ગાઝિયાબાદના PhD સ્કોલરને ઓનલાઈન કન્યા શોધવી ભારે પડી, લાગી ગયો 49 લાખનો ચૂનો

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાંથી છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક PhD સ્કોલર ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન્યો છે. વૈશાલીના 42 વર્ષીય PhD સ્કોલર અભિષેક ચૌધરી લગ્ન માટે ઓનલાઈન છોકરી શોધી રહ્યો હતો, પરંતુ આ તેને ભારે પડી ગયું અને તેની સાથે 49 લાખની છેતરપિંડી થઈ ગઈ.
અભિષેક ચૌધરીએ લગ્ન માટે છોકરી શોધી રહ્યો હતો. જે માટે તેણે Shaadi.com પર એક ID બનાવ્યું હતું. તેવામાં સપ્ટેમ્બરમાં તેની મુલાકાત એક મહિલા સાથે થઈ. શરૂઆતમાં તો બંને વચ્ચે બધું બરાબર ચાલ્યું. તેમની વચ્ચે મિત્રતા થઈ ગઈ. છોકરીએ જણાવ્યું કે તેનો પરિવાર પંજાબ અને દિલ્હી-NCRમાં રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલો છે. તેવામાં બંને વચ્ચે વાતચીત વધતી ગઈ અને ધીમે ધીમે મહિલાએ અભિષેકનો વિશ્વાસ જીતી લીધો.
ફોરેક્સનો વેપાર કરવા માટે રાજી
આરોપ છે કે મહિલાએ તેને પોતાની જાળમાં ફસાવ્યો. ત્યારબાદ તેણીએ તેને ફોરેક્સનો વેપાર કરવા માટે મનાવ્યો અને થોડા જ અઠવાડિયામાં તેની પાસેથી 49 લાખની છેતરપિંડી કરી લીધી. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલાએ તેને વોટ્સએપ પર એક લિંક મોકલીને પ્લેટફોર્મ પર રજીસ્ટર કરાવવાનું કહ્યું. ત્યારબાદ વેરિફિકેશન માટે તેનું મતદાર ID અપલોડ કરવાનું કહ્યું. પ્લેટફોર્મે 250 ડોલરની ઓછામાં ઓછી ડિપોઝિટ રકમ ઓફર કરી, પરંતુ મહિલાના કહેવા પર, તેણે 500 ડોલર જમા કરાવ્યા.
છેતરપિંડીની શરૂઆત આ રજીસ્ટ્રેશનથી થઈ. મહિલા અને તેના સાથીઓએ ચૌધરીને ભારતીય રૂપિયામાં પેમેન્ટ કરવા સમજાવ્યો, જે પછી ડોલરમાં રૂપાંતરિત થઈને તેના ટ્રેડિંગ એકાઉન્ટમાં ઉમેરવામાં આવ્યા. એપ પર દેખાતા નકલી નફાને જોઈને, અભિષેકને વિશ્વાસ થઈ ગયો અને છેતરપિંડી કરનારાઓ દ્વારા આપેલા એકાઉન્ટમાં કુલ 49 લાખ ટ્રાન્સફર કર્યા.
મુશ્કેલી ત્યારે શરૂ થઈ જ્યારે તેણે પોતાના પૈસા ઉપાડવાનો પ્રયાસ કર્યો. દરેક વખતે, તેની પાસે 30 ટકા ટેક્સના નામે વધુ પૈસા માંગવામાં આવતા હતા. મૂળ રોકાણ પાછું ખેંચવા માટે પણ ટેક્સ ચૂકવવો પડતો હતો. ઘણા પ્રયાસો પછી, તેને ખ્યાલ આવ્યો કે તેની સાથે છેતરપિંડી થઈ છે, કે આખું પ્લેટફોર્મ અને તે મહિલા એક મોટા કૌભાંડનો ભાગ છે.
IT એક્ટ હેઠળ FIR નોંધાઈ
સાયબર ક્રાઈમ અને ક્રાઈમના એડીસીપી, પિયુષ કુમાર સિંહે જણાવ્યું હતું કે આ કેસમાં IT એક્ટ હેઠળ FIR નોંધવામાં આવી છે, અને બેંકો પાસેથી તે બેંક ખાતાઓ વિશે માહિતી માંગવામાં આવી છે જેમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. પોલીસનું કહેવું છે કે આ પ્રકારની છેતરપિંડી ઝડપથી વધી રહી છે, છેતરપિંડી કરનારાઓ ઓનલાઈન સાઇટ્સનો લાભ લઈ રહ્યા છે. ADCP સિંહે લોકોને ચેતવણી આપી હતી કે તેઓ પરિચિતો સાથે ઓનલાઈન વ્યક્તિગત માહિતી શેર કરવાનું ટાળે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રના સોલાપુરમાં રોડ અકસ્માત: ટ્રક સાથે ટકરાઈ એક નવવિવાહિત દંપતીની કાર, 5 લોકોના ઘટના સ્થળે મોત












