ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયા

બેંકોના ડબલ સ્ટાન્ડર્ડ પર SC નારાજ, નાના લોનધારકોને લઈને કરી મોટી ટિપ્પણી

SC Upset Over Bank : સુપ્રીમ કોર્ટે દેશની સૌથી મોટી સરકારી બેંક SBI સહિત અન્ય બેંકોની લોન આપવાની પ્રક્રિયા પર કડક ટિપ્પણી કરી છે. અદાલતે જણાવ્યું કે બેંકો સામાન્ય લોકોને નાના લોન માટે કડક નિયમો અને લાંબી પ્રક્રિયામાં મૂકી ‘ઉત્પીડન’ કરે છે, જ્યારે મોટા ઉદ્યોગપતિઓ અને કંપનીઓને પૂરતી તપાસ વગર કરોડો રૂપિયાનાં લોન સરળતાથી મંજૂર કરી દેવામાં આવે છે.

ન્યાયમૂર્તિ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને ન્યાયમૂર્તિ આર મહાદેવનની બેન્ચે સુનાવણી દરમિયાન કહ્યું કે બેંકિંગ ક્ષેત્રમાં ચિંતાજનક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સામાન્ય વ્યક્તિને પોતાની જરૂરિયાત માટે નાનું લોન મેળવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જ્યારે મોટા લોન પૂરતી તપાસ વિના મંજૂર થઈ જાય છે અને પછી તે NPAમાં ફેરવાઈ જાય છે.

આ સમગ્ર મામલો હરિયાણાની એક કંપની સાથે જોડાયેલો છે. કંપનીએ વર્ષ 2019માં SBI પાસેથી 8.09 કરોડ રૂપિયાની લોન લીધી હતી. પરંતુ લોન મળ્યા બાદ કંપનીએ એક પણ હપ્તો ભર્યો નહોતો અને થોડા જ મહિનાઓમાં ખાતું NPA જાહેર કરવામાં આવ્યું હતું.

હવે લગભગ છ વર્ષ બાદ કંપનીએ કોર્ટમાં માત્ર મૂળ રકમ ચૂકવવાની તૈયારી દર્શાવી હતી. સુપ્રીમ કોર્ટે કંપનીની આ માંગને “ઘણી ઓછી અને ખૂબ મોડેથી આવેલી ઓફર” ગણાવીને ફગાવી દીધી. સાથે જ બેંકને કંપનીની સંપત્તિ જપ્ત કરવાની મંજૂરી આપી હતી.

પરંતુ સુપ્રીમ કોર્ટે આ મામલે SBIના અધિકારીઓની ભૂમિકા પર પણ સવાલો ઉઠાવ્યા હતા. અદાલતે જણાવ્યું કે કંપનીએ લોન મળતા જ ડિફોલ્ટ કરવો એ દર્શાવે છે કે બેંકે લોન મંજૂર કરતા પહેલાં કંપનીની ચૂકવણી કરવાની ક્ષમતાની યોગ્ય તપાસ જ કરી નહોતી.

કોર્ટે વધુમાં કહ્યું કે તેઓ નિયમોને ઢીલા કરવાની વાત નથી કરી રહ્યા, પરંતુ લોન આપવાની અને રિકવરી કરવાની પ્રક્રિયા સરળ, ન્યાયસંગત અને માનવીય હોવી જોઈએ. ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગને વધુ સહાયરૂપ બને તેવી વ્યવસ્થા જરૂરી છે.

સુપ્રીમ કોર્ટે SBI તરફથી હાજર એડિશનલ સોલિસિટર જનરલ અર્ચના પાઠક દવેને અદાલતની ગંભીર ચિંતા બેંકના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચાડવા સૂચના આપી હતી. કોર્ટે ચેતવણી આપી કે ભવિષ્યમાં આવા મામલાઓમાં બેંકોના બેદરકાર વલણ સામે કડક કાર્યવાહી થઈ શકે છે.

આ પણ વાંચો : શેરબજારમાં ધમાકેદાર શરૂઆત: નિફ્ટી 24 હજાર પાર, સેન્સેક્સમાં જબરદસ્ત ઉછાળો

Back to top button