વર્લ્ડ કપની ફાઈનલ માટે આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે જામશે જંગ, જુઓ હેડ ટુ હેડ રેકોર્ડ

Sports News: ICC અંડર-19 વર્લ્ડ કપ 2026નો ઉત્સાહ ચરમસિમાહે છે. આજે ટુર્નામેન્ટનો બીજો સેમિફાઇનલ મુકાબલો ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે. આ હાઇ-વોલ્ટેજ મેચ હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે બપોરે 1:00 વાગ્યે (IST) શરૂ થશે. આ મુકાબલામાં જીતનાર ટીમ 6 ફેબ્રુઆરી, શુક્રવારે રમાનારી ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે ટક્કર લેશે. પ્રથમ સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 27 રનથી હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન પાકું કર્યું હતું. હવે ભારતના ક્રિકેટ પ્રેમીઓની નજર આ મુકાબલા પર છે કે ભારત અને અફઘાનિસ્તાનમાંથી કોણ ઇંગ્લેન્ડને ફાઇનલમાં પડકારશે તે આજે નક્કી થઈ જશે.
યુવા ODIમાં ભારતનો દબદબો
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના અંડર-19 ODI હેડ-ટુ-હેડ રેકોર્ડ પર નજર કરીએ તો ભારતીય ટીમનું સ્પષ્ટ વર્ચસ્વ જોવા મળે છે. બંને ટીમો અત્યાર સુધી 12 વખત આમને-સામને આવી છે, જેમાં ભારતે 10 મેચમાં જીત મેળવી છે, જ્યારે અફઘાનિસ્તાનને ફક્ત બે વખત સફળતા મળી છે. 2024 બાદ બંને ટીમો પહેલીવાર સામસામે ટકરાશે. નોંધનીય છે કે અફઘાનિસ્તાને છેલ્લે 2019માં અંડર-19માં ભારતને હરાવ્યું હતું. તે વર્ષે રમાયેલી પાંચ મેચની દ્વિપક્ષીય સીરિઝમાં અફઘાનિસ્તાને ભારતને 3-2થી પરાજય આપ્યો હતો. ત્યારબાદથી ભારત સામે અફઘાનિસ્તાન જીત મેળવી શક્યું નથી.
ભારત VS અફઘાનિસ્તાન હેડ-ટુ-હેડ રેકોર્ડ
કુલ મેચ – 12
ભારતની જીત- 10
અફઘાનિસ્તાની જીત- 2
સેમિફાઇનલ સુધીની સફર
કૅપ્ટન આયુષ મ્હાત્રેના નેતૃત્વમાં ભારતીય ટીમ આ U19 વર્લ્ડ કપમાં અત્યાર સુધી અજેય રહી છે. ભલે કેટલીક મેચોમાં બેટિંગ દબાણ હેઠળ રહી હોય, છતાં ટીમ ઇન્ડિયાએ મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર આવીને દરેક મુકાબલો પોતાના નામે કર્યો છે. સેમિફાઇનલમાં ફરી એકવાર આયુષ મ્હાત્રે અને વૈભવ સૂર્યવંશી પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા રહેશે, કારણ કે તેઓ હજુ સુધી પોતાની પ્રતિભા પ્રમાણે પ્રદર્શન કરી શક્યા નથી.
બીજી તરફ, અફઘાનિસ્તાનનું આ અત્યાર સુધીનું સૌથી પ્રભાવશાળી અંડર-19 વર્લ્ડ કપ અભિયાન રહ્યું છે. ટીમને ટુર્નામેન્ટમાં ફક્ત એક જ હારનો સામનો કરવો પડ્યો છે, જે શ્રીલંકા સામે આવ્યો હતો. અફઘાનિસ્તાન અગાઉ 2018 અને 2022માં સેમિફાઇનલ સુધી પહોંચ્યું હતું, પરંતુ ફાઇનલમાં પ્રવેશ મેળવી શક્યું નહોતું. આ વખતે ટીમ પ્રથમ વખત U19 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચવાની કોશિશ કરશે. હવે જોવાનું રહેશે કે શું ભારત પોતાની જીતની પરંપરાને આગળ વધારી શકે છે કે પછી અફઘાનિસ્તાન નવી સિદ્ધિ હાંસલ કરીને ફાઇનલમાં પ્રવેશ કરશે.












