ટોપ ન્યૂઝનેશનલ

પ્રયાગરાજમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળતા ચકચાર, પુત્ર રહસ્યમય રીતે ગુમ

Prayagraj Crime News: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ શહેરમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. કોઠવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સાઉથ મલાકા વિસ્તારમાં આ ઘટના સામે આવતા પોલીસ સહિત ફોરેન્સિક ટીમ પણ દોડી આવી હતી. મૃતકોમાં વૃદ્ધ દંપતી અને તેમની પુત્રીનો સમાવેશ થાય છે, જ્યારે પરિવારનો પુત્ર હાલ ગુમ હોવાનું જાણવા મળ્યું છે.

માહિતી અનુસાર, સાઉથ મલાકા વિસ્તારમાં રહેતા 70 વર્ષીય વીરેન્દ્ર વૈશ્ય, તેમની 65 વર્ષીય પત્ની અનિતા વૈશ્ય અને 45 વર્ષીય પુત્રી મીનાક્ષી વૈશ્ય ઘણા દિવસોથી લોકોની નજરે પડ્યા ન હતા. પરિવારનું ઘર લાંબા સમયથી બંધ હતું. દરમિયાન પડોશીઓને મકાનમાંથી દુર્ગંધ આવવા લાગી હતી, જેના કારણે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી.

સૂચના મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘરનો દરવાજો તોડી અંદર પ્રવેશ કરતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. મકાનના અલગ-અલગ રૂમમાંથી ત્રણેયના મૃતદેહ મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્ર થયા હતા. પ્રાથમિક તપાસ દરમિયાન મૃતદેહો પર ઈજાના નિશાન જોવા મળ્યા હોવાનું પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે. જેના કારણે આ મામલો માત્ર સામાન્ય મૃત્યુનો નહીં પરંતુ સંભવિત હત્યાનો પણ હોઈ શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફોરેન્સિક નિષ્ણાતોની ટીમને પણ બોલાવવામાં આવી હતી. ટીમે ઘરમાંથી વિવિધ પુરાવા એકત્ર કર્યા છે અને ઘટનાસ્થળની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. સાથે જ પોલીસ પડોશીઓ અને ઓળખીતાઓની પૂછપરછ કરીને પરિવાર વિશે વધુ માહિતી એકત્ર કરી રહી છે. શહેર ઝોનના ડીસીપી મનીષ કુમાર શાંડિલ્યએ જણાવ્યું કે પરિવારનો આશરે 40 વર્ષીય પુત્ર અભિષેક હાલમાં ગુમ છે અને તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસનું માનવું છે કે અભિષેક મળી આવતાં સમગ્ર ઘટનાક્રમ અંગે મહત્વની માહિતી મળી શકે છે.

હાલમાં ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. પોલીસ હત્યા, આત્મહત્યા સહિત તમામ સંભવિત એંગલથી તપાસ કરી રહી છે. ઘટનાએ સમગ્ર પ્રયાગરાજ શહેરમાં ભય અને ચર્ચાનો માહોલ સર્જ્યો છે.

આ પણ વાંચો: પોલીસને બાતમી આપ્યાની શંકાએ યુવક પર જીવલેણ હુમલો, પથ્થર અને પટ્ટાથી માર મારતા લોહીલુહાણ

 

Back to top button