જાણીતા સિંગર અને મ્યુઝિશિયન રઘુ દિક્ષિતે ૫૦ની ઉંમરે ફરી કર્યા લગ્નઃ ૧૬ વર્ષ નાની વરિજાશ્રી બની પત્ની

- 50 વર્ષની ઉંમરે રઘુ દિક્ષિતે 16 વર્ષ નાની વાંસળીવાદક અને ગાયિકા વરિજાશ્રી વેણુગોપાલ સાથે લગ્ન કર્યા છે
HD ન્યુઝ ડેસ્કઃ પ્રખ્યાત ગાયક અને સંગીતકાર રઘુ દીક્ષિતે એક નવું જીવન શરૂ કર્યું છે. 50 વર્ષની ઉંમરે તેમણે 16 વર્ષ નાની વાંસળીવાદક અને ગાયિકા વરિજાશ્રી વેણુગોપાલ સાથે લગ્ન કર્યા છે. આ લગ્ન 14 ઓક્ટોબર, 2025 ના રોજ એક ખાનગી સમારોહમાં થયા હતા, જેમાં પરિવાર અને નજીકના મિત્રો હાજર રહ્યા હતા.
ઇન્સ્ટાગ્રામ પર પોતાના લગ્નની તસવીરો શેર કરતા રઘુ દીક્ષિતે લખ્યુ છે કે ખુશી અને સાથ માટે! અમારા પરિવાર અને પ્રિયજનોના આશીર્વાદ સાથે આ નવી સફર શરૂ કરી રહ્યા છીએ. લવ એન્ડ લાઈટ – વરી અને રઘુ.
View this post on Instagram
આ ફોટામાં આ કપલ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યું છે. રઘુએ મરૂન બોર્ડરવાળી પરંપરાગત પીળી વેષ્ટી પહેરી હતી, જ્યારે વરિજાશ્રી નારંગી સાડી અને વાદળી બ્લાઉઝમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
પ્રેમની શરૂઆત મિત્રતાથી થઈ હતી
અહેવાલો અનુસાર રઘુ અને વરિજાશ્રી સંગીત જગતમાં મળ્યા હતા. તેમણે અનેક પ્રોજેક્ટ્સ પર સાથે કામ કર્યું અને તેમની મિત્રતા ધીમે ધીમે પ્રેમમાં પરિણમી હતી.
આ દંપતીની નજીકના સૂત્રના જણાવ્યા અનુસાર રઘુ અને વરિજાશ્રી વચ્ચે ઊંડો અને આદરપૂર્ણ સંબંધ છે. તેઓ સંગીત દ્વારા એકબીજાને સમજે છે.
સેલિબ્રિટીઓ પણ જોડાયા
લગ્ન સમારોહમાં ઉદ્યોગના કેટલાક જાણીતા ચહેરાઓ પણ જોવા મળ્યા હતા. અભિનેત્રી યમુના શ્રીનિધિએ સોશિયલ મીડિયા પર લગ્નની ઝલક શેર કરી હતી. ફોટામાં લગ્નની વિધિ દરમિયાન આ કપલ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યું હતું. મહેમાનોમાં અય્યો શ્રદ્ધા અને અન્ય સંગીતકારો પણ સામેલ હતા.
રઘુ દીક્ષિતના પહેલા લગ્ન વિશે
ઉલ્લેખનીય છે કે આ રઘુ દીક્ષિતના બીજા લગ્ન છે. તેમણે અગાઉ 2005 માં કોરિયોગ્રાફર મયુરી ઉપાધ્યાય સાથે લગ્ન કર્યા હતા, પરંતુ 2019 માં તેઓ અલગ થઈ ગયા હતા. છૂટાછેડા પછી રઘુએ પોતે કહ્યું હતું કે તે એક અદ્ભુત પત્ની હતી, પરંતુ હું એક સારો પતિ ન બની શક્યો.
આ પણ વાંચોઃ ભારતીય સંસ્કૃતિ તરફ આકર્ષાયા ભૂરિયા: સમૂહ લગ્નમાં લગ્ન કરવા માટે વિદેશથી આવ્યા વર અને કન્યા











