ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

આવક કરતાં વધુ સંપત્તિનો મામલો: અલ્હાબાદ HCના CBI-ED તપાસના આદેશ સામે રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા

National News: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આવક કરતાં વધુ સંપત્તિના આરોપો સંબંધિત મામલે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. હાઈકોર્ટે CBI અને EDને તેમની સામે થયેલી ફરિયાદમાં કાયદા મુજબ આરોપોની ચકાસણી કરવા કહ્યું હતું. રાહુલ ગાંધીએ આ આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આ સાથે તેમણે કેસને અલ્હાબાદ હાઈકોર્ટમાંથી દિલ્હી હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની પણ માંગ કરી છે.

શું છે સમગ્ર મામલો?

આ કેસ કર્ણાટકના ભાજપ કાર્યકર વિગ્નેશ શિશિર દ્વારા કરવામાં આવેલી ફરિયાદ સાથે જોડાયેલો છે. ફરિયાદમાં રાહુલ ગાંધી પાસે તેમની જાહેર આવકની સરખામણીએ વધુ સંપત્તિ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ મામલે અલ્હાબાદ હાઈકોર્ટે મે મહિનામાં CBI અને EDને ફરિયાદમાં કરવામાં આવેલા આરોપોની કાયદા મુજબ ચકાસણી કરવા કહ્યું હતું. હાઈકોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે બંને કેન્દ્રીય એજન્સીઓ કાયદાના દાયરામાં રહી જરૂરી કાર્યવાહી કરવા માટે સ્વતંત્ર રહેશે અને તપાસની પ્રગતિ અંગે કોર્ટને જાણ કરશે.

રાહુલ ગાંધીએ બે અલગ અરજીઓ કરી

રાહુલ ગાંધીએ 7 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટમાં બે અલગ-અલગ અરજીઓ દાખલ કરી છે. પ્રથમ અરજીમાં અલ્હાબાદ હાઈકોર્ટના CBI-ED સંબંધિત આદેશને પડકારવામાં આવ્યો છે, જ્યારે બીજી ટ્રાન્સફર પિટિશનમાં કેસને અલ્હાબાદ હાઈકોર્ટમાંથી દિલ્હી હાઈકોર્ટમાં ખસેડવાની માંગ કરવામાં આવી છે.

17 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

આ બંને અરજીઓ પર 17 ઓગસ્ટ 2026ના રોજ સુપ્રીમ કોર્ટની વિશેષ બેન્ચ સુનાવણી કરશે. અહેવાલ મુજબ બેન્ચમાં મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહના સામેલ રહેશે.

CBIના જવાબથી હાઈકોર્ટ અસંતુષ્ટ

આ મામલે 20 જુલાઈની સુનાવણી દરમિયાન અલ્હાબાદ હાઈકોર્ટે CBI દ્વારા દાખલ કરાયેલા સોગંદનામા પર અસંતોષ વ્યક્ત કર્યો હતો. કોર્ટનું કહેવું હતું કે CBIનો જવાબ અગાઉ આપવામાં આવેલા નિર્દેશોને અનુરૂપ નથી. બીજી તરફ EDએ જરૂરી પગલાં લીધા હોવાનું પણ કોર્ટે નોંધ્યું હતું. અલ્હાબાદ હાઈકોર્ટે આ કેસમાં આગામી સુનાવણી માટે 20 ઓગસ્ટ 2026ની તારીખ નક્કી કરી છે. હવે તે પહેલાં સુપ્રીમ કોર્ટમાં 17 ઓગસ્ટે રાહુલ ગાંધીની અરજીઓ પર થનારી સુનાવણી મહત્ત્વપૂર્ણ રહેશે.

આ પણ વાંચોઃ બિહાર : CM સમ્રાટ ચૌધરીનો મોટો નિર્ણય, ભરત તિવારીના પરિવારને મળશે આર્થિક મદદ અને સરકારી નોકરી
Back to top button