ખાંડના ભાવે ચાની ચૂસ્કી મોંઘી, રાજકોટમાં 1 સપ્ટેમ્બરથી નવા ભાવ જાહેર થશે
Rajkot News : જો તમે રાજકોટવાસી છો અને દિવસની શરૂઆત ગરમાગરમ મીઠી ચા સાથે કરવાની ટેવ ધરાવો છો, તો તમારા ખિસ્સા પર મોંઘવારીનો વધુ એક બોજ પડવા જઈ રહ્યો છે. દેશભરમાં ખાંડના ભાવમાં આવેલા તોતિંગ ઉછાળાની સીધી અસર હવે રાજકોટવાસીઓની સવારની ચાની ચૂસ્કી પર જોવા મળશે. ખાંડના ભડકે બળતા ભાવોને પગલે રાજકોટમાં હવે બહાર ચા પીવી વધુ ખર્ચાળ સાબિત થશે.
1 સપ્ટેમ્બરથી ચાના નવા ભાવ અમલી બનશે
સતત વધી રહેલી મોંઘવારીને પગલે રાજકોટ ટી એસોસિએશને મહત્વનો નિર્ણય કર્યો છે. આગામી 1 સપ્ટેમ્બરથી શહેરની તમામ હોટેલો, કેફે અને ચાની કીટલીઓ પર વેચાતી ચાના દરોમાં સીધો વધારો ઝીંકી દેવામાં આવશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
નવું ભાવપત્રક
આખી ચા (ફૂલ ચા): અત્યાર સુધી ₹20 થી ₹24માં મળતી આખી ચાનો ભાવ વધીને હવે સીધો ₹30 થશે.
અડધી ચા (કટિંગ ચા): અત્યાર સુધી ₹10 થી ₹12માં મળતી કટિંગ ચા માટે હવે ગ્રાહકોએ ₹15 ચૂકવવા પડશે.
ખાંડના ભાવમાં માત્ર એક મહિનામાં જંગી વધારો
છેલ્લા એક જ માસ દરમિયાન ખાંડના ભાવમાં કિલોએ સીધો ₹20નો મોટો વધારો થયો છે. અગાઉ ₹48 પ્રતિ કિલો વેચાતી ખાંડનો ભાવ હવે ઉછળીને ₹68 પર પહોંચી ગયો છે. ખાંડના સતત વધતા ભાવોને લીધે ગ્રાહકોની ખરીદશક્તિ પ્રભાવિત થઈ છે અને તેની સરેરાશ માંગમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.
આ પણ વાંચો :Partial Lunar Eclipse : રક્ષાબંધન પર દેખાશે લાલ રંગનો ચંદ્ર, જાણો ક્યાં-ક્યાં દેખાશે બ્લડ મૂન?
ખાંડના ભાવ આસમાને પહોંચવા પાછળનાં મુખ્ય કારણો
દેશભરમાં હાલ ખાંડની મોંઘવારી ચર્ચાનો વિષય બની છે. આ અણધાર્યા ભાવવધારા પાછળ નીચે મુજબના પરિબળો જવાબદાર છે:
શેરડીના ઉત્પાદનમાં મોટો ઘટાડો: મહારાષ્ટ્ર સહિતના અગ્રણી શેરડી ઉત્પાદક રાજ્યોમાં આ સિઝનમાં ઓછા વરસાદને લીધે પાકના ઉત્પાદનને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.
માત્ર ઇથેનોલનું ઉત્પાદન જવાબદાર નથી: ઘણા લોકો માને છે કે ઇથેનોલ તરફ ખાંડનું ડાયવર્ઝન થવાથી આ સ્થિતિ સર્જાઈ છે, પરંતુ વાસ્તવમાં ખરાબ હવામાન અને અનિયમિત વરસાદ આ અછત માટેનું પ્રાથમિક કારણ છે.
આયાત કરવી આર્થિક રીતે અશક્ય: વૈશ્વિક બજારમાં અમેરિકન ડોલરનું મૂલ્ય ઊંચું હોવાને લીધે વિદેશથી રાહત દરે ખાંડ આયાત કરવાનો વિકલ્પ હાલ શક્ય જણાતો નથી.
આ તમામ સંજોગોને પગલે ખાંડના ભાવ ભડકે બળી રહ્યા છે, જેનો સીધો આર્થિક બોજ હવે સામાન્ય નાગરિકની રોજિંદી ચા પર આવી પડ્યો છે.












