ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

“ઇતિહાસમાં દફન થઈ ગયા ગઝની અને ઔરંગઝેબ, ત્યાં જ ઉભું છે સોમનાથ”, સ્વાભિમાન પર્વમાં પીએમ મોદીએ કહ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે સોમનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી અને શૌર્ય યાત્રાનું નેતૃત્વ કર્યા પછી સોમનાથ સ્વાભિમાન પર્વમાં સામેલ થયા. આ અવસર પર તેમના સંબોધનમાં તેમણે જણાવ્યું કે સોમનાથનો ઈતિહાસ વિનાશ અને પરાજયનો ઈતિહાસ નથી. આ ઈતિહાસ વિજય અને પુનઃનિર્માણનો ઈતિહાસ છે.

તેમણે કહ્યું કે એક હજાર વર્ષ પહેલાં સુધી, જુલમીઓ એવુ માનતા હતા કે તેમણે મંદિરનો નાશ કર્યો છે, પરંતુ એક હજાર વર્ષ પછી, સોમનાથ મંદિર પર લહેરાતો ધ્વજ ભારતની શક્તિ દર્શાવે છે. આપણા પૂર્વજોએ મહાદેવની શ્રદ્ધા માટે બધું જ બલિદાન કરી દીધુ હતુ.

પીએમ મોદીએ કહ્યું, “આજે, દેશના ખૂણે ખૂણેથી લાખો લોકો આપણી સાથે જોડાયા છે. તે બધાને જય સોમનાથ. આ સમય અદ્ભુત છે, આ વાતાવરણ અદ્ભુત છે, આ ઉજવણી અદ્ભુત છે. એક તરફ, ભગવાન મહાદેવ, બીજી તરફ, સમુદ્રના મોજા, સૂર્યના કિરણો, મંત્રોની ગુંજ, શ્રદ્ધાનો આ ઉછાળો, અને આ દિવ્ય વાતાવરણમાં ભગવાન સોમનાથના ભક્તોની હાજરી… આ પ્રસંગને ભવ્ય અને દિવ્ય બનાવી રહ્યા છે.”

ન તો સોમનાથનો નાશ થયો, ન તો ભારતનો નાશ થયો

પીએમ મોદીએ કહ્યું કે સોમનાથ સ્વાભિમાન પર્વ એ હજાર વર્ષ પહેલાં થયેલા વિનાશની ઉજવણી નથી, પરંતુ હજાર વર્ષની યાત્રાની ઉજવણી છે. તે આપણા ભારતના અસ્તિત્વ અને ગૌરવની ઉજવણી છે, કારણ કે દરેક પગલા પર, દરેક બિંદુએ, આપણે સોમનાથ અને ભારત વચ્ચે એક અનોખી સમાનતા જોઈએ છીએ. સોમનાથને નષ્ટ કરવાના એક નહીં પણ અનેક પ્રયાસો થયા હતા.

તેમણે કહ્યું કે, એ જ રીતે, ઘણી સદીઓથી વિદેશી આક્રમણકારો દ્વારા ભારતને ખતમ કરવાના સતત પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ ન તો સોમનાથનો નાશ થયો કે ન તો ભારતનો નાશ થયો.

પીએમ મોદીએ કહ્યું કે આજે સોમનાથ મંદિરની સ્વાભિમાન યાત્રાના 1,000 વર્ષ પૂર્ણ થયા છે અને 1951માં તેના પુનર્નિર્માણના 75 વર્ષ પૂર્ણ થયા છે તે પણ એક સુખદ સંયોગ છે. સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે હું વિશ્વભરના લાખો ભક્તોને મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું.

આક્રમણકારો ઇતિહાસના પન્નાઓમાં સમેટાઈ ગયા

તેમણે કહ્યું, “એક હજાર વર્ષ પહેલાં આ જ જગ્યાએ વાતાવરણ કેવું હશે? અહીં હાજર રહેલા લોકોના પૂર્વજો, આપણા પૂર્વજોએ પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો… તેમણે પોતાની શ્રદ્ધા, પોતાની માન્યતા, પોતાના મહાદેવ માટે બધું જ બલિદાન કરી દીધુ હતું. એક હજાર વર્ષ પહેલાં, તે આક્રમણકારો માનતા હતા કે તેમણે આપણને જીતી લીધા છે, પરંતુ આજે, એક હજાર વર્ષ પછી પણ, સોમનાથ મહાદેવ મંદિર પર લહેરાતો ધ્વજ સમગ્ર બ્રહ્માંડને પોકાર કરી રહ્યો છે કે ભારતની શક્તિ અને તાકાત શું છે?”

તેઓએ કહ્યું કે આ આયોજનમાં ગર્વ છે, મર્યાદા છે, ગૌરવ છે અને તેમાં મર્યાદાનું જ્ઞાન પણ છે. તેમાં વૈભવનો વારસો છે, તેમાં આધ્યાત્મિક અનુભવ છે, અનુભુતિ છે, આનંદ છે, આત્મીયતા છે અને દેવાધિદેવ મહાદેવનો આશીર્વાદ છે. તેમણે જણાવ્યું કે સોમનાથને નષ્ટ કરવા આવેલા ધાર્મિક આક્રમણકારો ઇતિહાસના પાનાંમાં સમાઈ ગયા છે.

સોમનાથનો ઇતિહાસ વિજય અને પુનર્નિર્માણનો છે

પીએમ મોદીએ કહ્યું કે જ્યારે ગઝનીથી લઈને ઔરંગઝેબ સુધીના આક્રમણકારોએ સોમનાથ પર હુમલો કર્યો, ત્યારે તેમને એવું લાગતુ હતુ કે જાણે તેમની તલવારો સનાતન સોમનાથ પર વિજય મેળવી રહી છે. જોકે, આ ધાર્મિક કટ્ટરપંથીઓ એ સમજવામાં નિષ્ફળ ગયા કે તેઓ જે સોમનાથને નષ્ટ કરવા માંગતા હતા, તેના નામમાં જ “સોમ” એટલે કે અમૃત જોડાયેલું છે, તેમાં હલાહલ પીવા પછી પણ અમર રહેવાનો વિચાર જોડાયેલો છે. તેની અંદર સદાશિવ મહાદેવના રૂપમાં ચૈતન્ય શક્તિ સ્થાપિત છે, જે કલ્યાણકારી પણ છે અને પ્રચંડ તાંડવ: શિવ: એ શક્તિનો સ્ત્રોત પણ છે.

તેમણે કહ્યું કે સોમનાથમાં રહેતા મહાદેવને મૃત્યુંજય તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમણે મૃત્યુ પર વિજય મેળવ્યો, જે સમયનું જ સ્વરૂપ છે. તેમણે કહ્યું કે સોમનાથનો ઇતિહાસ વિનાશ અને પરાજયનો નથી. તે વિજય અને પુનર્નિર્માણનો ઇતિહાસ છે.

આ પણ વાંચો: અમીરગઢ: ફિલ્મી ઢબે પીછો કરી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો, બુટલેગરો કાર મૂકીને ભાગી ગયા

Back to top button