
અમેરિકાના ડેનવર સ્થિત ડેનવર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક હ્રદય કંપાવી નાખે તેવી ઘટના સામે આવી છે. મોડી રાત્રે એક અજાણ્યો વ્યક્તિ એરપોર્ટની સુરક્ષા દીવાલ કૂદીને સીધો રનવે સુધી પહોંચી ગયો હતો. તે દરમિયાન ટેકઓફ માટે દોડી રહેલા Frontier Airlinesના વિમાન સાથે તેની ગંભીર ટક્કર થઈ હતી. ઘટનામાં વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે વિમાનના એન્જિનમાં આગ લાગતાં પાઇલટે તરત જ ઈમરજન્સી જાહેર કરીને ફ્લાઇટ રોકી દીધી હતી.
સુરક્ષા તોડીને રનવે સુધી પહોંચ્યો શખ્સ
એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર ઘટના રાત્રે લગભગ 11:19 વાગ્યે બની હતી. એક અજાણ્યા વ્યક્તિએ એરપોર્ટની વાડ કૂદીને પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કર્યો હતો. સુરક્ષા વ્યવસ્થા વચ્ચે તે કેવી રીતે રનવે સુધી પહોંચ્યો તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. તે સમયે Frontier Airlinesની ફ્લાઇટ 4345 ટેકઓફ માટે રનવે પર ઝડપથી આગળ વધી રહી હતી. અચાનક જ રનવે પર દોડી આવેલા વ્યક્તિ સાથે વિમાન અથડાયું હતું. ટક્કર એટલી ભયાનક હતી કે વ્યક્તિ સીધો એન્જિનના ભાગમાં આવી ગયો હતો.
પાઇલટે તરત જ ATCને કર્યો મેસેજ
ઘટના બાદ ફ્લાઇટના પાઇલટે તરત જ એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને સંદેશ મોકલ્યો હતો. ઓડિયો રેકોર્ડિંગ મુજબ પાઇલટે કહ્યું હતું: “ટાવર, ફ્રન્ટિયર 4345… અમે રનવે પર રોકાઈ રહ્યા છીએ. અમારું કોઈ સાથે અથડામણ થયું છે અને એન્જિનમાં આગ લાગી છે.” આ સંદેશ મળતા જ એરપોર્ટ પર ઈમરજન્સી એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને ફાયર તેમજ રેસ્ક્યુ ટીમો તાત્કાલિક રનવે પર પહોંચી ગઈ હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
રનવે પર ફેલાઈ ગયા માનવ અવશેષો
એરપોર્ટ સ્ટાફે ATC સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રનવે પર માનવ શરીરના અવશેષો જોવા મળી રહ્યા હતા. ઘટનાની ગંભીરતા એટલી વધુ હતી કે આસપાસના કર્મચારીઓ પણ હચમચી ઉઠ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ વિમાન તે સમયે લગભગ 149 માઈલ પ્રતિ કલાકની ઝડપે દોડી રહ્યું હતું. જેના કારણે અથડામણ અત્યંત ઘાતક સાબિત થઈ હતી.
⚠️🇺🇸 Scènes horribles après qu'un Airbus A321neo de Frontier Airlines a percuté et tué un piéton sur la piste de l'aéroport international de Denver, forçant l'équipage à interrompre le décollage et à évacuer les passagers. pic.twitter.com/yFh2XwnWgZ
— Press TV Français (@fr_presstv) May 10, 2026
મુસાફરોમાં ફેલાયો ગભરાટ
આ ફ્લાઇટમાં કુલ 224 મુસાફરો અને 7 ક્રૂ સભ્યો સવાર હતા. ટક્કર અને એન્જિનમાં આગ લાગતાં વિમાનની અંદર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મુસાફરોએ જોરદાર ધડાકો સાંભળ્યો હતો અને થોડી જ વારમાં કેબિનમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. ઘણા બાળકો ડરીને રડવા લાગ્યા હતા, જ્યારે મુસાફરો ચીસો પાડી રહ્યા હતા. ઈમરજન્સી ટીમે તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.
12 લોકોને સામાન્ય ઈજાઓ
આ ઘટનામાં 12 મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જેમાંથી પાંચ લોકોને વધુ તપાસ અને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. લોસ એન્જલસ જતી આ ફ્લાઇટને બાદમાં રદ કરવામાં આવી હતી અને મુસાફરોને બસ મારફતે ટર્મિનલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા.
મુસાફરે કહ્યું – ‘બોમ્બ ફૂટ્યો હોય એવો અવાજ આવ્યો’
મુસાફર જોન એન્થેન્સે અમેરિકન મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે શરૂઆતમાં કોઈને સમજાયું નહોતું કે શું બન્યું છે. પરંતુ જોરદાર ધડાકા બાદ લોકો ગભરાઈ ગયા હતા. તેમણે જણાવ્યું: “અચાનક એવો અવાજ આવ્યો જાણે બોમ્બ ફૂટ્યો હોય. ત્યારબાદ અમે એન્જિન તરફથી આગ નીકળતી જોઈ અને કેબિનમાં ધુમાડો ફેલાઈ ગયો.” તેમના પુત્રએ દાવો કર્યો કે તેમના પિતાએ એન્જિનની અંદર એક વ્યક્તિનો પગ ફરતો જોયો હતો, જે દ્રશ્ય ખૂબ જ ભયાનક હતું.
આત્મહત્યાની આશંકા, તપાસ શરૂ
પ્રાથમિક તપાસમાં એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ વ્યક્તિ જાણબૂઝીને રનવે પર દોડી આવ્યો હોઈ શકે છે. જોકે અધિકારીઓએ હજુ સુધી તેની ઓળખ જાહેર કરી નથી.
Frontier Airlinesએ નિવેદન જાહેર કરીને જણાવ્યું કે: “આ ઘટનાથી અમને અત્યંત દુઃખ થયું છે. અમે એરપોર્ટ અને સુરક્ષા એજન્સીઓ સાથે મળીને સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યા છીએ.” હાલ અમેરિકાની ફેડરલ એવિએશન એજન્સીઓ અને સ્થાનિક પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: Mahesana: જગુદણ રોડ પર પ્લાસ્ટિક ગોડાઉનમાં ભીષણ આગ, લાખોનું નુકસાન











