મંદિર, પાણી અને સ્મશાનમાં નહીં કોઈ ભેદભાવ ન હોવો જોઈએઃ RSS પ્રમુખ મોહન ભાગવત
નવી દિલ્હીઃ 27 ઓગસ્ટ, 2025: RSS Chief Mohan Bhagwat: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના શતાબ્દી વર્ષ નિમિત્તે દિલ્હીમાં આયોજિત ત્રણ દિવસીય કાર્યક્રમમાં મોહન ભાગવતે કહ્યું કે, મંદિર, પાણી અને સ્મશાન વચ્ચે કોઈ ભેદભાવ ન હોવો જોઈએ. RSS વડા મોહન ભાગવતે કહ્યું કે, ‘હિન્દુત્વ શું છે? હિન્દુ વિચારધારા શું છે? ટૂંકમાં, બે શબ્દો છે, સત્ય અને પ્રેમ. દુનિયા એકતા પર ચાલે છે; તે કપટથી નથી ચાલતી.’
હિન્દુ રાષ્ટ્રનું જીવન-લક્ષ્ય શું છે?
તેમણે કહ્યું કે, ‘હિન્દુ રાષ્ટ્રનું જીવન-લક્ષ્ય શું છે? આપણું હિન્દુસ્તાન, તેનું લક્ષ્ય વિશ્વ કલ્યાણ છે. વિકાસની પ્રક્રિયામાં, દુનિયાએ પોતાની અંદર શોધવાનું બંધ કરી દીધું… જો આપણે પોતાની અંદર શોધ કરીશું, તો આપણને શાશ્વત સુખનો સ્ત્રોત મળશે જે ક્યારેય ઝાંખું નથી પડતું. તેને શોધવું એ માનવ જીવનનું અંતિમ લક્ષ્ય છે અને આનાથી દરેક વ્યક્તિ ખુશ થશે. દરેક વ્યક્તિ એકબીજા સાથે સદ્ભાવથી રહી શકશે. દુનિયાના સંઘર્ષોનો અંત આવશે અને દુનિયા શાંતિથી ખુશ રહેશે.’
મોહન ભાગવતે બુધવારે (27 ઓગસ્ટ) કહ્યું હતું કે, પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ પછી પણ આજે ત્રીજા વિશ્વયુદ્ધ જેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ કાયમી શાંતિ સ્થાપિત કરી શકી નથી. તેનો ઉકેલ ધાર્મિક સંતુલન અને ભારતીય દ્રષ્ટિકોણ દ્વારા જ શક્ય છે. આપણે સમગ્ર હિન્દુ સમાજને એક કરવાના લક્ષ્યને પ્રાપ્ત ન કરીએ ત્યાં સુધી આગળ વધતા રહેવું જોઈએ અને આપણે આ કેવી રીતે કરી શકીએ? તે ચાર માર્ગદર્શક સિદ્ધાંતોમાં વ્યક્ત કરી શકાય છે – મૈત્રી, ઉપેક્ષા, આનંદ અને કરુણા.’
ધર્મ સાર્વત્રિક છેઃ ભાગવત
આ વિશે વધુ વાત કરતા તેમણે કહ્યું કે, ‘જો દરેક વ્યક્તિ ઉપભોગ પાછળ દોડવા લાગે, તો સ્પર્ધા થાય છે, એકબીજામાં ઝઘડા થાય છે. દુનિયા વિનાશના તબક્કે આવે છે, જ્યારે આપણી વિચારધારા એ છે કે દરેક વ્યક્તિએ સમૃદ્ધ થવું જોઈએ. ધર્મ સાર્વત્રિક છે, તે સૃષ્ટિની શરૂઆતથી અસ્તિત્વમાં છે. તમે માનો કે ન માનો તે તમારા પર નિર્ભર છે પરંતુ આ તે ધર્મ છે જે વિશ્વને શાંતિ આપે છે. પરિવારમાં બેસીને વિચારો કે આપણે આપણા ભારત માટે શું કરી શકીએ છીએ. આપણા દેશ અને સમાજ માટે કોઈપણ રીતે કોઈ પણ કાર્ય કરો. વૃક્ષ વાવવાથી લઈને વંચિત વર્ગના બાળકોને શિક્ષણ આપવા સુધીનું કોઈપણ નાનું કાર્ય કરવાથી દેશ અને સમાજ સાથે જોડાવાની ભાવના ઉત્પન્ન થશે.’
આ પણ વાંચોઃ આસારામ ફરી જશે જેલ, જોધપુર હાઇકોર્ટે વચગાળાની જામીન લંબાવવાનો કર્યો ઇનકાર
આ પણ વાંચોઃ પીડિતોને દરેક સંભવ મદદ… PM મોદીએ વૈષ્ણો દેવી મંદિર દુર્ઘટનામાં 32 મૃત્યુ પર વ્યક્ત કર્યું દુઃખ












