ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

રાજકોટ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, ટેકઓફ કરતા જ વિમાન સાથે પક્ષી અથડાયું, ઈમરજન્સી લેન્ડીંગ કરાવ્યું

રાજકોટ: હિરાસર એરપોર્ટ પરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટથી દિલ્હી જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ સાથે ટેકઓફ દરમિયાન જ એક મોટી દુર્ઘટના ઘટતા ટળી છે. વિમાન હજુ આકાશમાં ઉડાન ભરી રહ્યું હતું તે જ સમયે અચાનક પક્ષી અથડાવાની (બર્ડ હિટ) ઘટના સામે આવી હતી. આ ઘટનાને પગલે વિમાનમાં તાત્કાલિક ટેક્નિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે પાયલોટે ભારે સતર્કતા દાખવીને ફ્લાઇટનું હિરાસર એરપોર્ટ પર જ ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું.

ફ્લાઇટમાં કુલ 124 જેટલા મુસાફરો સવાર હતા

મળતી માહિતી મુજબ, એર ઇન્ડિયાની આ ફ્લાઇટમાં કુલ 124 જેટલા મુસાફરો સવાર હતા. વિમાન હવામાં ફંટાયું કે તુરંત જ પક્ષી એન્જિનના પંખા સાથે અથડાયું હતું, જેના કારણે એરલાઇન્સના પંખાના બ્લેડને મોટું નુકસાન પહોંચ્યું હતું. પક્ષી અથડાવાની સાથે જ પાયલોટને એન્જિનમાં ટેક્નિકલ ખામીની જાણ થઈ ગઈ હતી. સદનસીબે પાયલોટની સમયસૂચકતા અને કુશળતાના કારણે વિમાનને સુરક્ષિત રીતે રનવે પર પાછું ઉતારી લેવામાં આવ્યું હતું, જેથી મોટી હોનારત ટળી હતી અને તમામ 124 મુસાફરોનો આબાદ બચાવ થતાં એરપોર્ટ પ્રશાસને રાહતનો શ્વાસ લીધો હતો.

ટેક્નિકલ ટીમ દ્વારા ફ્લાઇટનું રિપેરિંગ કામ શરૂ

આ ઘટના બાદ એર ઇન્ડિયાની ટેક્નિકલ ટીમ દ્વારા ફ્લાઇટનું રિપેરિંગ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. એરપોર્ટના સત્તાધીશોના જણાવ્યા અનુસાર, વિમાન સંપૂર્ણ રિપેર થઈ ગયા બાદ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનની ખાસ ટીમ દ્વારા તેની ચકાસણી અને તપાસ કરવામાં આવશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

વૈકલ્પિક વ્યવસ્થા

ડીજીસીએની મંજૂરી બાદ એરક્રાફ્ટનું પ્રોપર ફ્લાઇટ ઇન્પેક્શન અને ટ્રાયલ લેવામાં આવશે, અને તમામ સેફ્ટી માપદંડો યોગ્ય જણાશે ત્યારબાદ જ આ વિમાનને ફરી આકાશમાં ઉડાન ભરવા માટેની લીલી ઝંડી આપવામાં આવશે. ત્યાં સુધી મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: સુરતમાં તંત્રની ઘોર બેદરકારી, 100થી વધારે ઝૂંપડા કોણે તોડ્યા, કોઈ જવાબદારી લેવા તૈયાર નથી

Back to top button