ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હી બ્લાસ્ટમાં સામેલ એક પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે, ભુતાનથી PM મોદીની પ્રતિક્રિયા

  • પીએમ મોદીએ ભુતાનમાં દિલ્હી બ્લાસ્ટની ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આજે હું ભારે મનથી અહીં આવ્યો છું. ગઈકાલે સાંજે દિલ્હીમાં ભયાનક ઘટનાએ મને વ્યથિત કરી દીધો છે

HD ન્યુઝ ડેસ્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભુતાનના પ્રવાસ દરમિયાન સોમવારે દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ Delhi Car blast પર શોક વ્યક્ત કર્યો છે અને પીડિત પરિવારોને સંવેદનાઓ પાઠવી છે. પીએમ મોદીએ ભુતાન Bhutanમાં દિલ્હી બ્લાસ્ટની ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આજે હું ભારે મનથી અહીં આવ્યો છું. ગઈકાલે સાંજે દિલ્હીમાં ભયાનક ઘટનાએ મને વ્યથિત કરી દીધો છે. હું પીડિત પરિવારોના દુઃખને સમજું છું. આજે સમગ્ર દેશ તેમની પડખે ઊભો છે. ગઈકાલે હું રાતે દરેક તપાસ એજન્સી અને મહત્ત્વપૂર્ણ અધિકારીઓના સંપર્કમાં હતો. વિચાર વિમર્શ ચાલી રહ્યા હતા. તમામ ઘટનાઓની લિંક જોડવામાં આવી રહી છે. અમારી તપાસ એજન્સીઓ આ કાવતરાના ઊંડાણ સુધી જશે અને આ કાવતરાં પાછળના ષડયંત્રકારીઓને છોડવામાં નહીં આવે.

ઘાયલ વ્યક્તિઓ જલદી સાજા થાય તેવી કામના વ્યક્ત કરી

પીએમ મોદીએ કહ્યું કે, ‘આ દુર્ઘટનામાં જે પરિવારોએ પોતાના પ્રિયજન ગુમાવ્યા છે, તે બધાના દુઃખમાં સમગ્ર દેશ સહભાગી છે. તેમણે શોકગ્રસ્ત પરિવારોને સાંત્વના આપી અને ઘાયલ વ્યક્તિઓ જલદી સાજા થાય તેવી કામના વ્યક્ત કરી હતી. આ સાથે જ સુરક્ષા અને કાયદા અમલીકરણ એજન્સીઓને પૂરી સૂચના આપવામાં આવી છે કે તેઓ નિષ્પક્ષ અને ઝડપી તપાસ કરીને આરોપીઓ સુધી પહોંચે અને દોષિતો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરે.

ભુતાન અંગે શું કહ્યું?

આજનો દિવસ ભુતાન માટે અને ભુતાનના રાજ પરિવાર માટે તથા વિશ્વ શાંતિમાં વિશ્વાસ ધરાવતા તમામ લોકો માટે મહત્ત્વપૂર્ણ છે. સદીઓથી ભારત અને ભુતાન વચ્ચે ગાઢ, આત્મીય અને સાંસ્કૃતિક સંબંધ રહ્યા હતા. એટલા માટે આ મહત્ત્વપૂર્ણ અવસરે સામેલ થવું એ ભારત અને મારું કમિટમેન્ટ હતું. તેમણે આગળ કહ્યું કે તમારામાંથી ઘણા લોકો નથી જાણતા કે મારું જન્મસ્થાન વડનગર બૌદ્ધ પરંપરા સાથે જોડાયેલું છે. મારી કર્મભૂમિ વારાણસી પણ બૌદ્ધ ભક્તિનું સ્થાન છે. તેથી મારું આ સમારંભમાં આવવું ખાસ હતું. શાંતિ માટે મારી પ્રાર્થનાનો આ દીપક ભૂતાન અને આખી દુનિયાના દરેક ઘરને રોશન કરે.

PM મોદીનો ભુતાન પ્રવાસ છે મહત્ત્વનો

પીએમ મોદી આ પ્રવાસ દરમિયાન ભુતાનના વડાપ્રધાન ત્સેરિંગ ટોબગે સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. આ બેઠકમાં ઊર્જા, વેપાર, સુરક્ષા અને સાંસ્કૃતિક સહયોગ જેવા ક્ષેત્રોને વધુ મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવશે. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓ મળીને 1020 મેગાવોટની પુનાત્સાંગછૂ-II જળવિદ્યુત પરિયોજનાનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ ભારત-ભુતાન ઊર્જા સહયોગની એક મોટી સિદ્ધિ માનવામાં આવે છે અને બંને દેશોના સંબંધોને વધુ મજબૂત બનાવશે.

આ પણ વાંચોઃ પીએમ જનમનના અમલીકરણમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે, મળ્યો ‘બેસ્ટ પર્ફોર્મિંગ સ્ટેટ’નો પુરસ્કાર

Back to top button