ગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટમાં વરસાદ વચ્ચે જર્જરિત મકાન ધરાશાયી, 48 વર્ષીય વ્યક્તિનું મોત; પરિવારે કમાઉ સભ્ય ગુમાવ્યો

02-08-2026: રાજકોટ શહેરમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે એક કરૂણ અકસ્માત સામે આવ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા બેડીપરા ખાતે શ્રમજીવી સોસાયટીમાં મધરાતે એક જર્જરિત મકાન અચાનક ધરાશાયી થતાં 48 વર્ષીય અજયભાઈ કુરજીભાઈ બેલદારનું દુઃખદ મોત થયું છે. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ સર્જી દીધું છે.

માહિતી મુજબ, રામજી મંદિર ચોક નજીક આવેલું વર્ષો જૂનું મકાન મોડીરાત્રે અચાનક જ તૂટી પડ્યું હતું. મકાનની દીવાલો અને છત ધરાશાયી થતાં અંદર રહેલા અજયભાઈ ભારે કાટમાળ નીચે દટાઈ ગયા હતા. ધડાકાભેર અવાજ સંભળાતા આસપાસના લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા અને તાત્કાલિક ફાયર બ્રિગેડ તેમજ 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી.

ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરીને ભારે જહેમત બાદ કાટમાળ હટાવ્યો હતો. જોકે, અજયભાઈને બહાર કાઢવામાં આવ્યા ત્યાં સુધીમાં તેમનું મોત થઈ ચૂક્યું હતું. 108ની તબીબી ટીમે તેમને મૃત જાહેર કર્યા હતા.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, અજયભાઈ છેલ્લા ચાર દાયકાથી આ મકાનમાં પરિવાર સાથે રહેતા હતા. તેઓ પરિવારના મુખ્ય કમાઉ સભ્ય હતા. તેમના અચાનક અવસાનથી પરિવાર પર આર્થિક અને માનસિક બંને રીતે મોટી આફત આવી પડી છે. ઘટનાના પગલે સમગ્ર શ્રમજીવી સોસાયટીમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.

દુર્ઘટના બાદ રાજકોટ મહાનગરપાલિકાની ટીમ અને ફાયર વિભાગે જેસીબીની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. આસપાસના મકાનોની સલામતીની પણ તપાસ કરવામાં આવી હતી જેથી વધુ કોઈ અનિચ્છનીય ઘટના ન બને. મકાનમાં રહેલો ઘરવખરીનો મોટાભાગનો સામાન પણ કાટમાળ નીચે દબાઈ જતાં ભારે આર્થિક નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.

રાજકોટમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા સતત વરસાદને કારણે જૂના અને જર્જરિત મકાનો વધુ જોખમી બન્યા હોવાનું તંત્રનું કહેવું છે. મહાનગરપાલિકાએ અગાઉ પણ આવા મકાનોમાં રહેતા લોકોને નોટિસ આપી સુરક્ષિત સ્થળે ખસી જવાની અપીલ કરી હતી. આ ઘટનાના પગલે તંત્રે ફરી એકવાર લોકોને વરસાદી સિઝનમાં જોખમી મકાનોમાં ન રહેવા અને સમયસર સ્થળાંતર કરવા અનુરોધ કર્યો છે.

આ પણ વાંચો: જૂનાગઢ-મેંદરડા હાઈવે પર ગમખ્વાર અકસ્માત: 6 માસના પુત્રના પિતાનું મોત, બે મિત્રો ગંભીર રીતે ઘાયલ

Back to top button