ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી
સ્માર્ટફોન ચાર્જ કરતી વખતે આ ભૂલો ન કરો: બેટરી અને ફોન બંનેને થઈ શકે છે મોટું નુકસાન

Smartphone charging safety tips battery health: આજના સમયમાં સ્માર્ટફોન આપણી દિનચર્યાનો મહત્વનો ભાગ બની ગયો છે. સવારથી લઈને રાત સુધી ફોન સતત આપણી પાસે રહે છે. ફોનની બેટરી પૂરી ન થઈ જાય તે માટે આપણે દિવસમાં એક કે બે વાર તેને ચાર્જ ચોક્કસ કરીએ છીએ. પરંતુ ચાર્જિંગ કરતી વખતે આપણી કેટલીક નાની-નાની ભૂલોને કારણે ફોનની બેટરી અને તેના પરફોર્મન્સ પર માઠી અસર પડે છે. Apple અને Google બંને પોતાની સેફ્ટી ગાઈડલાઈનમાં ખરાબ કેબલ, ભેજ અને વધુ પડતી ગરમીથી બચવાની સલાહ આપે છે.
સસ્તા અને ક્ષતિગ્રસ્ત કેબલનો ઉપયોગ ટાળો
કેબલ ફોનમાં ફિટ થઈ જાય તેનો અર્થ એ નથી કે તે ગુણવત્તાયુક્ત છે. ખરાબ, કટ થયેલા કે લોકલ કેબલથી ચાર્જિંગ ધીમું થાય છે અને ફોનને નુકસાન પહોંચી શકે છે. ગૂગલ પણ ઓરિજિનલ અથવા પ્રમાણિત (Certified) કેબલ વાપરવાની જ ભલામણ કરે છે. ખાસ કરીને ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરતા ફોનમાં અયોગ્ય કેબલ વાપરવા જોખમી બની શકે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
ફોન વધુ ગરમ થાય તો ચાર્જિંગ અટકાવો
ચાર્જિંગ દરમિયાન ફોન સામાન્ય ગરમ થાય તે સ્વાભાવિક છે, પરંતુ જો તે અતિશય ગરમ થઈ રહ્યો હોય તો તેને નજરઅંદાજ ન કરો. વધારે પડતું તાપમાન બેટરીની લાઈફ ઘટાડી શકે છે. આવી સ્થિતિમાં ફોનને થોડીવાર ચાર્જિંગમાંથી કાઢીને ઠંડી જગ્યાએ રાખવો જોઈએ.
તકિયા કે ધાબળા નીચે રાખીને ચાર્જ ન કરો
ઘણા લોકો રાત્રે ફોન ચાર્જમાં મૂકીને તેને તકિયા કે ધાબળા (Blanket) નીચે રાખી દે છે. ચાર્જિંગ વખતે નીકળતી ગરમીને બહાર નીકળવાની જગ્યા ન મળતાં ફોન ઓવરહીટ થઈ જાય છે. તેથી ફોનને હંમેશાં હવાઉજાસ વાળી ખુલ્લી જગ્યાએ રાખવો જોઈએ.
પોર્ટમાં ભેજ કે પાણી હોય ત્યારે ચાર્જિંગ ન કરવું
જો ફોનના ચાર્જિંગ પોર્ટમાં પાણી કે ભેજ હોય તો કેબલ કનેક્ટ ન કરવી. ગૂગલ અને એપલની ગાઈડલાઈન્સ મુજબ, પોર્ટ ભીનો હોય ત્યારે ફોન પૂરેપૂરો સૂકાઈ ન જાય ત્યાં સુધી ચાર્જ ન કરવો. ભેજવાળા પોર્ટને સૂકવવા માટે હેર ડ્રાયર કે ગરમ દબાણ વાળી હવાનો ઉપયોગ કરવો નહીં.
ઢીલા કે ખરાબ ચાર્જિંગ પોર્ટને અવગણશો નહીં
જો ચાર્જિંગ કેબલ વારંવાર નીકળી જતી હોય કે હલાવવાથી ચાર્જિંગ બંધ થઈ જતું હોય, તો પોર્ટમાં ધૂળ ભરાયેલી હોઈ શકે છે. પોર્ટ સાફ કરવા માટે કોઈ અણીદાર પિન કે ધાતુની વસ્તુનો ઉપયોગ ન કરવો. જો પોર્ટ બળેલું કે પીગળેલું દેખાય તો તેને અધિકૃત સર્વિસ સેન્ટર પર ચેક કરાવી લેવું.
સીધા તડકામાં કે ગરમ જગ્યાએ ચાર્જિંગ ન કરો
કારના ડેશબોર્ડ પર, બારી પાસે સીધા તડકામાં કે ગરમ ઉપકરણો નજીક ફોન ચાર્જ કરવાનું ટાળો. અતિશય ગરમીને કારણે બેટરીની ક્ષમતા કાયમી ધોરણે ઘટી શકે છે.
શું આખી રાત ફોન ચાર્જ કરવો ખોટો છે?
આજના મોટાભાગના આધુનિક સ્માર્ટફોન 100% ચાર્જ થઈ ગયા પછી પાવર સપ્લાય આપમેળે કંટ્રોલ કરી લે છે. તેથી માત્ર રાત્રે ચાર્જિંગમાં રાખવાથી ફોન તરત જ ખરાબ થઈ જતો નથી. પરંતુ, જો રાત્રે ફોન બંધ જગ્યાએ કે ગરમ વાતાવરણમાં ચાર્જ થઈ રહ્યો હોય તો તે નુકસાનકારક બની શકે છે.












