ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવિશેષ

રૂપિયો 91ના રેકોર્ડ નીચલા સ્તરે, મોદીની 2013ની વાતો ફરી વાયરલ, સરકાર કેમ મૌન છે?

નવી દિલ્હી, 9 માર્ચ 2026: ભારતીય રૂપિયો ડોલર સામે નવા નીચલા સ્તરે પહોંચી ગયો છે, અને આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જૂની વાતો ફરી એકવાર વાયરલ થઈ રહી છે. 2013માં તત્કાલીન કોંગ્રેસ સરકારનો વિરોધ કરતા મોદીએ કહ્યું હતું કે, “ડોલર મજબૂત થઈ રહ્યો છે, રૂપિયો નબળો પડી રહ્યો છે, આવી સ્થિતિમાં વિશ્વ વેપારમાં ભારત ટકી નહીં શકે. અમારા વેપારીઓ આ બોજને સહન નહીં કરી શકે, પણ દિલ્હીની સરકાર કોઈ જવાબ આપતી નથી.” આજે, 12 વર્ષ પછી, જ્યારે રૂપિયો 91ના સ્તરે તૂટીને રેકોર્ડ નીચલા સ્તરે પહોંચ્યો છે, ત્યારે આ વાતો મોદી સરકારને જ આઈનો બતાવતી હોય તેમ લાગે છે – પણ હંમેશની જેમ આ સરકારમાં કોઈ જવાબદેહી નથી તે વધુ સ્પષ્ટ થઈ રહ્યુ છે.

કોંગ્રેસ પાર્ટીએ આજે એક જૂનો વીડિયો શેર કરીને મોદી પર આકરા પ્રહાર કર્યા છે. વીડિયોમાં મોદી જામનગરમાં ભાષણ આપતા જોવા મળે છે, જ્યાં તેઓ રૂપિયાના પતનને UPA સરકારની નિષ્ફળતા બતાવે છે. તે સમયે રૂપિયો 60-70ની આસપાસ હતો, અને મોદીએ આ વચ્ચે ખેડૂતો અને વેપારીઓની ચિંતા વ્યક્ત કરી હતી. પણ આજે, 2026માં, રૂપિયો 90.63થી આગળ વધીને 91ની નીચે તૂટી ગયો છે. મધ્ય પૂર્વમાં યુદ્ધ, તેલના ભાવમાં વધારો અને વિદેશી રોકાણકારોના નીકળી જવાના કારણે.

આ પતનને કારણે ભારતીય નિકાસકારો અને વેપારીઓને અબજોનુ નુકસાન થઈ રહ્યું છે, પણ હંમેશાની જેમ મોદી સરકાર તરફથી કોઈ જવાબદેહી નથી.

આર્થિક મંત્રાલયના 2026ના આર્થિક સર્વેમાં રૂપિયાની કમજોરી પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે રૂપિયો ભારતની આર્થિક મૂળ વસ્તુઓ કરતા નીચા સ્તરે વેપાર કરી રહ્યો છે. નાણાકીય નિષ્ણાતો કહે છે કે આ પતન 90ના સ્તર તરફ જઈ રહ્યું છે, અને માર્ચ 2026ના અંત સુધીમાં તે વધુ ખરાબ થઈ શકે છે. પણ મોદીજી, જેમણે 2014માં ‘અચ્છે દિન આને વાલે હૈ’ની ખોખલી વાતો કરીને લોકોને મુર્ખ બનાવ્યા હતા, આજે તેઓ જ ‘મૌન’ વડાપ્રધાન બની ગયા છે.

કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા જયરામ રમેશે કહ્યું, “મોદીજીએ ત્યારે કહ્યું હતું કે રૂપિયાનું પતન વેપારીઓને બરબાદ કરશે, અને આજે તે જ થઈ રહ્યું છે. પણ તેમની સરકાર હવે કેમ ચૂપ છે? શું આ ‘સ્વચ્છ અર્થતંત્ર’નો ભાગ છે, જ્યાં રૂપિયો તો પડે છે પણ જવાબદારી કોઈ લેતુ નથી?” આ વાત પર ભાજપના નેતાઓએ હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી, જે વિરોધ પક્ષને વધુ તીખા હુમલા માટે તક આપે છે.

આર્થિક વિશ્લેષકો માને છે કે આ પતન વૈશ્વિક પરિબળો જેમ કે તેલના ભાવ અને યુદ્ધને કારણે છે, પણ દેશીય નીતિઓ પણ જવાબદાર છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ હસ્તક્ષેપ કરીને રૂપિયાને સ્થિર કરવાનો પ્રયાસ કર્યો છે, પણ નિષ્ણાતો કહે છે કે આ અસ્થાયી છે. વેપારી સંગઠનો જેમ કે FICCI અને CIIએ સરકાર પાસે તાત્કાલિક પગલાંની માગ કરી છે, જેમાં વિદેશી રોકાણને પ્રોત્સાહન અને આયાત નિયંત્રણનો સમાવેશ થાય છે.

મોદીના આ જૂના વીડિયો પર સોશિયલ મીડિયા પર તીખી પ્રતિક્રિયાઓ આવી રહી છે. એક યુઝરે લખ્યું, “ત્યારે વેપારીઓની ચિંતા કરતા હતા, આજે તો તેમના અનુયાયીઓ પણ રડી રહ્યા છે” જ્યારે અન્ય એકે કહ્યું, “આ છે મોદીની ‘ગેરંટી’ – રૂપિયાની ગેરંટી નહીં, પડતીની!”

આ બધું જોતા લાગે છે કે મોદી સરકારના 12 વર્ષના શાસનમાં ‘સારા દિવસો’ની વાતો તો જવાદો, પણ રૂપિયાનું પતન અને વેપારીઓની તકલીફો વધી ગઈ છે. જો સરકારે તાત્કાલિક જવાબ ન આપ્યો, તો આ મુદ્દો આવનારી ચૂંટણીઓમાં મોદીને ‘ઘેરી’ લેશે. જેમ તેઓએ 2014માં કર્યું હતું. પણ આ આર્ટિકલમાં અમે તમને સ્પષ્ટ કહેવા માંગીએ છીએ કે મોદી સરકાર આ મુદ્દે કોઈ જવાબ નહીં આપે. જનતાને આમતેમ ભટકાવી રાખશે પણ દેશની અસલી પરિસ્થિતિ સામે આવશે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હશે.

આ પણ વાંચો: પશ્ચિમ એશિયાના સંકટથી ભારતીય અર્થતંત્ર પર અસર: રાહુલ ગાંધીએ સંસદમાં ચર્ચાની માંગ કરી

Back to top button