અમારૂ કોઈ સન્માન જ નથી… સોલિસિટર જનરલ પર કેમ રોષે ભરાઈ સુપ્રીમ કોર્ટ?
નવી દિલ્હી: 31 ઓક્ટોબર, 2025: રખડતા શ્વાન (Stray Dogs) મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશોનું પાલન ન થવાને કારણે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે સોલિસિટર જનરલ તુષાર મહેતાની એ અરજીને ફગાવી દીધી છે, જેમાં રાજ્યોના મુખ્ય સચિવોને વર્ચ્યુઅલી (ઑનલાઇન) હાજર રહેવાની મંજૂરી માંગવામાં આવી હતી. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે મુખ્ય સચિવોએ 3 નવેમ્બરે કોર્ટમાં શારીરિક રીતે હાજર રહેવું પડશે.
જસ્ટિસ વિક્રમનાથ અને સંદીપ મહેતાની ખંડપીઠે સખત શબ્દોમાં કહ્યું કે, “કોર્ટના આદેશોનું કોઈ સન્માન નથી. રાજ્યના મુખ્ય સચિવો શારીરિક રીતે આવે.”
કોર્ટના આદેશનું સન્માન નથી!
જસ્ટિસ નાથે ટિપ્પણી કરી કે, “જ્યારે અમે તેમને પાલન માટેનું સોગંદનામું (Affidavit) દાખલ કરવા કહીએ છીએ, ત્યારે તેઓ માત્ર તેના પર મૌન સેવે છે. કોર્ટના આદેશ પ્રત્યે કોઈ સન્માન નથી. તો, ઠીક છે તેમને આવવા દો.”
આ પહેલાં, સુપ્રીમ કોર્ટે ગુરૂવારે બિહાર સરકારની એ અપીલ પણ નકારી કાઢી હતી, જેમાં રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને કારણે બિહારના મુખ્ય સચિવને 3 નવેમ્બરે કોર્ટમાં હાજર થવામાંથી મુક્તિ માંગવામાં આવી હતી. ખંડપીઠે બિહાર વતી હાજર રહેલા વકીલને કહ્યું, “ચૂંટણી પંચ એ સંભાળી લેશે, ચિંતા ન કરો. મુખ્ય સચિવને આવવા દો.”
સોગંદનામું દાખલ ન કરવા બદલ નારાજગી
સુપ્રીમ કોર્ટે સોમવારે રખડતા શ્વાનના કેસમાં સોગંદનામું દાખલ ન કરનારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ફટકાર લગાવી હતી. કોર્ટે કહ્યું કે, આવી ઘટનાઓ સતત બની રહી છે અને દેશની છબી વિદેશોમાં ખરાબ રીતે દર્શાવવામાં આવી રહી છે.
કોર્ટે પશ્ચિમ બંગાળ અને તેલંગાણા સિવાયના તમામ રાજ્યોના મુખ્ય સચિવોને 3 નવેમ્બરે કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે. તેમને એ પણ નિર્દેશ આપવામાં આવ્યો છે કે 22 ઓગસ્ટે આદેશ છતાં સોગંદનામું કેમ દાખલ કરવામાં આવ્યું નથી, તેનું કારણ જણાવે.
સુપ્રીમ કોર્ટનો 22 ઓગસ્ટનો આદેશ શું હતો?
સુપ્રીમ કોર્ટે 22 ઓગસ્ટે રખડતા શ્વાનના કેસનો વ્યાપ દિલ્હી-NCRથી આગળ વધારતા નિર્દેશ આપ્યો હતો કે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ મામલામાં પક્ષકાર બનાવવામાં આવે.
કોર્ટે નગર પાલિકાઓને એ નિર્દેશ આપ્યો હતો કે તેઓ તેમના સોગંદનામામાં સંસાધનોની સંપૂર્ણ વિગતો આપે, જેમ કે પશુ ચિકિત્સકો, શ્વાન પકડનારા કર્મચારીઓ, વિશેષ વાહનો અને પાંજરા, જેથી પશુ જન્મ નિયંત્રણ (ABC) નિયમોના પાલનની સ્થિતિ સ્પષ્ટ થઈ શકે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ABC નિયમોનો અમલ સમગ્ર ભારતમાં સમાનરૂપે લાગુ થાય છે, તેથી તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આમાં સામેલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ 10 મિનિટ માટે થયું મૃત્યુ, પછી મરીને ફરી જીવિત થયો શખ્સ, ભાનમાં આવતા જ સૌથી પહેલા કર્યું આ કામ!
આ પણ વાંચોઃ ગુજરાત: ગોંડલની રાજનીતિમાં નવો દાવ, કેજરીવાલની હાજરીમાં પાટીદાર અગ્રણી AAPમાં જોડાયા












