હવે નિસાન પણ 20 હજાર લોકોને છૂટા કરશે, જાણો શું છે કારણ

નવી દિલ્હી, 14 મે, 2025: આખી દુનિયામાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લાદેલા ટેરિફને કારણે હલચલ જોવા મળી રહી છે. તેના પરિણામે અનેક દિગ્ગજ કંપનીઓ પોતાના ખર્ચમાં ઘટાડો કરવા માટે આખરે કર્મચારીઓની છટણી કરી રહી છે. તાજેતરના મહિનાઓમાં, ગૂગલ સહિત ઘણી કંપનીઓએ તેમના કર્મચારીઓને મોટી સંખ્યામાં છૂટા કરવાની જાહેરાત કરી છે. હવે આ યાદીમાં જાપાની કાર ઉત્પાદક કંપની નિસાનનું નામ પણ ઉમેરાયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નિસાન લગભગ 20 હજાર લોકોને છુટા કરવા જઈ રહી છે, જે સંખ્યા અગાઉની જાહેરાત કરતા લગભગ બમણી છે. વૈશ્વિક વેચાણમાં ઘટાડા અને નુકસાનને કારણે ઉદભવેલી નાણાંકીય કટોકટી વચ્ચે કંપની દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગત નવેમ્બરમાં, નિસાને જણાવ્યું હતું કે યુએસ અને ચીનમાં નબળા કાર વેચાણને કારણે તેનો પ્રથમ છ મહિનામાં નફો 94% ઘટ્યો છે. આ કારણે તેઓ 9 હજાર કર્મચારીઓને છૂટા કરશે. જાપાનની બ્રોડકાસ્ટર NHKના અનુસાર, હવે કંપનીએ 20 હજાર કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો છે, જે નિસાનના કુલ કર્મચારીઓની સંખ્યાના 15 ટકા છે.
પાછલા વર્ષે 700થી 750 અબજ જાપાની યેનનું નુકસાન
જાપાની કાર ઉત્પાદક કંપનીએ તાજેતરમાં અંદાજ લગાવ્યો હતો કે ગયા નાણાકીય વર્ષ દરમિયાન તેને 700-750 અબજ યેન (4.74 થી 5.08 અબજ ડોલર)નું નુકસાન થયું છે.
આ ઉપરાંત, અન્ય એક અહેવાલમાં એવું પણ સૂચવવામાં આવ્યું છે કે નિસાન વતી જાપાનમાં વહીવટી કાર્યમાં રોકાયેલા સેંકડો કર્મચારીઓને વહેલી નિવૃત્તિ આપવામાં આવી શકે છે. જો આવું થાય, તો તે 18 વર્ષમાં કંપનીની પહેલી આવી નિવૃત્તિ યોજના હશે. જોકે, આ રિપોર્ટ અંગે નિસાન દ્વારા હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
અહીં નોંધનીય બાબત એ છે કે નિસાન જૂની કારના પડકારોનો સામનો કરી રહ્યું છે. આ કારણોસર, તે તેનું વેચાણ વધારવા માટે સતત ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યું છે.












