PM Kisan Yojana: 22મો હપ્તો આવે તે પહેલા જ લાખો ખેડૂતોના નામ કપાયા, જાણો તમારું નામ છે કે નહીં

PM-Kisan Samman Nidhi: પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર ચાર મહિને ₹2000ની આર્થિક સહાય આપવામાં આવે છે. અત્યાર સુધી આ યોજનાના 21 હપ્તા જાહેર થઈ ચૂક્યા છે અને હવે દેશભરના કરોડો ખેડૂતો 22મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે, આ હપ્તો રિલીઝ થાય તે પહેલા એક મોટી અપડેટ સામે આવી છે. સરકાર દ્વારા કરવામાં આવેલી પુનઃ તપાસમાં લાખો ખેડૂતોના નામ લિસ્ટમાંથી હટાવી દેવામાં આવ્યા છે. તેથી, ખેડૂતો માટે સમયસર પોતાનું સ્ટેટસ ચેક કરી લેવું ખૂબ જ જરૂરી છે.
કેમ હટાવવામાં આવી રહ્યા છે ખેડૂતોના નામ?
સરકાર માત્ર પાત્ર ખેડૂતોને જ લાભ મળે તે માટે વેરિફિકેશન ડ્રાઈવ ચલાવી રહી છે. તપાસમાં નામ કપાવા પાછળ બે મુખ્ય કારણો સામે આવ્યા છે.
- જમીનના રેકોર્ડમાં ફેરફાર: જે ખેડૂતોના નામે 1 ફેબ્રુઆરી 2019 પછી જમીન નોંધાઈ છે, તેમના દસ્તાવેજોની ફરી તપાસ થઈ રહી છે. જો આ તારીખ પહેલા માલિકી હક સ્પષ્ટ ન થાય, તો પાત્રતા રદ થઈ શકે છે.
- પરિવારનો નિયમ: યોજના મુજબ એક પરિવારમાં માત્ર એક જ સભ્ય લાભ લઈ શકે છે. ઘણા કિસ્સામાં પતિ અને પત્ની બંને હપ્તા મેળવતા હતા, આવા કિસ્સામાં ચૂકવણું અટકાવી દેવામાં આવ્યું છે. ખોટી રીતે લાભ લેનારાઓ પાસેથી રકમની વસૂલાત (Recovery) પણ થઈ શકે છે.
તમારું નામ લિસ્ટમાં છે કે નહીં? આ રીતે કરો ચેક
તમે ઘરે બેઠા ઓનલાઇન સ્ટેટસ જાણી શકો છો:
- સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જાઓ.
- હોમપેજ પર ‘Farmers Corner’ માં ‘Know Your Status’ વિકલ્પ પસંદ કરો.
- તમારો રજિસ્ટ્રેશન નંબર અથવા મોબાઈલ નંબર અને કેપ્ચા દાખલ કરી ‘Get Data’ પર ક્લિક કરો.
- અહીં ખાસ જુઓ કે તમારી e-KYC અને Land Seeding વિગતો ‘Yes’ બતાવે છે કે નહીં. જો આ પેન્ડિંગ હશે તો હપ્તો અટકી શકે છે.
22મો હપ્તો ક્યારે આવી શકે છે?
સરકારે હજુ કોઈ સત્તાવાર તારીખ જાહેર કરી નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર માર્ચ 2026ના પ્રથમ સપ્તાહમાં અથવા હોળી (માર્ચ 14-15) પહેલા ₹2000 ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે.












