Surat: મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ-2માં ફરી આગનો બનાવ, છઠ્ઠા માળે દુકાન સળગતાં અફરાતફરી

Surat Fire News: સુરતના ભાઠે વિસ્તારમાં આવેલા મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ-2માં આજે (14 એપ્રિલ) છઠ્ઠા માળે આવેલી દુકાન નંબર 645માં આગ લાગી હતી. આગ લાગતાં જ ધુમાડાના ગોટેગોટા ઉડીને આખા માર્કેટમાં ફેલાઈ ગયા હતા, જેથી વેપારીઓ અને કામદારોમાં અફરાતફરી મચી ગઈ હતી. લોકો જીવ બચાવવા માટે બહાર દોડી આવ્યા હતા અને અનેક વેપારીઓએ તાત્કાલિક પોતાનો માલ નીચે ઉતારી લીધો હતો.
કાપડના મોટા જથ્થાને કારણે આગ ઝડપથી ફેલાવાની આશંકા છે. સદનસીબે આગ લાગ્યા વખતે દુકાનમાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. તેમ છતાં દુકાનમાં રહેલા કાપડના મોટા ભાગને નુકસાન થયું હોવાની શક્યતા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ૧૦થી ૧૫ જેટલા ફાયર ફાઈટર્સે ચારે તરફથી પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. કલાકોની મહેનત બાદ આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં સફળતા મળી છે અને હાલ કુલિંગની કામગીરી ચાલુ છે.
નોંધપાત્ર વાત એ છે કે આ જ માર્કેટમાં 20 ફેબ્રુઆરીએ પણ આગ લાગી હતી, જેમાં કાપડનો લાખો રૂપિયાનો માલ બળીને ખાખ થઈ ગયો હતો. આમ બે મહિનામાં બીજી વખત આગ લાગવાથી વેપારીઓમાં ચિંતા વ્યાપી છે.
આગ લાગવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણ હોઈ શકે તેમ છે. ફાયર વિભાગ અને પોલીસ દ્વારા વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: BIG Breaking: બિહારના નવા મુખ્યમંત્રીનું નામ જાહેર, ભાજપે આ નેતાને સોંપી જવાબદારી












