રામ મંદિર દાન ચોરી મામલે મોટો ખુલાસો: મહાકુંભ દરમિયાન વધી ગેરરીતિ, ચેતવણીઓ છતાં કોઈ કાર્યવાહી નહીં!
Ayodhya Ram Temple: અયોધ્યાના રામ મંદિરના દાનમાં થયેલી કથિત ચોરીના મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. તપાસ સાથે જોડાયેલા અધિકારીઓના જણાવ્યા અનુસાર આ કોઈ એક વ્યક્તિનું કૃત્ય નહીં, પરંતુ અંદરથી સંચાલિત સુનિયોજિત ગેરરીતિ હોવાની આશંકા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ SITને મળેલા પુરાવાઓમાં આઠ લોકોની સંડોવણી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. દાન કાઉન્ટર પર કાર્યરત કર્મચારી અવિનાશ શુક્લા સમગ્ર કથિત ગેરરીતિનો મુખ્ય સૂત્રધાર હોવાનું તપાસ એજન્સીઓ માની રહી છે.
રાજ્ય સરકારે SITને તપાસ પૂર્ણ કરવા માટેની સમયમર્યાદા 15 જુલાઈ સુધી લંબાવી છે. બીજી તરફ, રામ મંદિર ટ્રસ્ટની સોમવારે યોજાનારી તાત્કાલિક બેઠકમાં આ સમગ્ર મામલે ચર્ચા થશે. સાથે જ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાના ભવિષ્ય અંગે પણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે.
મહાકુંભ દરમિયાન સૌથી વધુ ગેરરીતિની આશંકા
તપાસકર્તાઓના જણાવ્યા મુજબ દાનની ગણતરી દરમિયાન ગેરરીતિ અંગેની શંકા કેસ જાહેર થાય તે પહેલાં જ ઊભી થઈ હતી. અંદાજે ત્રણ મહિના અગાઉ ટ્રસ્ટના કેટલાક સભ્યોએ દાનની ગણતરી પ્રક્રિયામાં અસામાન્ય બાબતો નોંધતાં તેમાં સામેલ કર્મચારીઓમાં ફેરફાર કરવાની ભલામણ કરી હતી.
હવે SIT એ તપાસ કરી રહી છે કે આ ભલામણો પર અમલ થયો હતો કે નહીં અને જો નહીં તો તેની પાછળનું કારણ શું હતું.
પુરાવા મળ્યા બાદ પોલીસ મદદ પણ માગવામાં આવી હતી
તપાસ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર મે મહિનાના અંત સુધીમાં કથિત ગેરરીતિના પ્રાથમિક પુરાવા સામે આવ્યા બાદ ટ્રસ્ટના કેટલાક સભ્યોએ સ્થાનિક પોલીસની મદદથી સંદિગ્ધો પર દરોડા પાડવા અને રોકડ રકમ જપ્ત કરવાની માંગ પણ કરી હતી.
હાલ SITની અંતિમ તપાસ રિપોર્ટ જાહેર થયો નથી. રિપોર્ટ જાહેર થયા બાદ સમગ્ર મામલે વધુ મોટા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.












