કાચા તેલના વધતા ભાવથી વૈશ્વિક બજારમાં ચિંતા, દેશમાં હાલ ઇંધણના દર સ્થિર

Rising crude oil prices: આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. ખાડી વિસ્તારમાં શરૂ થયેલા સંઘર્ષ બાદ ભારતીય રિફાઇનરીઓ માટે કાચા તેલની ખરીદી ખર્ચમાં આશરે ૯૩ ટકા જેટલો વધારો નોંધાયો છે. તાજેતરમાં કાચા તેલનો ભાવ પ્રતિ બેરલ 136 ડોલરથી વધુ પહોંચતા દેશની મુખ્ય તેલ કંપનીઓના નફા પર અસર પડી છે.
જો કે, દેશમાં પેટ્રોલ અને ડીઝલના દરોમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. રાજધાનીમાં પેટ્રોલનો દર લગભગ ૯૪ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલનો દર 87 રૂપિયા પ્રતિ લિટર આસપાસ જાળવવામાં આવ્યો છે. અન્ય મોટા શહેરોમાં પણ હાલ દરોમાં કોઈ ફેરફાર થયો નથી.
વિશ્વના ઘણા દેશોએ કાચા તેલના વધતા ભાવને ધ્યાનમાં રાખીને પોતાના દેશમાં ઇંધણના દરોમાં વધારો કર્યો છે. પરંતુ દેશમાં તેલ કંપનીઓએ હજુ સુધી ભાવ વધારાનો નિર્ણય લીધો નથી. છેલ્લા કેટલાક સમયગાળામાં થયેલા નફાના કારણે કંપનીઓ હાલ પોતાના નફામાં ઘટાડો સહન કરી રહી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
સરકાર તરફથી નજીકના સમયમાં ઇંધણના દરોમાં વધારો કરવાની શક્યતા ઓછી માનવામાં આવે છે. કેટલાક રાજ્યોમાં યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પણ ભાવોમાં વધારો અટકાવવામાં આવ્યો હોવાનો અંદાજ છે. મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી હાલના દરો જાળવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
કાચા તેલના ભાવમાં વધારાનું મુખ્ય કારણ ખાડી વિસ્તારમાં મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગમાં અવરોધ છે. આ માર્ગથી વિશ્વના મોટા ભાગના તેલ અને ગેસની આવકજાવક થાય છે. આ માર્ગમાં અવરોધને કારણે પુરવઠા પર અસર પડી છે અને તેના કારણે ભાવમાં વધારો થયો છે.
ભારત માટે આ પરિસ્થિતિ વધુ પડકારજનક છે, કારણ કે દેશની ઊર્જાની મોટી જરૂરિયાત આયાત પર આધારિત છે. પુરવઠામાં અનિશ્ચિતતા અને વૈશ્વિક તણાવને કારણે આવતા સમયમાં પણ કાચા તેલના ભાવમાં ઉતાર-ચઢાવ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : VIDEO: બિહારમાં શરમજનક ઘટના બની, મહિલા ડાન્સરને પકડી ભીડમાં ફેંકી દીધી











