ગુજરાત

સુરતના વેપારી સાથે રોકાણના નામે રૂ. 89.59 લાખની છેતરપિંડી: દુબઈના ગોલ્ડન વિઝા અને EDના નકલી દસ્તાવેજો બતાવી ઠગ દંપતી ફરાર

Surat Businessman Duped: સુરત શહેરમાં હાઈ-રિટર્ન ઇન્વેસ્ટમેન્ટ અને નાણાં બમણા કરવાની લાલચ આપીને વેપારીઓ સાથે છેતરપિંડી થવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો સુરતના રીંગરોડ વિસ્તારમાંથી સામે આવ્યો છે. અહીં રહેતા અને વેપાર-ધંધા સાથે સંકળાયેલા એક વેપારીને માત્ર 2 જ વર્ષમાં પૈસા બમણા કરી આપવાની લોભામણી સ્કીમો બતાવીને એક ઠગ દંપતીએ અંદાજે 90 લાખ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. આરોપીઓએ વેપારીનો વિશ્વાસ જીતવા માટે દુબઈના વિઝાથી લઈને કેન્દ્રીય એજન્સી ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના નકલી દસ્તાવેજોનો સહારો લીધો હતો. આ મામલે ભોગ બનનાર વેપારીએ અઠવા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.

2 વર્ષમાં નાણાં બમણા કરવાની લાલચ આપીને આચરી છેતરપિંડી

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, સુરતના રીંગરોડ પર આવેલા જે.કે. ટાવરની સામે જરીવાળા હાઉસમાં સાગરકુમાર દિનેશચંદ્ર જરીવાલા રહે છે અને પોતાનો વ્યવસાય કરે છે. વેસુ વિસ્તારમાં આવેલા સનશાઇન એપાર્ટમેન્ટમાં તેમજ મુંબઈ ખાતે રહેતા ઠગબાજ બ્રિજેશ જશવંતલાલ મહેતા અને તેની પત્ની જાનકી બ્રિજેશ મહેતાએ સાગરકુમારને પોતાની જાળમાં ફસાવ્યા હતા. આ દંપતીએ વેપારીને જમીન, શેરબજાર અને ગોલ્ડ બુલિયન જેવા હાઈ-રિટર્ન ક્ષેત્રોમાં રોકાણ કરવાની લાલચ આપી હતી. તેઓએ એવો દાવો કર્યો હતો કે જો વેપારી આ સ્કીમોમાં પૈસા રોકશે તો માત્ર 2 વર્ષમાં તેમની રકમ બમણી થઈ જશે. આ વાતોમાં આવીને સાગરકુમારે ઓગસ્ટ 2021થી ઓક્ટોબર 2023 દરમિયાન અલગ-અલગ બેંક ખાતાઓ તેમજ રોકડા સ્વરૂપે કુલ રૂપિયા 89,59,400 ચૂકવી દીધા હતા.

દુબઈના ગોલ્ડન વિઝા અને EDના નકલી લેટરપેડનો ખેલ ખુલ્લો પડ્યો

આરોપી મહેતા દંપતીએ વેપારીનો ગાઢ વિશ્વાસ જીતવા માટે ડિજિટલ પ્લેટફોર્મનો ભરપૂર દુરુપયોગ કર્યો હતો. પોતાની આર્થિક સક્ષમતા સાબિત કરવા માટે બ્રિજેશ મહેતાએ વોટ્સએપ પર દુબઈના ગોલ્ડન વિઝા, ઇન્ટરનેશનલ ફ્લાઇટ ટિકિટો, લક્ઝુરિયસ હોટલ બુકિંગ્સ, ટ્રેડ લાઈસન્સ અને વિદેશી બેંક ખાતાના બોગસ સ્ટેટમેન્ટ્સ મોકલ્યા હતા. આટલું જ નહીં, પોતાની સામે કોઈ કાનૂની કાર્યવાહી ન થાય તે માટે તેઓએ ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના નામે એક બનાવટી પત્ર પણ તૈયાર કર્યો હતો. લાંબો સમય વીતવા છતાં જ્યારે કોઈ વળતર ન મળ્યું, ત્યારે સાગરભાઈએ શંકાના આધારે EDની સત્તાવાર કચેરીમાં તપાસ કરાવી હતી. આ તપાસમાં EDનો પત્ર સંપૂર્ણપણે બોગસ અને નકલી હોવાનું બહાર આવતા વેપારીના હોશ ઉડી ગયા હતા.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

પૈસાની ઉઘરાણી કરતા જાનથી મારી નાખવાની ધમકી આપી

વાયદાની મુદત પૂરી થઈ ગયા બાદ જ્યારે આરોપીઓ દ્વારા નફો કે મૂળ રકમ પરત આપવામાં ન આવી, ત્યારે સાગરકુમારે પોતાના નાણાં પાછા મેળવવા માટે મહેતા દંપતી પાસે કડક ઉઘરાણી શરૂ કરી હતી. જો કે, નાણાં પરત આપવાના બદલે આરોપી બ્રીજેશ મહેતા પોતાની અસલી હેસિયત પર આવી ગયો હતો. તેણે સાગરકુમારને જાહેરમાં બિભત્સ ગાળો આપી હતી અને ધમકી આપી હતી કે જો ફરીથી પૈસા માંગશે તો તેને જાનથી મારી નાખવામાં આવશે. દંપતીનો અસલી ચહેરો સામે આવ્યા બાદ અને સતત મળી રહેલી ધમકીઓથી કંટાળીને આખરે વેપારીએ કાનૂની આશરો લીધો હતો.

પોલીસે ગુનો નોંધી શોધખોળ આદરી

પોતાની સાથે આયોજનબદ્ધ રીતે આચરવામાં આવેલી અંદાજે 90 લાખ રૂપિયાની આ મોટી છેતરપિંડી અંગે સાગરકુમાર જરીવાલાએ અઠવા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે વેપારીની ફરિયાદના આધારે ઠગબાજ બ્રીજેશ મહેતા અને તેની પત્ની જાનકી મહેતા વિરૂદ્ધ વિશ્વાસઘાત, છેતરપિંડી, બનાવટી દસ્તાવેજો ઊભા કરવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. અઠવા પોલીસના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ, આરોપીઓએ અન્ય કોઈ લોકો સાથે પણ આ પ્રકારની છેતરપિંડી આચરી છે કે કેમ તે દિશામાં તપાસ લંબાવવામાં આવી છે અને હાલ ફરાર દંપતીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે.

આ પણ વાંચો: ગુજરાતનાં સાપોનું ઝેર હવે બનશે ‘સંજીવની’: ‘એન્ટી-સ્નેક વેનમ’ બનાવવા માટે કંપનીને સોંપાયું ઝેર

Back to top button