રોહિત શેટ્ટી બાદ રણવીર સિંહને ધમકી: વૉટ્સએપ પર વોઈસ નોટ મોકલી કરોડોની માંગણી, અભિનેતાના ઘરની સુરક્ષા વધી

નવી દિલ્હીઃ 10 ફેબ્રુઆરી, 2026: બોલિવૂડ ફિલ્મમેકર રોહિત શેટ્ટીના ઘર પર થયેલા ફાયરિંગની ઘટનાના ગણતરીના દિવસોમાં જ હવે અભિનેતા રણવીર સિંહને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. રણવીર સિંહને વૉટ્સએપ વોઈસ નોટ દ્વારા ધમકીભર્યો મેસેજ મોકલવામાં આવ્યો છે, જેમાં તેની પાસેથી કરોડો રૂપિયાની ખંડણી માંગવામાં આવી છે. આ ધમકી બાદ મુંબઈ પોલીસે રણવીર સિંહના ઘરની બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસનો ધમધમાટ
મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ આ સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે અને વોઈસ નોટ મોકલનાર શખ્સની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. જોકે, હજુ સુધી રણવીર સિંહ અથવા તેની ટીમ તરફથી સત્તાવાર રીતે કોઈ લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી નથી, પરંતુ સુરક્ષાના કારણોસર પોલીસ એક્શનમાં આવી ગઈ છે.
રોહિત શેટ્ટીના ઘર પર ફાયરિંગ અને બિશ્નોઈ ગેંગનું કનેક્શન
ઉલ્લેખનીય છે કે, ૩૧ જાન્યુઆરીની મધરાતે રોહિત શેટ્ટીના ઘરની બહાર ૫ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ કેસમાં અત્યાર સુધીમાં ૫ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે હથિયાર સપ્લાય કરનાર આરોપી આસારામ ફાસલે છેલ્લા 4 વર્ષથી ગેરેજ મિકેનિકના વેશમાં બિશ્નોઈ ગેંગ માટે કામ કરી રહ્યો હતો. આ પહેલા સલમાન ખાનના ઘરની બહાર પણ બિશ્નોઈ ગેંગ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
વ્યાવસાયિક વિવાદોમાં પણ ઘેરાયો રણવીર
રણવીર સિંહ હાલમાં તેની ફિલ્મો અને વિવાદોને કારણે પણ ચર્ચામાં છે. આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર’માં રણવીરે ઈન્ડિયન સ્પાય ‘હમઝા’નો રોલ ભજવ્યો છે, જેણે બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરી છે. ફિલ્મનો બીજો ભાગ ૧૯ માર્ચે રિલીઝ થવાનો છે. રણવીર સિંહ ‘ડૉન ૩’ માંથી બહાર નીકળવાને કારણે વિવાદોમાં છે. અહેવાલો મુજબ, પ્રોડક્શન હાઉસે રણવીર પાસે 40 કરોડ રૂપિયાના વળતરની માંગ કરી છે, જ્યારે રણવીરનું કહેવું છે કે તે કોઈ પણ પૈસા ચૂકવવા માટે જવાબદાર નથી.












