હવે ટ્રેનમાં પણ મળશે ATM સુવિધાઃ જુઓ વીડિયો

નવી દિલ્હી, 16 એપ્રિલ : ભારતીય રેલ્વે તેના મુસાફરોની સુવિધા માટે એક અદ્ભુત અને મહત્વપૂર્ણ પગલું ભરવા જઈ રહી છે. રેલવેના આ પગલાને કારણે ટ્રેનમાં મુસાફરી કરતા લોકોને મુસાફરી દરમિયાન ક્યારેય રોકડની અછતનો સામનો નહીં કરવો પડે.
હા, ભારતીય રેલ્વે ટ્રેનોમાં ATM સુવિધા આપવાનું વિચારી રહી છે અને તેનું ટ્રાયલ પણ સફળ રહ્યું હતું. રેલવેએ મંગળવારે મનમાડ અને મુંબઈ વચ્ચે દોડતી પંચવટી એક્સપ્રેસમાં ATMની ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ એટીએમ ટ્રેનના એસી કોચમાં લગાવવામાં આવ્યું હતું. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે રેલવે આગામી સમયમાં ઘણી ટ્રેનોમાં એટીએમ સુવિધા શરૂ કરી શકે છે.
View this post on Instagram
ઇગતપુરી-કસારા સેક્શન પર સિગ્નલના અભાવે સમસ્યા સર્જાઇ
રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર પંચવટી એક્સપ્રેસમાં એટીએમનું પરીક્ષણ સફળ રહ્યું હતું. જો કે, તેમણે કહ્યું કે ઇગતપુરી અને કસારા વચ્ચેના નો-નેટવર્ક વિસ્તારમાંથી પસાર થતી વખતે એટીએમ મશીનને સિગ્નલ મળ્યું ન હતું, જેના કારણે ટ્રાન્ઝેક્શન પૂર્ણ થઈ શક્યું ન હતું.
અધિકારીઓએ જણાવ્યું કે ઇગતપુરી અને કસારા વચ્ચેની મુસાફરી દરમિયાન ટ્રેન ઘણી ટનલમાંથી પસાર થાય છે, જેના કારણે આ સેક્શનમાં દરેક જગ્યાએ સિગ્નલ ઉપલબ્ધ નથી.
TOI સાથે વાત કરતી વખતે, ભુસાવલ DRM ઇતિ પાંડેએ કહ્યું કે ટ્રાયલના પરિણામો સારા હતા. મુસાફરો હવે ચાલતી ટ્રેનમાં પણ એટીએમમાંથી રોકડ ઉપાડી શકશે. અમે સમગ્ર પ્રવાસ દરમિયાન ATM મશીનની કામગીરી પર નજર રાખવાનું ચાલુ રાખીશું.
રેલવેએ બેંક ઓફ મહારાષ્ટ્રના સહયોગથી આ ટ્રાયલ હાથ ધર્યું
મધ્ય રેલવેના ભુસાવલ ડિવિઝન અને બેન્ક ઑફ મહારાષ્ટ્રે સંયુક્ત રીતે પંચવટી એક્સપ્રેસમાં ATMની ટ્રાયલ હાથ ધરી હતી. ખાસ વાત એ છે કે એસી કોચમાં લાગેલા આ ATMનો ઉપયોગ ટ્રેનના તમામ મુસાફરો કરી શકશે, કારણ કે આ ટ્રેનના તમામ 22 કોચ વેસ્ટિબ્યૂલ દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે.
રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે જો ઓનબોર્ડ એટીએમ સુવિધાની માંગ અને વપરાશ વધશે તો તેને અન્ય ટ્રેનોમાં પણ રજૂ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે દેશના ઈતિહાસમાં પહેલીવાર ટ્રેનમાં ATMની સુવિધા ઉપલબ્ધ થઈ છે. જો કે દેશના તમામ નાના-મોટા રેલવે સ્ટેશનો પર ઘણી બેંકોના એટીએમ લગાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો :- Google કરશે મોટો ફેરફાર, આખી દુનિયાના ડોમેન ચેંજ થશે; શું યુઝર્સ પર કોઈ અસર થશે?












