રેવડી નહીં, રોજગારીના અવસરો બનાવો; બધાને મફત સુવિધાઓ આપવી ખોટી નીતિ: સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે ગુરુવારે રાજ્યોમાં વધતી મફત સુવિધાઓ વહેંચવાની નીતિ અંગે નારાજગી વ્યક્ત કરી. કોર્ટે કહ્યું કે આડેધડ મફતમાં વસ્તુઓ આપવાની પ્રથા દેશના આર્થિક વિકાસમાં અડચણ બની શકે છે. આ સાથે સુપ્રીમ કોર્ટે રાજ્યોને અનેક સલાહો પણ આપી હતી.
સુપ્રીમ કોર્ટે તમિલનાડુ વિદ્યુત બોર્ડને કડક ફટકાર લગાવી છે. હકીકતમાં, તમિલનાડુ ઇલેક્ટ્રિસિટી બોર્ડ ગ્રાહકોને મફત વીજળી આપવાનુ વચન આપી રહ્યું હતુ. એક મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કડક ટિપ્પણી કરતાં જણાવ્યું કે રાજ્યોમાં અપનાવવામાં આવેલી મફત સુવિધાઓની સંસ્કૃતિ આર્થિક વિકાસમાં અડચણ ઊભી કરે છે.
કોર્ટે શું કહ્યું?
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને અન્ય ન્યાયાધીશોની બનેલી બેન્ચે કડક ટિપ્પણી કરતાં કહ્યું કે મોટા ભાગના રાજ્યો પહેલેથી જ ઘાટામાં છે, તેમ છતાં વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે મફત સુવિધાઓ વહેંચી રહ્યા છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, “જે લોકો ચૂકવણી કરી શકતા નથી તેમને સહાય પૂરી પાડવી સમજી શકાય તેવી વાત છે. પરંતુ અમીર અને ગરીબ વચ્ચે ભેદ પાડ્યા વિના દરેકને મફત વસ્તુઓ આપવી એ ખોટી નીતિ છે.” કોર્ટે ચેતવણી આપી કે જો સવારથી સાંજ સુધી મફત ખોરાક, સાયકલ અને વીજળી પૂરી પાડવામાં આવતી રહેશે, તો લોકોની કામ કરવાની ભાવના ઓછી થઈ જશે.
કોર્ટે રાજ્યોને સલાહ આપી
કોર્ટે રાજ્યોને સલાહ આપી કે મફત વસ્તુઓ વહેંચવાને બદલે રોજગારીના અવસરો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ દરમિયાન મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે પૂછ્યું, “આપણે ભારતમાં કેવા પ્રકારની સંસ્કૃતિ બનાવી રહ્યા છીએ? શું આ વોટ મેળવવાની નીતિ નહીં બની જાય?” હાલમાં, સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર અને અન્ય પક્ષોને નોટિસ ફટકારી છે. આગામી સુનાવણીમાં નક્કી કરવામાં આવશે કે આવી મફત વીજળી યોજનાઓ પર કયા નિયમો લાગુ થશે.
કેમ મહત્વપૂર્ણ છે આ મુદ્દો?
આ મુદ્દો મહત્વપૂર્ણ છે કારણ કે ઘણા રાજ્યો ચૂંટણી પહેલા મફત યોજનાઓની જાહેરાત કરે છે, જેનાથી સરકારી ખર્ચમાં વધારો થાય છે અને આર્થિક સંતુલન ખોરવાઈ જવાનો ભય રહે છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે: ગરીબોને મદદ કરવી જરૂરી છે, પરંતુ આડેધડ દરેકને મફત સેવાઓ પૂરી પાડવી દેશના વિકાસ માટે યોગ્ય નથી.
આ પણ વાંચો: PM મોદીએ ઇન્ડિયા AI સમિટમાં રજૂ કર્યું MANAV વિઝન, કહ્યું, “AI ભવિષ્ય નક્કી કરશે, જવાબદારી જરૂરી.”











