આર્જેન્ટિના પહોંચ્યા PM મોદી, રાષ્ટ્રપતિ મિલેઇ સાથે લિથીયમ અને ઉર્જા સહયોગ પર મહત્ત્વની ચર્ચા

આર્જેન્ટિના, 6 જુલાઇ, 2025: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્જેન્ટિનાના પ્રમુખ ઝેવિયર મિલેઇ સાથે ગઇકાલે વ્યાપક ચર્ચા કરી હતી, જેમાં મહત્ત્વપૂર્ણ ખનિજ, વેપાર, રોકાણ અને ઉર્જા સહિત વિભિન્ન ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યુ હતું. નોંધનીય છે કે વડાપ્રધાન મોદી 5 દેશોની પોતાની મુલાકાતના ત્રીજા તબક્કામાં બે દિવસીય યાત્રા પર છે ત્યારે ગઇકાલે તેઓ વ્યૂનસ આયર્સ પહોંચ્યા હતા.
એવું માનવામાં આવી રહ્યુ છે કે પોતાની વાટાઘાટોમાં મોદી અને મિલેઇ મુખ્યત્વે વેપાર, રોકાણ, ઉર્જા, કૃષિ અને મહત્ત્વપૂર્ણ ખનિજ, ઓઇલ અને ગેસ, પરમાણુ ઇર્જા, કૃષિ, સાંસ્કૃતિક અને ટેકનોલોજી જેવા અનેક અગત્યના ક્ષેત્રોમાં ભાગીદારી કરી રહ્યા છે.
ખનિજ સંસાધનોના ક્ષેત્રમાં સહકાર અંગે સમજૂતી કરાર
ભારત અને આર્જેન્ટિના વચ્ચે ખનિજ સંસાધન ક્ષેત્રમાં નોંધપાત્ર સહયોગ છે. ખાસ કરીને લિથિયમમાં જે ભારતના ગ્રીન એનર્જી પરિવર્તન માટે એક મહત્વપૂર્ણ ઘટક છે. ખનિજ સંસાધનોના ક્ષેત્રમાં સહયોગ અંગે સમજૂતી કરાર (MoU) પર ઓગસ્ટ 2022માં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
MoUના માળખા હેઠળ રચાયેલા સંયુક્ત કાર્યકારી જૂથની પ્રથમ બેઠક જાન્યુઆરીમાં યોજાઈ હતી. ભારત અને આર્જેન્ટિના વચ્ચે દ્વિપક્ષીય વેપારમાં ગતિ આવી છે. 2021 અને 2022માં ભારત આર્જેન્ટિનાનો ચોથો સૌથી મોટો વેપાર ભાગીદાર હતો.
PM મોદીએ જનરલ જોસ ડીને પુષ્પાંજલિ અર્પણ કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે આર્જેન્ટિનાના રાષ્ટ્રીય નાયક ગણાતા જનરલ જોસ ડી સાન માર્ટિનના સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી. જોસ ફ્રાન્સિસ્કો ડી સાન માર્ટિન વાય માટોરસને દક્ષિણ અમેરિકન દેશો આર્જેન્ટિના, ચિલી અને પેરુના મુક્તિદાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. મોદી શુક્રવારે સાંજે બે દિવસની મુલાકાતે આર્જેન્ટિના પહોંચ્યા હતા
.આ દરમિયાન, તેઓ દેશના ટોચના નેતૃત્વ સાથે ચાલી રહેલા સહયોગની સમીક્ષા કરશે અને મુખ્ય ક્ષેત્રોમાં દ્વિપક્ષીય ભાગીદારી વધારવાના માર્ગો પર ચર્ચા કરશે. 57 વર્ષમાં વડાપ્રધાનના સ્તરે આર્જેન્ટિનાની આ પહેલી ભારતીય દ્વિપક્ષીય મુલાકાત છે. પ્રધાનમંત્રી તરીકે મોદીની આર્જેન્ટિનાની આ બીજી મુલાકાત છે. તેઓ 2018માં G-20 સમિટ માટે અહીં ગયા હતા. વડાપ્રધાનની 5 દેશોની મુલાકાતનો આ ત્રીજો તબક્કો છે.
બે દિવસીય મુલાકાત પૂર્ણ
વડાપ્રધાન મોદીએ કહ્યું કે આર્જેન્ટિના લેટિન અમેરિકામાં એક મુખ્ય આર્થિક ભાગીદાર છે અને G-20માં નજીકનો સાથી છે અને તેઓ રાષ્ટ્રપતિ જેવિયર મિલી સાથે ચર્ચા કરવા માટે આતુર છે, જેમને તેઓ ગયા વર્ષે મળ્યા હતા. તેઓ ત્રિનિદાદ અને ટોબેગોની બે દિવસીય મુલાકાત પૂર્ણ કર્યા પછી અહીં પહોંચ્યા હતા.
6 કરારો પર હસ્તાક્ષર
PM મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત દરમિયાન, બંને દેશોએ દ્વિપક્ષીય સંબંધોને વધારવા માટે 6 કરારો પર હસ્તાક્ષર કર્યા હતા. તેમની મુલાકાતના ચોથા તબક્કામાં, મોદી 17મા BRICS સમિટમાં હાજરી આપવા માટે બ્રાઝિલ જશે, ત્યારબાદ રાજ્યની મુલાકાત લેશે. તેમની મુલાકાતના છેલ્લા તબક્કામાં, મોદી નામિબિયાની મુલાકાત લેશે.
આ પણ વાંચોઃ શું એલોન મસ્ક 2028 માં પ્રમુખ પદ માટે ચૂંટણી લડશે? જાણો કોણ ફંડિંગ કરી રહ્યું છે?











