ભારતમાં CNG નેટવર્કનો વિસ્તાર, 2030 સુધીમાં 18000 સ્ટેશનો બનાવવાનું લક્ષ્ય

નવી દિલ્હી, 30 ઓગસ્ટ, 2025: સ્વચ્છ ઉર્જા હેઠળ ભારત 2030 સુધીમાં સીએનજી સ્ટેશનોની સંખ્યા બમણી કરીને 18,000 સુધીની કરશે. કેન્દ્રિય મંત્રી હરદીપસિંહ પુરીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં સરકારની એક રાષ્ટ્ર, એક ગેસ ગ્રીડ યોજના હેઠળની ઉપલબ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યુ કે 2014માં દેશમાં ફક્ત 738 સીએનજી સ્ટેશનો હતો. આજે આ સંખ્યા વધીને 8,150થી વધુની છે. આ બસ, ઓટો અને કારને વ્યાજબી અને સ્વચ્છ ઇંધણ ઉર્જા પ્રદાન કરે છે. 2030 સુધીમાં આ નેટવર્કને 18,000થી વધુ સ્ટેશનો સુધી લઇ જવામાં આવશે.
શહેરી ગેસ વિતરણ નેટવર્કનો વિસ્તાર થયો
મંત્રીએ જણાવ્યું હતું કે છેલ્લા દાયકામાં શહેરી ગેસ વિતરણ નેટવર્કનો અભૂતપૂર્વ વિકાસ થયો છે. 2014માં ફક્ત 55 ભૌગોલિક વિસ્તારો સુધી મર્યાદિત નેટવર્ક આજે વધીને 307 વિસ્તારો સુધી પહોંચી ગયું છે. તે લગભગ સમગ્ર દેશને આવરી લે છે, જે 99 ટકા વસ્તી અને 96 ટકા જમીન વિસ્તાર સુધી પહોંચે છે.
1.52 કરોડ ઘરો PNG સાથે જોડાયેલા છે
હાલમાં 1.52 કરોડ ઘરો પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) સાથે જોડાયેલા છે, જે રસોડાને સુરક્ષિત અને સ્વચ્છ બનાવે છે. આ પરિવર્તન પાછળ ગેસ પાઇપલાઇન નેટવર્ક આ સિસ્ટમનો આધાર છે. હાલમાં, પાઇપલાઇન્સ 25,429 કિમી સુધી વિસ્તરે છે, અને ચાલુ બાંધકામ કાર્યને કારણે તે 2030 સુધીમાં 33,475 કિમી સુધી વિસ્તરે તેવી અપેક્ષા છે. આ સંકલિત સિસ્ટમ દરિયાકાંઠાથી દૂરના નગરો સુધી અવિરત ઇંધણ પ્રવાહ સુનિશ્ચિત કરે છે.
દેશ ગ્રીન ઇંધણ તરફ આગળ વધી રહ્યો છે
પુરીએ ભાર મૂક્યો કે દેશ ગ્રીન ઇંધણ તરફ પણ આગળ વધી રહ્યો છે. અત્યાર સુધીમાં, 113 કોમ્પ્રેસ્ડ બાયોગેસ (CBG) પ્લાન્ટ કાર્યરત થઈ ગયા છે, અને 78 વધુ પ્લાન્ટ પાઇપલાઇનમાં છે. ગયા વર્ષે લગભગ 42,800 ટન CBG ખરીદવામાં આવ્યું હતું. આ વર્ષ માટે મિશ્રણનો લક્ષ્યાંક 1 ટકા નક્કી કરવામાં આવ્યો છે, જે 2028 સુધીમાં વધારીને 5 ટકા કરવામાં આવશે.
સરકારી માહિતી અનુસાર, ભારતની કુલ સ્થાપિત ક્ષમતા જૂન 2025 સુધીમાં 476 ગીગાવોટ સુધી પહોંચી ગઈ છે. આમાંથી, 240 ગીગાવોટ થર્મલ પાવરમાંથી આવે છે, જે કુલ ઉત્પાદનના 50.52 ટકા છે. બિન-અશ્મિભૂત ઇંધણ સ્ત્રોતો 235.7 ગીગાવોટ અથવા કુલ ક્ષમતાના 49 ટકા ફાળો આપે છે. આમાં 226.9 ગીગાવોટ નવીનીકરણીય ઊર્જા અને 8.8 ગીગાવોટ પરમાણુ ઊર્જાનો સમાવેશ થાય છે. ગેસ આધારિત વીજળી કુલ ક્ષમતામાં 20 ગીગાવોટનું યોગદાન આપે છે. છેલ્લા અગિયાર વર્ષમાં, ભારતે નવીનીકરણીય ઊર્જાના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. COP26 પ્રતિબદ્ધતા અનુસાર, નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય 2030 સુધીમાં બિન-અશ્મિભૂત ઇંધણ સ્ત્રોતોમાંથી 500 GW સ્થાપિત ક્ષમતા પ્રાપ્ત કરવા માટે કામ કરી રહ્યું છે.
આ પણ વાંચોઃ વિપક્ષી રાજ્યોએ જીએસટીની આવકના નુકસાન સામે કેન્દ્ર પાસે માંગ્યુ વળતર, વાર્ષિક 2 લાખ કરોડના નુકસાનનો અંદાજ












