યુવાનો માટે PM મોદીની મોટી જાહેરાત: એક કરોડ યુવાઓને AI સ્કિલ ટ્રેનિંગ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મફત ઓનલાઇન કોચિંગ

નવી દિલ્હી: 80મા સ્વતંત્રતા દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધતા યુવાનો માટે બે મોટી જાહેરાત કરી. વડાપ્રધાને જણાવ્યું કે આગામી એક વર્ષમાં દેશના એક કરોડ યુવાઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI સ્કિલ્સની તાલીમ આપવામાં આવશે. આ ઉપરાંત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મફત ઓનલાઇન કોચિંગ શરૂ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતના યુવાનોમાં AIની દુનિયામાં નેતૃત્વ કરવાની ક્ષમતા વિકસે તે માટે સરકાર મોટા પાયે તાલીમ કાર્યક્રમ શરૂ કરશે.
એક વર્ષમાં એક કરોડ યુવાઓને AI તાલીમ
લાલ કિલ્લેથી દેશના યુવાઓને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે AI ઝડપથી દુનિયાના દરેક ક્ષેત્રમાં પોતાનું સ્થાન બનાવી રહ્યું છે. આવનારા સમયમાં રોજગાર, ઉદ્યોગ, સંશોધન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં AIનું મહત્વ વધુ વધવાનું છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે નક્કી કર્યું છે કે આગામી એક વર્ષ દરમિયાન એક કરોડ યુવાઓને AI સાથે જોડાયેલી સ્કિલ્સમાં તાલીમ આપવામાં આવશે.
સરકારનો હેતુ માત્ર યુવાનોને નવી ટેક્નોલોજીથી પરિચિત કરવાનો નહીં, પરંતુ તેમને વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરી શકે તેવી કુશળતા આપવાનો હોવાનું વડાપ્રધાને જણાવ્યું.
સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મફત ઓનલાઇન કોચિંગ
વડાપ્રધાન મોદીએ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાઓ માટે પણ મહત્વપૂર્ણ જાહેરાત કરી. સરકારે વિદ્યાર્થીઓને મફત ઓનલાઇન કોચિંગ ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો છે.
આ પહેલનો લાભ ખાસ કરીને એવા વિદ્યાર્થીઓને મળી શકે છે, જેમને આર્થિક કારણોસર મોંઘા કોચિંગ ક્લાસમાં જોડાવું મુશ્કેલ બને છે. ઓનલાઇન માધ્યમથી દેશના નાના શહેરો અને ગામડાઓ સુધી ગુણવત્તાસભર માર્ગદર્શન પહોંચાડવાનો સરકારનો પ્રયાસ રહેશે.
‘2014 બાદ 650 નવા યુનિવર્સિટી બન્યા’
શિક્ષણ ક્ષેત્રમાં છેલ્લા વર્ષોમાં થયેલા કામ અંગે વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે 2004થી 2014 વચ્ચે દેશમાં 350થી પણ ઓછી યુનિવર્સિટી હતી. છેલ્લા 10થી 12 વર્ષમાં લગભગ 650 નવી યુનિવર્સિટી ઉભી થઈ છે અને હવે કુલ સંખ્યા લગભગ એક હજાર સુધી પહોંચી ગઈ છે.
તેમણે કહ્યું કે ઉચ્ચ શિક્ષણ માટે દેશમાં ઉપલબ્ધ વિકલ્પોમાં નોંધપાત્ર વધારો થયો છે.
મેડિકલ કોલેજોની સંખ્યા પણ વધી
મેડિકલ શિક્ષણ અંગે વડાપ્રધાને જણાવ્યું કે 2014 પહેલાં દેશમાં લગભગ 400 મેડિકલ કોલેજ હતી, જ્યારે હવે આ સંખ્યા વધીને આશરે 850 થઈ ગઈ છે.
તેમણે કહ્યું કે મેડિકલ સીટોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે, જેથી વધુ વિદ્યાર્થીઓને દેશમાં જ મેડિકલ અભ્યાસ કરવાની તક મળી રહી છે.
વિદેશી યુનિવર્સિટીઓ હવે ભારતમાં
વડાપ્રધાને ઉચ્ચ શિક્ષણમાં થઈ રહેલા પરિવર્તનોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે હવે વિદેશી યુનિવર્સિટીઓ પણ ભારતમાં પોતાના કેમ્પસ સ્થાપવા માટે આગળ આવી રહી છે.
સરકાર એવી વ્યવસ્થા ઊભી કરી રહી છે કે ભારતીય વિદ્યાર્થીઓને વિદેશ ગયા વગર ભારતમાં રહીને જ આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓમાંથી ડિગ્રી મેળવવાની તક મળે.
10 હજારથી વધુ અટલ ટિંકરિંગ લેબ
શાળાકીય સ્તરેથી જ બાળકોને ટેક્નોલોજી અને ઇનોવેશન તરફ આકર્ષવા માટે સરકાર દ્વારા 10 હજારથી વધુ અટલ ટિંકરિંગ લેબ બનાવવામાં આવી હોવાનું વડાપ્રધાને જણાવ્યું.
આ લેબમાં વિદ્યાર્થીઓને વિજ્ઞાન, રોબોટિક્સ, ટેક્નોલોજી, ડિઝાઇન અને ઇનોવેશન સાથે પ્રયોગ કરવાની તક મળે છે. વડાપ્રધાનના જણાવ્યા મુજબ, નાની ઉંમરથી જ બાળકોમાં નવી વસ્તુઓ શીખવાની અને બનાવવાની ભાવના વિકસાવવાનો આ પ્રયાસ છે.
સ્ટાર્ટઅપથી સેટેલાઇટ સુધી યુવાનોની છાપ
વડાપ્રધાન મોદીએ ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’નો ઉલ્લેખ કરતાં કહ્યું કે દેશના યુવાન ઉદ્યોગસાહસિકોએ અનેક નવા ક્ષેત્રોમાં પોતાની ક્ષમતા સાબિત કરી છે.
તેમણે જણાવ્યું કે સરેરાશ 28 વર્ષની ઉંમરના યુવા ઉદ્યોગસાહસિકો હવે સેટેલાઇટ અને રોકેટ લોન્ચિંગ જેવા અદ્યતન ક્ષેત્રોમાં પણ આગળ વધી રહ્યા છે. દેશમાં હાલમાં 2.5 લાખથી વધુ રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ હોવાનું પણ તેમણે જણાવ્યું.
AIમાં ભારતને આગળ લઈ જવાનો સંકલ્પ
વડાપ્રધાન મોદીએ કહ્યું કે AI હવે માત્ર ટેક્નોલોજીનું એક ક્ષેત્ર નથી, પરંતુ શિક્ષણથી લઈને આરોગ્ય, ઉદ્યોગ, કૃષિ અને રોજગાર સુધી અનેક ક્ષેત્રોને બદલવાની ક્ષમતા ધરાવે છે.
આ કારણે ભારતે પોતાના યુવાઓને માત્ર AIનો ઉપયોગ કરનાર નહીં, પરંતુ AI ટેક્નોલોજીમાં નેતૃત્વ કરનારી પેઢી તરીકે તૈયાર કરવાની જરૂર છે.
એક કરોડ યુવાઓને AI સ્કિલ ટ્રેનિંગ આપવાની જાહેરાતને આ જ દિશામાં સરકારના મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહી છે.
આ પણ વાંચો: 2047 સુધી વિકસિત ભારતનો સંકલ્પ: લાલ કિલ્લાથી PM મોદીએ 12 વર્ષની કામગીરીનો હિસાબ આપ્યો












