ગુજરાતટોપ ન્યૂઝ

સુરતમાં ચાની કિટલી પરનો વિવાદ બન્યો લોહિયાળ, બે મિત્રોની કરાઈ હત્યા

સુરત શહેરમાં ગુનાખોરીની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સિંગણપોર વિસ્તારમાં મોડી રાત્રે ચાની કિટલી પાસે થયેલા સામાન્ય વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કરતાં બે યુવાનોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ઘાતક હથિયારો સાથે આવેલા હુમલાખોરોએ પાંચ મિત્રોના જૂથ પર હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાના CCTV દૃશ્યો પણ સામે આવ્યા છે, જેના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ચા પીવા ગયેલા મિત્રોને નિશાન બનાવાયા

માહિતી મુજબ, લિંબાયત વિસ્તારના રહેવાસી હર્ષલ પાટીલ અને વેડ રોડ વિસ્તારના ભટ્ટુ માળી તેમના અન્ય ત્રણ મિત્રો સાથે રાત્રિના સમયે ડભોલી ગામ નજીક આવેલા બજરંગનગર વિસ્તારમાં ચા પીવા પહોંચ્યા હતા. આ દરમિયાન ત્યાં હાજર કેટલાક યુવકો સાથે કોઈ નાની બાબતે બોલાચાલી થઈ હતી. શરૂઆતમાં સામાન્ય લાગતો વિવાદ થોડા જ સમયમાં ઉગ્ર બની ગયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બોલાચાલી બાદ સામે પક્ષના 10થી 15 જેટલા યુવકો એકઠા થઈ ગયા હતા અને તેઓ ઘાતક હથિયારો સાથે મિત્રોના જૂથ પર તૂટી પડ્યા હતા. હુમલાખોરોની સંખ્યા વધુ હોવાથી પાંચેય મિત્રો બચાવનો પ્રયાસ કરી શક્યા ન હતા.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ચપ્પુના ઘાથી બે યુવાનો ગંભીર રીતે ઘાયલ

હુમલા દરમિયાન હર્ષલ પાટીલને પીઠના ભાગે અને ભટ્ટુ માળીને પેટના ભાગે ચપ્પુના ગંભીર ઘા મારવામાં આવ્યા હતા. સતત હુમલાના કારણે બંને યુવાનો લોહીલુહાણ હાલતમાં રસ્તા પર ઢળી પડ્યા હતા. ઘટનાને પગલે આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી, જ્યારે હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. સ્થાનિક લોકોએ અને મિત્રો દ્વારા તરત જ ઇમરજન્સી સેવા તથા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘાયલોને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સારવાર દરમિયાન બંને મિત્રોએ દમ તોડ્યો

ડોક્ટરોએ બંને યુવાનોને બચાવવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ ગંભીર ઈજાઓના કારણે પહેલા હર્ષલ પાટીલનું મોત થયું હતું. ત્યારબાદ ભટ્ટુ માળીએ પણ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. ગણતરીના કલાકોમાં બે યુવાનોના મોત થતાં તેમના પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. હોસ્પિટલમાં પરિવારજનો અને સગા-સંબંધીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. શોકગ્રસ્ત પરિવારજનોના આક્રંદથી હોસ્પિટલ પરિસર ગમગીન બની ગયું હતું.

પરિવારે આધાર ગુમાવ્યો

મૃતક હર્ષલ પાટીલ પોતાના માતા-પિતાનો એકમાત્ર પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. તે પોતાના પિતા સાથે વાહન ચલાવવાનો વ્યવસાય કરતો હતો અને ઓનલાઇન પાર્સલ પરિવહન માટે ટેમ્પો ચલાવી પરિવારને આર્થિક સહારો આપતો હતો. તેના અચાનક નિધનથી પરિવાર પર આર્થિક અને માનસિક સંકટ ઊભું થયું છે. બીજી તરફ ભટ્ટુ માળી પરિવારનો સૌથી નાનો પુત્ર હતો. તેના પરિવારમાં મોટો ભાઈ અને બે બહેનો છે. ઘરના લાડકા દીકરાની હત્યાથી પરિવારજનો ભારે આઘાતમાં છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

CCTVના આધારે આરોપીઓની શોધખોળ

ઘટનાની જાણ થતાં જ સિંગણપોર પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. ઉપરાંત આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ એકત્રિત કરીને હુમલાખોરોની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે. પ્રાથમિક તપાસમાં પોલીસે હુમલાનું ચોક્કસ કારણ જાણવા તેમજ આરોપીઓ અને મૃતકો વચ્ચે અગાઉથી કોઈ દુશ્મનાવટ હતી કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરી છે. હાલ પોલીસ ટીમો ફરાર આરોપીઓ સુધી પહોંચવા માટે વિવિધ સ્થળોએ દરોડા પાડી રહી છે.

શહેરમાં કાયદો-વ્યવસ્થાને લઈને ફરી ઉઠ્યા સવાલ

માત્ર સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલી ઘટનામાં બે યુવાનોના જીવ જતા સુરત શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે. જાહેર સ્થળે આ પ્રકારની હિંસક ઘટના બનતા સ્થાનિકોમાં પણ ભય અને રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા આરોપીઓને ઝડપથી પકડી કડક સજા અપાવવાની ખાતરી આપવામાં આવી છે.

આ પણ વાંચો: ફાયર વિભાગની લાલ આંખ: ખાન હેલ્થ કેર હોસ્પિટલને નોટિસ, 15 દિવસમાં ખામીઓ દૂર નહીં થાય તો સીલ કરાશે

 

Back to top button