ડૂબી રહ્યું છે પાકિસ્તાનનું અર્થતંત્ર, ભારત સાથે દુશ્મની કરશે તો દાણા દાણા માટે મારવા પડશે વલખાં

નવી દિલ્હી, 28 એપ્રિલ, 2025: જમ્મુ કાશ્મીરના પહેલાગમના હુમલાએ સમગ્ર વિશ્વમાં હડકંપ મચાવી દીધો છે તે પછી ભારતે કડક પગલાં ઉઠાવ્યા છે, જેમાં પાકિસ્તાનની હાલત જે હતી તેના કારણે પણ વધુ બગડી ગઇ છે. ભારતના કડક પગલાં બાદ પાકિસ્તાનનું શેર બજાર જ નહીં પરંતુ તેની અર્થતંત્રની નાવ પણ હવે હચમચવા માંડી છે. આમ જો ભારત સાથે દુશ્મની કરતા પાકિસ્તાનને કેટકેટલું ભોગવવું પડશે તેની પર નજર નાખીએ. એક અહેવાલ અનુસાર પાકિસ્તાનને દાણા દાણા માટે વલખાં મારવાનો વારો આવશે.
ભારતે લીધેલા મોટા પગલાં
પહેલગામ હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી છે. વધુમાં, પાકિસ્તાની નાગરિકો માટે સાર્ક વિઝા મુક્તિ બંધ કરી દેવામાં આવી છે, હાઈ કમિશનના કર્મચારીઓ પર કાપ મુકવામાં આવ્યો છે અને અટારી બોર્ડર બંધ કરી દેવામાં આવી છે. આની અસર પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જમાં કડાકા રૂપે જોવા મળી હતી. વેપાર-ધંધા બંધ હોવાને કારણે અનેક જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે.
પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પહેલાથી જ ICUમાં હતી
એવું નથી કે માત્ર ભારતના કડક વલણને કારણે જ પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ડગમગી ગઈ છે. આ પહેલા પણ પાકિસ્તાનની આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી. IMFએ પાકિસ્તાનનો GDP ગ્રોથ ઘટાડીને 2.6 ટકા કર્યો છે અને એશિયન ડેવલપમેન્ટ બેન્કે પણ અર્તંત્રની વૃદ્ધિનો દર ઘટાડીને 2.5 ટકા કર્યો છે.
બીજી તરફ પાકિસ્તાનના પોતાના મંત્રીઓ પણ ચા ઓછી પીવાની અપીલ કરી રહ્યા હતા, કારણ કે ચાની આયાત કરવા માટે પણ લોન લેવી પડતી હતી. 2023માં ત્યાં ફુગાવો 38.5 ટકાએ પહોંચ્યો હતો, અનામત માત્ર થોડા સપ્તાહોની આયાતને આવરી લેવા માટે પૂરતી હતું અને વ્યાજ દર 22 ટકા સુધી પહોંચી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, આ એ જ પાકિસ્તાન છે જે આતંકવાદને ફંડિંગના આરોપોને કારણે લગભગ પાંચ વર્ષ સુધી FATFની ગ્રે લિસ્ટમાં રહ્યું હતું.
પાકિસ્તાનને એક એક દાણા માટે વલખાં મારવા પડશે
જ્યારે ભારતે સિંધુ જળ સંધિ પર બ્રેક લગાવી ત્યારે પાકિસ્તાનની ખેતી પર પણ સંકટ ઊભું થયું છે. પાકિસ્તાનના 90 ટકા પાક જેમ કે ઘઉં, ચોખા, કપાસની સિંચાઈ સિંધુ નદીના પાણીથી થાય છે. જો પાણીનો પ્રવાહ ઘટશે અથવા ડેટા શેરિંગ બંધ થશે તો પાકિસ્તાનની કૃષિ અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડશે. આ સાથે, કૃષિ, જે પાકિસ્તાનના જીડીપીમાં 22.7 ટકા યોગદાન આપે છે અને તેના 37.4 ટકા લોકોને રોજગાર આપે છે, તે નાશ પામશે.
આ પણ વાંચોઃ પહલગામ હુમલો : આતંકીઓ સામે તાબડતોબ કાર્યવાહી, વધુ ત્રણ મકાનો જમીનદોસ્ત કરાયા












