સંસદનું ચોમાસુ સત્ર: લોકસભામાં વંદે માતરમ્ બિલ ધ્વનિમતથી પસાર, રાજ્યસભામાં પેપર લીક બિલ પર ચર્ચા

Monsoon Satra: સંસદના ચોમાસુ સત્ર દરમિયાન આજે 30 જુલાઈ 2026ના રોજ લોકસભા અને રાજ્યસભા બંનેમાં ભારે હોબાળો જોવા મળ્યો છે. એક તરફ લોકસભામાં વંદે માતરમ્ બિલ રજૂ થયા બાદ ધ્વનિમતથી પસાર કરવામાં આવ્યું છે, તો બીજી તરફ રાજ્યસભામાં પેપર લીક વિરોધી બિલ પર ચર્ચા ચાલી રહી છે. સંસદની કાર્યવાહી દરમિયાન વિપક્ષના હોબાળા અને વોકઆઉટને કારણે બંને ગૃહોની કાર્યવાહી થોડા સમય માટે સ્થગિત પણ કરવામાં આવી હતી.
લોકસભામાં વંદે માતરમ્ બિલ ધ્વનિમતથી પાસ
ગુરુવારે લોકસભામાં વંદે માતરમ્ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. ચર્ચા બાદ બિલને ધ્વનિમતથી પસાર કરવામાં આવ્યું છે. આ દરમિયાન લોકસભામાં રાજકીય અને સંસદીય મુદ્દાઓને લઈને ચર્ચા અને હોબાળો બંને જોવા મળ્યા હતા.
રાજ્યસભામાં પેપર લીક બિલ પર ચર્ચા
બીજી તરફ રાજ્યસભામાં એન્ટી-પેપર લીક બિલ રજૂ કરવામાં આવ્યું છે અને તેના પર ચર્ચા ચાલી રહી છે. આ બિલમાં જાહેર પરીક્ષાઓમાં પેપર લીક અને ગેરરીતિને રોકવા માટે કાયદાને વધુ કડક બનાવવાની જોગવાઈઓ કરવામાં આવી છે. સરકારનો દાવો છે કે પરીક્ષામાં ગેરરીતિ કરનારાઓ સામે કડક કાર્યવાહીથી વિદ્યાર્થીઓના ભવિષ્યનું રક્ષણ કરવામાં મદદ મળશે.
વિપક્ષનો વોકઆઉટ, બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત
સંસદમાં વિવિધ મુદ્દાઓને લઈને સરકાર અને વિપક્ષ વચ્ચે તણાવ જોવા મળ્યો હતો. રાજ્યસભામાં વિપક્ષે વોકઆઉટ પણ કર્યું હતું. ત્યારબાદ લોકસભા અને રાજ્યસભા બંનેની કાર્યવાહી થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી હતી.
જેપી નડ્ડાનો વિપક્ષ પર પ્રહાર
રાજ્યસભામાં કેન્દ્રીય મંત્રી અને ગૃહના નેતા જે.પી. નડ્ડાએ વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. નડ્ડાએ આરોપ લગાવ્યો કે સંસદનું સત્ર શરૂ થયું ત્યારથી વિપક્ષનું ધ્યાન ગૃહની કાર્યવાહી ચાલવા દેવા કરતાં તેમાં વિક્ષેપ ઊભો કરવા પર રહ્યું છે. તેમણે એવો પણ દાવો કર્યો કે વિપક્ષ પાસે કોઈ નક્કર મુદ્દો નથી અને તે વારંવાર પોતાના મુદ્દા બદલી રહ્યો છે. નડ્ડાએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર દરેક મુદ્દા પર ચર્ચા કરવા માટે તૈયાર છે.












