કાર્યવાહી
રેગિંગની ગંભીર બાબત પ્રકાશમાં આવતાં જ કોલેજ અને હોસ્પિટલ પ્રશાસન દ્વારા તાત્કાલિક અસરથી પગલાં લેવામાં આવ્યા છે. રેગિંગમાં સંકળાયેલા તમામ 4 સિનિયર રેસિડેન્ટ ડૉક્ટરને આગામી 6 મહિના માટે હોસ્પિટલ, હોસ્ટેલ તેમજ તમામ પ્રકારની ટીચિંગ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
મૂળ અરવલ્લીના મોડાસાના વતની અને હાલ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી બોયઝ પીજી હોસ્ટેલમાં રહેતો 29 વર્ષીય ડૉ. હર્ષ સુભાષચંદ્ર પંડ્યા સિવિલ હોસ્પિટલ ખાતે ગર્વમેન્ટ મેડીકલ કોલેજમાં માઈક્રોબાયોલોજી વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો અને સાથે સિવિલમાં રેસિડેન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવતો હતો.
9 ઓગસ્ટના રોજ સવારે ડૉ. હર્ષ હોસ્પિટલમાં પોતાની નિયમિત ફરજ પર હાજર ન રહેતા સિનિયર ડૉક્ટરે તેમને ફોન કર્યો હતો. તેમનો ફોન બંધ આવતો હોવાથી સિનિયરે હોસ્ટેલમાં રહેતા અન્ય સાથી રેસિડેન્ટ તબીબને રૂમ પર જઈ તપાસ કરવા કહ્યું હતું. પીજી હોસ્ટેલના રૂમ પર પહોંચ્યા ત્યારે રૂમનો દરવાજો અંદરથી બંધ હોવાથી ડૉક્ટરોએ બૂમો પાડી દરવાજો ખોલવા ઘણો પ્રયાસ કર્યો હતો, પરંતુ ખુલ્યો ન હતો. આખરે તબીબોએ હોસ્ટેલના સિક્યોરિટી સ્ટાફને સાથે રાખીને દરવાજો તોડીને અંદર જતા ડૉ. હર્ષ પંખા સાથે દોરી ગળે ફાંસો બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા. આ અંગે જાણ થતાં સિવિલના ઈન્ચાર્જ તબીબી અધીક્ષક ડૉ. પારુલ વડગામા તથા ડૉક્ટરો સહિતનો સ્ટાફ અને ખટોદરા પોલીસ હોસ્ટેલ ખાતે દોડી આવ્યા હતા.
આરોગ્ય મંત્રીના આદેશ બાદ તપાસ કમિટી
આ બનાવ અંગે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ખૂબ જ ગંભીરતા દાખવીને તાકીદે નવી સિવિલ તબીબી અધિક્ષક અને મેડીકલ કોલેજના ડીનની અધ્યક્ષતામાં તપાસ કમિટીની રચના કરવાનો આદેશ કર્યો હતો. મંત્રીએ આપઘાત કરનાર ડૉક્ટરના પિતા સાથે ફોન પર વાત કરીને સાંત્વના પાઠવી તેમજ ન્યાય આપવાની ખાતરી આપી હતી.
પિતાનું નિવેદન અને પરિવારની વ્યથા
ડૉ. હર્ષના પિતા સુભાષચંદ્ર પંડ્યાએ કહ્યું કે, “હર્ષના મિત્રોનો મારી પર ફોન આવ્યો હતો કે, તમે લોકો અહીં આવી જાવો, હર્ષ આપણી વચ્ચે રહ્યો નથી. જેથી અમે સિવિલ ખાતે આવ્યા હતા. જોકે, તે કહેતો કે તકલીફ કંઈ નથી પણ સિનિયરની થોડી ઘણી તકલીફ રહેતી હતી.”
ડૉ. હર્ષ પંડ્યાએ ગત ફેબ્રુઆરી માસમાં સુરત ગર્વમેન્ટ મેડીકલ કોલેજમાં માઈક્રોબાયોલોજી વિભાગમાં પ્રવેશ મેળવ્યો હતો. છ મહિના પહેલા તેની સગાઈ થઈ હતી અને આગામી ડિસેમ્બર માસમાં તેના લગ્ન લેવા અંગેની વાત કરતા હતા. રક્ષાબંધન પર્વની ગણતરીના દિવસ બાકી હતા ત્યારે બહેનનો એકનો એક લાડવાયો ભાઈ હર્ષના મોતના લીધે પરિવારજનો માતમ છવાઈ ગયો છે.
પોસ્ટમોર્ટમ અને પોલીસ તપાસ
સિવિલના ડૉ. હર્ષ પંડ્યાનું રવિવારે સાંજે સાદુ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. બાદમાં પરિવારજનોએ શંકા વ્યક્ત કરતાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માંગ કરી હતી. પોલીસ દ્વારા ફરી ઈન્ક્વેસ્ટ ભરવામાં આવ્યું અને ફોરેન્સિક પેનલ ડૉક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું, જેમાં ફાંસો ખાવાથી મોત થયું હોવાનું જણાવવામાં આવ્યું છે.
ખટોદરા પોલીસે ડૉ. હર્ષ પંડ્યાના મોબાઈલ ફોન અને લેપટોપ કબજે કરીને જરૂરી તપાસ હાથ ધરી છે. એફએસએલની ટીમ દ્વારા તેની રૂમમાં રહેલી વસ્તુઓ તેમજ સંભવિત પુરાવાઓની તપાસ કરવામાં આવશે.
આ પણ વાંચો: ‘શુદ્ધ પેટ્રોલ શું તમારા બાપના ઘરેથી આવશે?’, ભાજપ સાંસદનું વિવાદિત નિવેદન












