ગુજરાતના આ જિલ્લામાં બકરી ઈદને લઈને નોટિફિકેશન જાહેર થયું, આટલા પ્રતિબંધો લગાવ્યા

પંચમહાલ: મુસ્લિમ ધર્મનો તહેવાર બકરી ઈદ 7 જૂને મનાવવામાં આવશે. આ દરમ્યાન સુરક્ષા વ્યવસ્થાને લઈને બેઠકો થઈ રહી છે. આ તહેવારના અવસર પર અમુક ખાસ પ્રકારના પશુઓની કુરબાની આપવામાં આવે છે, જેના માટે સાર્વજનિક અથવા ખાનગી સ્થાન, ફળિયા, શેરીઓમાં કોઈ પણ પશુઓને વધ કરવાથી અન્ય ધર્મો-સમુદાયના લોકોની ભાવનાને ઠેસ પહોંચે તથા શાંતિ ભંગ થવાની સંભાવનાઓ રહેલી છે.
પંચમહાલના એડીએમએ જાહેરનામું બહાર પાડ્યું
બકરી ઈદ નિમિત્તે, પંચમહાલ જિલ્લામાં મોટી મસ્જિદો અને ઇદગાહોમાં નમાઝ માટે અથવા જુલુસ કાઢવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થાય તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં, કાયદો અને વ્યવસ્થા જાળવવા અને જાહેર લાગણીઓને ઠેસ ન પહોંચે તે માટે, પંચમહાલના એડીએમ જે.જે. પટેલે કેટલીક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવા અંગે જાહેરનામું બહાર પાડ્યું છે.
કયા પ્રતિબંધો છે?
- આ જાહેરનામામાં કોઈપણ વ્યક્તિને જાહેર કે ખાનગી સ્થળો, રસ્તાઓ કે વિસ્તારોમાં કોઈપણ પ્રાણીની કતલ કરવાની અને શણગારેલા અને જાહેરમાં લઈ જવામાં આવેલા કોઈપણ પ્રાણીને એકલા અથવા સરઘસમાં લઈ જવાની મનાઈ ફરમાવે છે.
- જે વ્યક્તિ કે સંસ્થાએ કતલખાના ચલાવવા માટે સક્ષમ અધિકારી પાસેથી પરવાનગી લીધી હોય તેમને તેમના દ્વારા કતલ કરાયેલા પ્રાણીનું માંસ, હાડકાં અને અવશેષો જાહેરમાં ફેંકવાની મનાઈ ફરમાવે છે.
- આ જાહેરનામું 4 જૂન 2025 થી 12 જૂન 2025 સુધી પંચમહાલ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં લાગુ રહેશે. આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ સજાને પાત્ર રહેશે. તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: મારુ દિલ અને આત્મા હંમેશા બેંગલુરુ સાથે: પહેલી IPL ટ્રોફી જીત્યા બાદ કોહલીએ કહી આ વાત












