ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સુરત : હાર્ટ એટેકના કારણે 3 યુવાનોના મૃત્યુ! છાતીમાં દુઃખાવો થયા બાદ મોત થવાના બનાવો વધ્યા

  • 25 વર્ષીય પીટી શિક્ષકનું છાતીમાં બોલ વાગ્યા બાદ બેભાન થતાં મોત
  • લિંબાયતના ઓમનગરમાં રહેતા હુમાયુ અક્રમ અંસારીનું મૃત્યુ
  • 27 વર્ષીય શ્રમજીવી યુવકનું બેભાન થયા બાદ મૃત્યુ નીપજ્યું

સુરત શહેરમાં લાંબા સમયથી અચાનક બેભાન થવા અને છાતીમાં દુઃખાવો થયા બાદ મોત થવાના બનાવો વધી રહ્યા છે. આ દરમિયાન અબ્રામા ખાતે ક્રિકેટ મેચમાં અમ્પાયરની ભૂમિકા ભજવતા જહાંગીરપુરાના 25 વર્ષીય પીટી શિક્ષકનું છાતીમાં બોલ વાગ્યા બાદ બેભાન થતાં મોત થયું હતું. જ્યારે લિંબાયતના માજી કોર્પોરેટર અક્રમ અન્સારીના 28 વર્ષીય પુત્ર અને પાંડેસરામાં મેટ્રોની કામગીરી કરતાં 27 વર્ષીય શ્રમજીવી યુવકનું બેભાન થયા બાદ મૃત્યુ નીપજ્યું હતું.

પાર્થ સુરતી ખાનગી શાળામાં પીટી શિક્ષક તરીકે ફરજ બજાવતા

જહાંગીરપુરામાં રાજગીરી એપાર્ટમેન્ટમાં રહેતા 25 વર્ષીય પાર્થ સુરતી ખાનગી શાળામાં પીટી શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. રવિવારની રજા હોવાથી સવારે પાર્થ સાથી મિત્રો સાથે આઉટર રિંગરોડ ખાતે આવેલા વી. બી. દેસાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મેચ રમવા માટે ગયા હતા. અમ્પાયરની ભૂમિકા વખતે તેમને છાતીમાં બોલ વાગ્યો હતો, જેના કારણે તે બેભાન થઈ ઢળી પડ્યો હતો. સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પાર્થનું હાર્ટએટેકથી મોત થયું હોવાની શક્યતા છે.

બેભાન હાલતમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો

બીજી તરફ મૂળ ઉત્તર પ્રદેશના ગાજીપુરનો વતની 27 વર્ષીય અખિલેશ કાલીચરણ કુમાર હાલમાં પાંડેસરા વિસ્તારમાં આવેલી ચીકુવાડી ખાતે પરિવાર સાથે રહેતો હતો. તે મેટ્રો પ્રોજેક્ટ હેઠળ મજૂરી કામ કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો. શનિવારે બપોરે અખિલેશ ખજોદ ખાતે ડ્રીમ સિટી મેટ્રોના ડેપોમાં બેઠો હતો. આ દરમિયાન અચાનક ઢળી પડયો હતો. બાદમાં તેને બેભાન હાલતમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું.

લિંબાયતના ઓમનગરમાં રહેતા હુમાયુ અક્રમ અંસારીનું મૃત્યુ

લિંબાયતના ઓમનગરમાં રહેતો 28 વર્ષીય હુમાયુ અક્રમ અંસારી છૂટક કામ કરતો હતો. શનિવારે રાત્રે હુમાયુ પૂર્વ પત્ની અને બાળકોને મળવા માટે ઉન પાટિયા ખાતે હલીમા સોસાયટીમાં ગયો હતો. જ્યાં તેની તબિયત લથડી હતી. ઊલટી થતાં તેને રિક્ષામાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

આ પણ વાંચો: ગુજરાત : ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનમાં ભડકા જેવી સ્થિતિ, હોદ્દેદારોની જાહેરાત કરતાની સાથે સાંસદે પિત્તો ગુમાવ્યો

Back to top button