Stock Market Today: શેરબજારમાં ભારે ઉથલપાથલ: સેન્સેક્સ 700 પોઈન્ટ નીચે ગગડ્યો

Stock market: ગુરુવારે ભારતીય શેરબજારમાં રોકાણકારોને જોરદાર ઉતાર-ચઢાવનો સામનો કરવો પડ્યો હતો. સવારે બજાર મજબૂત તેજી સાથે ખુલ્યું હતું અને સેન્સેક્સ-નિફ્ટીએ સારી શરૂઆત કરી હતી, પરંતુ દિવસ આગળ વધતા જ વેચવાલીનું દબાણ વધ્યું હતું.
દિવસ દરમિયાન સેન્સેક્સ 77,800ના સ્તર સુધી પહોંચ્યો હતો, પરંતુ ત્યારબાદ લગભગ 700 પોઈન્ટ સુધી નીચે આવી ગયો હતો. બીજી તરફ નિફ્ટી પણ 24,260ના દિવસના ઉચ્ચ સ્તરેથી લગભગ 200 પોઈન્ટ નીચે આવ્યો હતો.
જોકે અંતે બજારે થોડી રિકવરી બતાવી હતી. સેન્સેક્સ 109 પોઈન્ટના વધારા સાથે 77,100ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 34 પોઈન્ટ વધીને 24,056 પર બંધ રહ્યો હતો.
મેટલ શેરોમાં ભારે ઘટાડો
બજારમાં આવેલા ઘટાડાનું મુખ્ય કારણ મેટલ સેક્ટરમાં નબળાઈ રહી હતી. નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં 1 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. હિન્દુસ્તાન ઝિંકના શેરમાં 3 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે વેદાંતા અને નેશનલ એલ્યુમિનિયમ કંપની (NALCO)ના શેર પણ લગભગ 3 ટકા સુધી તૂટ્યા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં એલ્યુમિનિયમ અને ચાંદીના ભાવમાં ઘટાડો તથા મજબૂત અમેરિકન ડોલરના કારણે મેટલ કંપનીઓ પર દબાણ વધ્યું હતું.
IT, એનર્જી અને પાવર શેરોમાં પણ દબાણ
મેટલ સિવાય IT, એનર્જી, ઓઈલ એન્ડ ગેસ અને પાવર સેક્ટરના શેરોમાં પણ વેચવાલી જોવા મળી હતી. ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, HCL ટેક, પાવરગ્રિડ, NTPC અને ભારત ઇલેક્ટ્રોનિક્સ જેવા મોટા શેરોમાં ઘટાડો નોંધાયો હતો.
ઓટો અને FMCG શેરોએ આપ્યો સહારો
જ્યાં એક તરફ ઘણા સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો, ત્યાં ઓટો અને FMCG શેરોએ બજારને સપોર્ટ આપ્યો હતો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મારુતિ સુઝુકી અને ઇન્ડિગોના શેરોમાં તેજી જોવા મળી હતી. ઓટો ઇન્ડેક્સમાં 2 ટકાથી વધુનો વધારો નોંધાયો હતો, જ્યારે FMCG ઇન્ડેક્સ પણ મજબૂત રહ્યો હતો.
મિડકેપ અને સ્મોલકેપમાં પણ ઘટાડો
જોખમ લેવાની ક્ષમતા ઘટતા મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ નબળાઈ જોવા મળી હતી. બંને ઇન્ડેક્સ લગભગ 0.5 ટકા નીચે બંધ થયા હતા. બજાર નિષ્ણાતોના મતે રોકાણકારો નફો બુક કરીને વૈશ્વિક સંકેતો પર નજર રાખી રહ્યા છે.












